ખેડા: રઢુ એ વાત્રક નદીના કિનારે આવેલું અમદાવાદથી ૫૦ કિ.મી.ના અંતરે ખેડા જિલ્લાનું ગામ. ગુજરાતના બીજા ગામોની માફક ખાસ ઉપલબ્ધી વિનાનું સામાન્ય ગામ. છતાં ત્રણ કારણોસર બીજા ગામ કરતા વધુ મહત્વ ધરાવે છે. નડિયાદના સંતરામ મહારાજની સાત ગાદીમાં એક ગાદી રઢુમાં આવેલી છે. બીજી ઓળખ ગુજરાતના મૂક સેવક તરીકે જાણીતા સ્વતંત્રસેનાની રવિ શંકર મહારાજની જન્મભૂમિ અને ત્રીજી મહત્વની ઓળખ છે કામનાથ મહાદેવનું મંદિર. જે દાદાના હુલામણાં નામે પણ પ્રખ્યાત છે. અદ્ભુત પ્રાચીન ઈતિહાસ છે આ મંદિરનો. જેની સામે બધી જ સમજદારી અને નાસ્તિકતા અવળી પડે છે.કામનાથ દાદાના મંદિરનો ઈતિહાસ 629 વર્ષ જૂનો છે. ગુજરાતમાં આવેલું આ એક એવું શિવ મંદિર છે, જ્યાં ઘીના ભંડાર રોજબરોજ વધતા જાય છે. મંદિરમાં ઘી ભરેલા 1300 ઘડા મુકવા હવે મંદિરમાં જગ્યા ઓછી પડે છે. સાચવણી માટે ચાર ધી ભંડાર બનાવાયા છે.
પાંચ નદીઓના સંગમસ્થાન પર આવેલ શ્રી કામનાથ મહાદેવ મંદિર 1445માં બન્યું હોવાની લોકવાયકા છે. આજથી 629 વર્ષ પહેલાં આ મંદિરમાં મહાદેવજીની જયોત રઢુના જેસંગભાઇ હીરાભાઇ પટેલ વર્ષો પહેલા લાવ્યા હતા. મહાદેવજીના ભકત જેસંગભાઇ દરરોજ સવારે મહાદેવના દર્શન કર્યા બાદ જ ખોરાક લેતા હતા. એક રાત્રિએ જેસંગભાઇને સ્વપ્ન આવ્યું હતું. જેમાં મહાદેવજીએ કહ્યું હતું કે, પુનાજ ગામેથી દીવો પ્રગટાવીને મને લઇ આવ. જેસંગભાઇ અને ગ્રામજનો રઢુથી આઠેક કિલોમીટર દૂર આવેલા પુનાજ ગામેથી જ્યોત રૂપે દીવો લઈને આવ્યા. ત્યારથી આ સ્થાનનું મહત્વ જળવાઈ રહ્યું છે.
(રેખા પટેલ – ડેલાવર)