મેં કહ્યું, `અરે ત્યાં કયાં જાય છે?’, તેણે જવાબ આપ્યો,`લેફ્ટમાં કાર ઊભી રાખીશ તો સિગ્નલ તોડનારા હોર્ન વગાડ્યા કરશે. તેમને જગ્યા કરી આપી.’ યે લો કર લો બાત…
અગિયાર વર્ષ પૂર્વેનો આ પ્રસંગ છે. વીણા વર્લ્ડ હજુ શરૂ જ થયું હતું. અમે બધાં મળીને મહેનત કરી રહ્યાં હતાં. ઓર્ગેનાઈઝેશન આકાર લઈ રહ્યુ હતું. અમે એટલા નસીબદાર હતા કે અમને બધાંનો સહાનુભૂતિપૂર્વક ટેકો મળી રહ્યો હતો અને કામ કરવા વધુ બળ મળતું હતું. અમારી ફ્રેન્ડ નીલુ સિંહ એક દિવસ મળવા આવી. બધાં ગપ્પાં પૂરાં થઈ ગયા પછી બોલી,`અરે તમે પૂરાં ડૂબી ગયાં છો આ બધું નિર્માણ કરવામાં, થોડો વિશ્રામ લો. ચાલો મારી સાથે આ વીકએન્ડમાં ચેમ્બુરના ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સીસના ઓડિટોરિયમમાં સારો કાર્યક્રમ છે, ગમશે તમને પણ. થોડું અલગ કાંઈક કરશો.’ અને અમે પહોંચ્યાં તે ઠેકાણે. તે સમયે યુટ્યુબ પોડકાસ્ટ, વિડિયોકાસ્ટ કે પોડકાસ્ટનો સળવળાટ નહોતો. આથી મોટી-મોટી હસ્તીઓના વિચારો સાંભળવા અમે દૂર-દૂર જતાં હતાં. હું તો દિલ્હી-લંડન સુધી પહોંચી ગઈ હતી. સો, નીલુએ કહ્યા પ્રમાણે કાર્યક્રમ ઉત્કૃષ્ટજ હતો. તે સાંજ અમારે માટે યાદગાર બની રહી હતી.
સમયાંતરે અર્થાત જ આપણને તે કાર્યક્રમની અથવા તેમાંના વિચારોની યાદ આવે છે, પરંતુ આ કાર્યક્રમમાં ટાટા ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ભૂતપૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કિશોર ચૌકરનું ભાષણ અને તેમણે શ્રોતાઓ સાથે સાધેલો સંવાદ યાદ રહી ગયો હતો. તેમાંથી બે મુદ્દા ભેજામાં છેક અંદર સુધી પહોંચ્યા. તે અમે અમલમાં લાવ્યાં અને હવે તો તે વીણા વર્લ્ડ વેલ્યુઝ અને પ્રિન્સિપલ્સનું ઘટક થઈ ગયાં છે અને અમારી ઈયરલી ડાયરીનું અવિભાજ્ય અંગ બની ગયાં છે. તેમણે કહેલી પહેલી વાત હતી, `આજે આપણે સસ્ટેનેબિલિટી, ગ્લોબલ વોર્મિંગ, પાણી, રિસોર્સીસ જેવા ઘણા બધા મુદ્દાઓ પર બહુ ચર્ચા કરીએ છીએ, પરંતુ જ્યાં સુધી હું સવારે બ્રશ કરતી વખતે પાણીનો નળ અમસ્તા જ વહેતો નહીં રાખું, તે જરૂર નહીં હોય ત્યારે બંધ નહીં કરું, પાણી બચાવવાની આદત હું પોતે, મારા સંતાનો અને મારો પરિવાર અમલમાં નહીં લાવે ત્યાં સુધી આ ચર્ચાનો કોઈ અર્થ નથી.’ આંખોમાં અંજન આંજ્યું હોય તેવું લાગ્યું. આપણાથી પાણીનો વેડફાટ થતો નથી ને તે બાબતમાં હું આત્મપરીક્ષણ કરવા લાગી અને ફરક પડ્યો. એટલો કે સર્વ વોશ બસીન્સમાં અગાઉ જે પાણી મોટા ફોર્સ સાથે આવતું, ઘણું બધું આવતું, તે નીચેથી ઓછું કરી નાખ્યું. અને પછી આદત જ પડી ગઈ. અમસ્તા જ વેડફાતું પાણી, વસ્તુ, બાબતો, સમય પર મનન-ચિંતન કરવાની અને તેનાથી એકંદરે જીવનશૈલીમાં ફરક પડ્યો. બીજી વાત એવી હતી કે જાણે જેકપોટ જ લાગ્યો હતો તે દિવસે. તેમણે એક પ્રસંગ કહી સંભળાવ્યો. એક વખત કોઈક એક કેસ સંબંધમાં તેઓ શ્રી રતન ટાટાનો અભિપ્રાય પૂછવા માટે ગયા. તેમણે કેસ સમજી લીધો અને તેની પર શું પગલાં લેવાનું નક્કી કર્યું તે પણ કહ્યું અને શ્રી ટાટાની લીલી ઝંડી મેળવવા માટે તેઓ તેમની પાસે જતા હતા. ટાટાએ તેમને પૂછ્યું, `આર યુ લીગલી રાઈટ?’ યેસ સર! ટાટાનો બીજો પ્રશ્ન હતો, `આર યુ એથિકલી રાઈટ?’ યેસ સર! ટાટાએ ત્રીજો પ્રશ્ન પૂછ્યો, `આર યુ મોરલી રાઈટ?’ શ્રી ચૌકરે કહ્યું, અહીં હું થોડો મૂંઝવણમાં મુકાઈ ગયો. આમ છતાં મેં યેસ સર! કહ્યુંઅને ટાટાએ મને કહ્યું, `ધેન ગો અહેડ!’ શ્રી ચૌકર નીચે આવ્યા અને તેમણે ડિક્શનરીમાં `એથિક્સ’ અને `મોરલ્સ’ વચ્ચે ચોક્કસ શું ફરક છે તે જાણી લીધું. થેન્કયુ ચૌકર સર! એકદમ મનથી, આ પ્રસંગ શેર કર્યો તે માટે. જીવનમાં કેટલો મોટો પ્રસંગ અથવા અનેક પ્રસંગો ચપટી વગાડતાં ઉકેલાઈ ગયા આ ભાષણ થકી.
લીગલી અથવા લીગલ એટલે શું તે આમ તો બધા જાણે છે. દેશે, રાજ્યે, સમાજે, બનાવેલા જે નિયમ અથવા કાયદા – કાનૂન હોય છે તેના અખત્યારમાં રહીને કામ કરવું, નિયમો નહીં તોડવા, નિયમોને નેવે મૂકીને જુગાડ કરીને કશું પણ નહીં કરવું, એટલે કે, `લીગલી રાઈટ.’ એથિક્સ અને મોરલ્સની બાબતમાં ખરેખર આપણે અનેક લોકો મૂંઝવણમાં મુકાઈ જઈએ છીએ. તે જાણવા માટે મેં એક વખત અમારી લીડરશીપ મીટમાં સાઈઠ-સિત્તેર મેનેજર્સ અને ઈનચાર્જીસને આ પ્રશ્ન પૂછ્યો અને મોટે ભાગે મૂંઝવણ જોવા મળી. તે પછી અમે બધાએ મળીને તે દિવસે જ આ બાબતનો ચોક્કસ ફરક જાણી લીધો. સરળ ભાષામાં કહું તો એથિક્સ એટલે આપણા ઓર્ગેનાઈઝેશને આપણા માટે બનાવેલી નિયમાવલિ અથવા કોડ ઓફ કંડક્ટ અથવા પ્રિન્સિપલ્સ. જ્યાં સુધી આપણે તે ઓર્ગેનાઈઝેશનમાં હોઈએ ત્યાં સુધી તે નિયમો પાળવાના અથવા એથિક્સ ફોલો કરવાનું બંધનકારક હોય છે. જ્યારે આપણે આ બધાં બંધનોનું પાલન કરીને કામ કરીએ ત્યારે આપણે કહી શકીએ `એથિકલી રાઈટ.’ ત્રીજો ભાગ હવે મોરલ્સનો છે. હું, એટલે કે એક વ્યક્તિએ પોતાને માટે બનાવેલો નિયમ, બંધન, શિસ્ત, લક્ષ્મણરેખા એટલે મારા મોરલ્સ. મારા મોરલ્સ મેં નક્કી કરવાના હોય છે. તે કોઈએ આપણી પર લાદેલા નથી હોતા. તેની નિયમાવલિ નથી હોતી અને તેથી જ બહુ મહત્ત્વના હોય છે. અહીં પોતાની જ કસોટી થાય છે. આપણે જ નિયમો બનાવવાના. આપણે જ આપણા નિયમોનું સતત ફોલો-અપ કરવાનું. ક્યાંય આપણા તરફથી આ નિયમોનું ઉલ્લંઘન થાય તો આપણે આપણને આપણી જ કોર્ટમાં ઊભા કરીને તેનું પ્રાયશ્ચિત્ત કરવાનું અને પોતાને `મોરલી રાઈટ’ બનાવવાનું. સો દેશે-રાજ્યે-બંધારણે જે નિયમ બનાવ્યા છે તે લીગલ, ઓર્ગેનાઈઝેશને બનાવેલા નિયમ એટલે એથિક્સ અને પોતે પોતાના માટે બનાવેલા નિયમ એટલે મોરલ્સ. આ અમે અમારા માટે આસાન કરી નાખ્યું અને પછી ટાટાના તે ત્રણ પ્રશ્નમાંની વ્યાપ્તિ ધ્યાનમાં આવી.
લીગલી બાબત કરવી અથવા એથિકલી કશુંક કરવું આસાન હોય છે, કારણ કે સામે એક કોઈકે નિયમ બનાવેલા હોય છે, જેની બહાર જઈએ તો ત્યાં સજા હોય છે. આથી તે નિયમમાં રહીને કામ કરવાનું આસાન હોય છે, પરંતુ `મોરલ્સ’નો મામલો આમ જોવા જઈએ તો મુશ્કેલ છે, કારણ કે આપણને જોનારા આપણે જ હોઈએ છીએ. તે જ લીડરશિપમીટમાં મેં પ્રશ્ન કર્યો, `સિગ્નલ રેડ દેખાય એટલે તમારામાંથી કેટલા જણ વાહન રોકે છે અને સિગ્નલ ગ્રીનની વાટ જુએ છે?’ બધાએ હાથ ઉપર કર્યા. હું છક થઈ ગઈ. એટલે કે આ સિચ્યુએશન હોય તો વીણા વર્લ્ડને ભાગ્યવાન જ કહેવી જોઈએ. આટલી આદર્શ ટીમ. વાહ! વાહ! જો કે તે છતાં ડાઉટ હતો જ. નોટ પોસિબલ. મેં કહ્યું, `મારો બિલકુલ વિશ્વાસ બેસતો નથી. બધા સિગ્નલ રેડ થયા પછી ઊભા રહે છે?’ તુરંત બે-ત્રણ જણનો અવાજ આવ્યો, `અરે, સીસીટીવીમાં કેદ થાય છે ને!’ મારી ટ્યુબલાઈટ સળગવામાં થોડું મોડું થયું હતું. અરે હા,એટલે કે, લીગલી તે અગાઉ પણ અલાઉડ નહોતું, ઓરેન્જ થતાં જ વાહનની સ્પીડ વધારવાની અને સામે પોલીસ નથી ને તેની ખાતરી કરીને પછી ભલે રેડ સિગ્નલ થાય તો પણ સિગ્નલ તોડનારા લોકો હવે થોભતા હતા, કારણ કે સીસીટીવી ફોટો લેતો હતો અને પછી તેનો દંડ ભરવો પડતો હતો. સો મોરલી જે કામ થતું નહોતું તે લીગલી થવા લાગ્યું હતું. સામ-દામ-દંડ-ભેદમાંનો દંડ અહીં કામ આવ્યો હતો. આ બાબતમાં પ્રકાશ અય્યરના પુસ્તકમાં એક સરસ નાનો લેખ છે. તેમનું કહેવું છે,`સ્ટોપ એટ ધેટ રેડ સિગ્નલ.’ કોઈ જોતું નથી તેથી, પોલીસ નથી તેથી, રસ્તો ખુલ્લો છે તેથી, રાત્રે કોઈ રસ્તા પર નથી તેથી, આપણે ઉતાવળમાં છીએ તેથી… કારણ કોઈ પણ હોય, પણ સિગ્નલ રેડ દેખાતાં જ ઊભા રહો. આ આદતનું તમે પાલન કરો. તમારા સંતાનોને પણ તે આદતનું પાલન કરાવો. શાળામાં તેની પર ભાર આપો. બાળકોના અપબ્રિંગિંગમાં આ મહત્ત્વનો મુદ્દો બનાવો. કારણ કે આજે કોઈ જોતું નથી, તેથી એકાદ ડ્રોઅરમાં મારા નહીં હોય તે પૈસા લેવામાં મને કોઈ સંકોચ નહીં થશે અને પછી આદત પડી જશે અજાણતા. આ જ કારણ છે આજે મોટા-મોટા સ્કેમ્સનો ભોગ આપણે સામાન્ય નાગરિકો બનીએ છીએ અને આપણો દેશ પણ. અમારી પાસે ડ્રાઈવર્સના ઈન્ડકશનમાં આ કહેવામાં આવે છે, `કશું પણ થાય, સિગ્નલ તોડવાનો નહીં.’ એક વાર તો નવાઈનું જોયું. અમારી ઓફિસ પાસે આવતી વખતે બિલ્ડિંગ પાસે એક સિગ્નલ છે ત્યાં લેફ્ટ લેવાનો હોય છે. સિગ્નલ રેડ હતું. પ્રથમેશ થોભ્યો પણ રાઈટ સાઈડમાં થોભ્યો. મેં કહ્યું, `અરે ત્યાં ક્યાં જાય છે?’ તેણે કહ્યું, `લેફ્ટમાં કાર થોભાવીશ તો સિગ્નલ તોડનારા હોર્ન વગાડતા રહેશે, તેમને જગ્યા કરી આપી. ‘યે લો કર લો બાત. નિયમ તોડનારા પ્રત્યે કેટલી ઉદારતા. ઓફિસમાં બહુ કામ કર્યા પછી અને થાક્યા પછી ઘરે જતી વખતે કારમાં કશુંક હલકું-ફૂલકું કોમેડી સાંભળીએ એવું વિચાર્યું ત્યાં સામે યુટ્યુબ પર હાસ્ય કવિ સંમેલન સામે આવ્યું. સુરેન્દ્ર શર્મા સામે આવ્યા. ક્યારેય સાંભળ્યા નહોતા પણ સાંભળ્યા પછી એક પછી એક ત્રણ વિડિયોઝ મેં જોયા અને ધ્યાનમાં આવ્યું કે તેમને પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા. તેમના એક વિડિયોમાં તેમણે એક કિસ્સો કહી સંભળાવ્યો છે. એક વાર એક ઓફિસર તેમની પાસે આવી અને કહ્યું, `શર્માજી કુછ તો રાસ્તા બતાઈએ, કિતની અશાંતિ હૈ દુનિયા મેં, સર ફટા જા રહા હૈ.’ શર્માજીએ તેને શાંતિથી જવાબ આપ્યો, `બસ તૂ શાંત રેહ!’ ઓફિસરે વાત ચાલુ જ રાખી, `ભ્રષ્ટાચાર ચારો તરફ ફૈલા હૈ, પુરી દલદલબન ગયી હૈ.’ શર્માજીએ ફરી તેટલી જ શાંતિથી તેને કહ્યું, `બસ તૂ મત કર!’ મોરલ વેલ્યુઝનું જતન કરવું એટલે શું તે આ બે વર્ષ પૂર્વે આવેલી`12th ફેઈલ’ ફિલ્મે સુંદર રીતે બતાવી દીધું. બાળકોએ આ ફિલ્મ અચૂક જોવી જોઈએ.
(વીણા પાટીલ)
veena@veenaworld.com
(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)
