ગાંધીનગર: રાજ્યના 7.58 લાખ જેટલા અનટ્રેસ અને ડ્રોપઆઉટ બાળકોનો સર્વે કરી તેમને પુનઃ શાળામાં દાખલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આવા બાળકોનો સર્વે કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ માટે 30મી નવેમ્બર સુધીમાં તમામ પ્રકારની કામગીરી પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો છે. અગાઉ ઓક્ટોબર અને એપ્રિલ દરમિયાન સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 1.15 લાખ બાળકોની એન્ટ્રી કરવામાં આવી હતી. આમ, છતાં હજુ મોટી સંખ્યામાં બાળકો અનટ્રેક હોવાથી તેમનો સર્વે કરવા માટે જણાવાયું છે.
માહિતી અનુસાર ધોરણ 9-10માં વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો 23.28 ટકા નોંધાયો છે. 21 શાળા પ્રવેશોત્સવ બાદ પણ આટલો ઊંચો ડ્રોપ આઉટ રેશિયો એ શિક્ષણને પ્રોત્સાહન મળે એવા નક્કર કામોની ગેરહાજરીનું પરિણામ દર્શાવે છે. રાજ્યમાં અનટ્રેસ-ડ્રોપઆઉટ બાળકોની સંખ્યા 7.58 લાખ નોંધાઇ છે. જેમાં અમદાવાદ જિલ્લામાં 1 લાખથી વધુ બાળકો અનટ્રેસ છે. ધો. 1થી 5માં 1.17%, ધો. 6થી 8માં 2.68% ડ્રોપઆઉટ રેટ જ્યારે ધો. 8 પછી છોકરીઓ કરતા છોકરાનો રેટ ઊંચો છે. આમ, શિક્ષણને પ્રોત્સાહન મળે તેવા કામોના અભાવનું આ પરિણામ છે તેવું લાગી રહ્યું છે.