દિવાળી ખુબ ગમે છે

રાહુલને દિવાળી, નવું વર્ષ, ક્રિસમસ કે થેન્ગ્સ ગિવીંગ જેવા તહેવારો આવે ત્યારે આભ તૂટી પડતું હોય તેવો અહેસાસ થઇ જતો. એમાય આ બધા તહેવારો અમેરિકાની ઠંડીની શરૂઆતના દિવસોમાં આવતા આથી વધુ એકલતા અનુભવતો.

ભૂલ પણ એનીજ હતી ને કે તહેવારોના દિવસોમાં સાવ એકલો પડી જતો. બાકી બે મઝાના બાળકો, પત્ની સાથે આખો પરિવાર હતો દિવાળીમાં બે દિવસની રજાઓ ઓછી પડતી હતી.

માલવિકા કહેતી પણ ખરી “સાંજે વહેલા આવી જજો, પછી સાથે સેલીબ્રેટ કરીશું. આમ પણ પરદેશમાં આપણે વીકેન્ડમાં જ દિવાળી ઉજવાય છે ને!”

વાત તેની સાચી હતી. આપણા તહેવારો ગમે તે દિવસે આવે પણ ભેગા મળીને ઉજવણી વીકેન્ડમાં જ થતી. છતાં નાનપણથી તેને નવા વર્ષની શુભ સવારનું ખાસ મહત્વ હતું. દેશમાં આ દિવસે એ ક્યાય જતો નહિ બસ પરિવાર સાથે રહી ઉજવણી કરતો. અહી આવ્યા પછી પણ આ દિવસે એ રજા રાખતો. હોસ્પીટલમાં ડેસ્ક ઉપર તેની જોબ હતી છતાં ભલેને પગાર જાય પણ પરિવાર સાથે ઘરે રહેવું એ નક્કી હતું.

પંદર વર્ષના વસવાટ પછી પણ આ ક્રમ ચાલુ હતો. પરંતુ એક દિવાળીએ માલવિકાની ખાસ ફ્રેન્ડ ઇન્ડીયાથી આવી, અહી નજીક રહેતા બીજા મિત્રોએ દિવાળીના બે દિવસ બહાર જવાનું નક્કી કર્યું. કારણ દિવાળી વીકેન્ડમાં આવતી હતી, બધાને માટે આ અનુકુળ સમય હતો. રાહુલની ઘણી ના હોવા છતાં માલવિકાને વર્ષો પછી મિત્રોને મળવાનો મોકો ખોવો નહોતો.

રાહુલ તો મહિનામાં બે વખત મિત્રો સાથે ડીનરના પ્લાન બનાવી આનંદ મેળવી લેતો તો આટલા વર્ષો પછી મળેલો મોકો માલવિકા શા માટે ખોવે?

“આટલી વખત દિવાળી તમે ત્રણ સાથે ઉજવો” કહી બે દિવસ નાયગ્રા ફોલ ઉપાડી ગઈ. ટીનેજ થયેલો રાજ પણ ફૂટબોલ જોવા મિત્રના ઘરે ઉપડી ગયો. નાની મોનલ પણ એકલી હોવાથી નજીક માસીના ઘરે ચાલી ગઈ.

રાહુલથી તહેવારોના દિવસની એકલતા સહન થઇ નહિ. બસ બે દિવસ ધુઆપુઆ રહ્યો એનો પિત્તો આસમાને રહ્યો. એમાય માલવિકાના પુરુષ મિત્રો સાથેના ફોટા અને ચહેરા ઉપરનો આનંદ બળતામાં ઘી હોમવાનું કામ કરી ગયો. બસ નાનો તણખો તેના સુખી સંસારમાં આગ લગાવી ગયો. શંકાના વાદળો અને તેના ગુસ્સાને કારણે અને બીજી દિવાળી સુધી તો બધું વિખરાઈ ગયું. બાળકોને લઇ માલવિકા એકલી રહેવા ચાલી ગઈ.

એ વાતને ત્રણ વર્ષ વીતી ગયા. હવે જ્યારે પણ દિવાળી આવતી રાજ ડીપ્રેશન અનુભવતો. દિવાળીની સાંજે સાત વાગ્યે હોસ્પીટલમાંથી તેના સાથી કર્મચારી જ્હોનનો ફોન આવ્યો. કોઈ કારણોસર તેને ઘરે જવું હતું, તેના બદલામાં કામ ઉપર આવવાની તેની રિકવેસ્ટને રાહુલે સહર્ષ સ્વીકારી લીધી. આમ પણ હવે એકલી વ્યક્તિને દિવાળી શું અને ક્રિસમસ શું?

રાહુલ ઉદાસ ચહેરે ડેસ્ક ઉપર બેઠો હતો ત્યાંજ કોઈ નર્સ તેની સામે ઘરે બનાવેલા ઇન્ડિયન લાડવાનું બોક્સ લઈને આવી.

“અરે આતો અમારી ઇન્ડિયન સ્વિટ છે? કોણ લાવ્યું?” તેણે નર્સને પૂછ્યું.

” એક લેડી અને તેના બે બાળકો દર દિવાળીએ અહી હોસ્પીટલમાં બાળકો માટે ગીફ્ટ અને અમારા માટે સ્વીટ લઈને આવે છે. તેનું કહેવું છે કે મારા પતિને આ તહેવાર ખુબ ગમે છે, તે અમારાથી અલગ રહે છે પરંતુ દિલથી દુર નથી માટે અમે તેમને યાદ કરીને આ તહેવાર ખાસ બનાવવા અમે આ રીતે ઉજવણી કરીએ છીએ. દિવાળી એકલા ઉજવવી તેના કરતા બીજાઓને પણ ખુશી મળે તે રીતે ઉજવાથી તેનું મહત્વ જળવાય છે.” નર્સે અંગ્રેજીમાં બોલી બાકીનું બોક્સ લઇ ચાલતી થઇ.

રાહુલને ખુબ નવાઈ લાગી કે મારા જેવું દિવાળી પ્રેમી બીજું કોણ હશે જે ઘર છોડી છેક હોસ્પીટલના દર્દીઓ સુધી આવી ગયું છે. લાડવો હાથમાં જ પકડી તે તપાસ કરવા માટે અંદરના વોર્ડમાં પગ મુક્યો અને તેની આંખો વિસ્મયથી પહોળી થઈ ગઈ.

‘ માલવિકા અને બંને બાળકો બીજા બાળકો સાથે રમત રમી રહ્યા હતા. આ જોતા રાહુલ બધું ભૂલી તેમને હેપી દિવાળી કહી વળગી પડ્યો. માલવિકાએ રાહુલના હાથનો લાડવો તેના પહોળા થયેલા મ્હોમાં ભરી દીધો.

  • રેખા પટેલ (ડેલાવર-યુએસએ)