દક્ષિણ કોરિયાના મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેન ક્રેશની ઘટનામાં 179 લોકોના મોત થયા છે. આ ઘટનાએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું હતું. આ દરમિયાન પ્લેનમાં એક મુસાફરનો છેલ્લો ટેક્સ્ટ મેસેજ સામે આવ્યો છે, જેમાં તેણે અકસ્માત પહેલાની ક્ષણોને યાદ કરી છે.જેજુ એરની ફ્લાઈટ 7C2216માં સવાર એક મુસાફરે રવિવારે સવારે પ્લેન ક્રેશ થયું તે પહેલા એક ટેક્સ્ટ મેસેજ મોકલ્યો હતો, જેમાં લખ્યું હતું – એક પક્ષી પ્લેનમાં અથડાયું છે. શું મારે મારા છેલ્લા શબ્દો લખવા જોઈએ? આ મેસેજ મોકલાયાની થોડીવાર બાદ પ્લેન રનવે પર અથડાયું અને આગ લાગી.
પ્લેન ક્રેશની ઘટનાને યાદ કરતા, એક પ્રત્યક્ષદર્શીએ જે ક્રેશ સ્થળની નજીક માછીમારી કરી રહ્યા હતા તેણે કહ્યું કે પક્ષીઓનું ટોળું પ્લેનની ડાબી બાજુના એન્જિન સાથે અથડાયું હતું. આ પ્લેન બેંગકોકથી દક્ષિણ કોરિયા આવી રહ્યું હતું. આ પ્લેનમાં સવાર મોટાભાગના લોકો ક્રિસમસની રજાઓ મનાવવા જઈ રહ્યા હતા.
બર્ડ સ્ટ્રાઈક શું છે?
બર્ડ સ્ટ્રાઈક વાસ્તવમાં ફ્લાઇટ અને પક્ષી અથવા પક્ષીઓના ટોળા વચ્ચેની અથડામણ છે. જો કે, ઉડ્ડયનમાં, આ શબ્દનો વિસ્તાર થોડો વિશાળ છે અને જો લેન્ડિંગ દરમિયાન જમીન પર રહેતા પ્રાણીઓ સાથે અથડામણ થાય છે, તો પણ તે બર્ડ સ્ટ્રાઈક કહેવાય છે.ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશન (ICAO) અનુસાર, 2016થી પછીના છ વર્ષ દરમિયાન લગભગ સાડા ત્રણ લાખ આવી ઘટનાઓ નોંધાઈ હતી. પક્ષીઓ વારંવાર સ્થળાંતર દરમિયાન હવાઈ ટ્રાફિકના રસ્તામાં આવે છે. તેઓ ટોળામાં ઉડે છે આથી અકસ્માતોનું જોખમ વધારે હોય છે.