મુનિવર્ય વેદ વ્યાસ લખી ગયા છે:
‘नास्ति मातृसमा छाया, नास्ति मातृसमा गतिः।
नास्ति मातृसमं त्राण, नास्ति मातृसमा प्रिया।।’
આનો અર્થ એ છે કે, માતા સમાન કોઈ છાંયડો નથી, સહારો નથી, રક્ષક નથી અને માતા સમાન કોઈ પ્રિય નથી.
જિંદગીમાં લોકોને અનેક તબક્કે ઘણી વ્યક્તિઓને મળવાનું થતું હોય છે. એમાંના કેટલાક લોકો સાથ આપે છે તો કેટલાક જણ સાથ છોડીને જતા રહે છે, પણ માતા જ એક એવી છે જે સંતાનોને છોડી દેતી નથી. સંતાનોને દુઃખી જોઈને એ દુઃખી થાય છે અને ખુશ જોઈને વધારે ખુશ થાય છે.
‘માતા’ બે અક્ષરનો આ શબ્દ માત્ર શબ્દ નથી, પણ જિંદગીનો આધાર છે.
૯-૯ મહિના સુધી પોતાના ગર્ભમાં સંભાળનાર અને પીડા વેઠીને સંતાનને જન્મ આપનાર માતાના નિઃસ્વાર્થ સંબંધને સલામ.
‘મધર્સ ડે’ની શરૂઆત
આધુનિક ‘મધર્સ ડે’ની શરૂઆત 1908માં થઈ હતી. ત્યારે અમેરિકન સામાજિક ચળવળકાર એના જાર્વિસે મધર્સ ડેની શરૂઆત કરાવી હતી. એમણે એમની માતાનાં મૃત્યુ બાદ અમેરિકાના વેસ્ટ વર્જિનિયાના એક ચર્ચમાં એમનું સ્મારક રાખ્યું હતું જેના દ્વારા એમણે એમની માતા પ્રતિ આદર વ્યક્ત કર્યો હતો.
એના જાર્વિસે દર્શાવેલી કદરને પગલે ધીરે ધીરે દુનિયાના અન્ય દેશોમાં મધર્સ ડે ઉજવાતો થયો. ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં મધર્સ ડે નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાય છે.
દુનિયામાં અનેક દેશોમાં અલગ અલગ તારીખોએ ‘મધર્સ ડે’ ઉજવાય છે. ભારતમાં દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે આ દિવસ ઉજવવામાં આવે છે.
સર્ચ એન્જિન ગૂગલે પણ આજના દિવસને સમ્માન દર્શાવ્યું છે. એણે તમામ માતાઓને ડેડિકેટ કરતું એક ગૂગલ ડૂડલ બનાવ્યું છે. એ ડૂડલમાં એક ક્યૂટ કલરફુલ પેઈન્ટિંગ છે. એમાં બે રેપ્ટાઈલ જોવા મળે છે. લીલા રંગનું રેપ્ટાઈલ છે એ મમ્મી ડાયનોસોર છે અને પીળા રંગવાળું રેપ્ટાઈલ બેબી ડાયનોસોર છે. એની સાથે, ચાર-પાંચ રંગબેરંગી હાથ જોઈ શકાય છે. આ તસવીર માતા અને સંતાનોનાં સંબંધને દર્શાવે છે જેમાં નિઃસ્વાર્થ પ્રેમ, ચિંતા અને પોતાપણું છે.
‘ધરતી પરનાં ભગવાન’ માતાને આજના દિવસની શુભકામના. ‘હેપ્પી મધર્સ ડે’. આજે આપની માતા સાથે સમય વીતાવો. એમની ઈચ્છા પૂછો અને એ પૂરી કરો. એમને મનપસંદ ખવડાવો. જો તમારા માતા દૂર હોય તો એમની સાથે ફોન પર વાતચીત કરો. એમને માટે આનાથી સરસ ગિફ્ટ બીજી કોઈ હોઈ ન શકે.