અમદાવાદ: ભારત દેશનો સ્વતંત્રતા દિવસ 15મી ઓગષ્ટ નજીક આવતાંની સાથે જ શહેરના માર્ગો અને માધ્યમોમાં તિરંગા દેખાવા માંડે. શહેરના તમામ બજારમાં તિરંગા લઈ પેડલ રીક્ષા સાથે ફેરિયાઓ જોવા મળે.
માર્ગો પર નાની મોટી સાઇઝના હજારો લોકો રાષ્ટ્ર ધ્વજ નું વેચાણ કરી પેટિયું રળી લેતા હોય છે.સ્વતંત્રતા દિવસ પહેલાં તિરંગાની ટોપીઓ, પેન, કી ચેઇન, ટી શર્ટ , ખેસ જેવી અનેક ચીજવસ્તુઓ કારખાનાઓમાં તૈયાર થઇ બજારમાં વેચાણ અર્થે આવી જાય છે.શહેરના દાણીલીમડા, નારોલ, બહેરામપુરા નજીક ના વિસ્તારો માં કાપડ પર છાપકામ કરતા નાના મોટા કારખાના આવેલા છે. જેમાં દરેક સાઇઝના રાષ્ટ્રધ્વજ મોટી સંખ્યામાં બનાવવાનું કામ સતત ચાલુ જ હોય છે.આ વર્ષે પણ દેશમાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત સરકારી કચેરીઓ, શાળા, કોલેજ, વેપારી સંસ્થાઓ, શોપિંગ કોમ્પલેક્ષ, હોટલ રેસ્ટોરન્ટ, પોલીસ મથકો જેવી અનેક સંસ્થાઓ પર તિરંગો લગાડવામાં આવ્યા છે.દેશભક્તિનો જુવાળ જાગે એ હેતુથી વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ, સામાજિક સંસ્થાઓ કાર્યકરોને ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમમાં જોડવામાં આવી રહ્યા છે. તિરંગા સાથેની રેલીઓના આયોજન કરવામાં આવ્યા છે.સરકારી ઈમારતો, બ્રિજ,ઐતિહાસિક સ્થળોએ મોટા રાષ્ટ્ર ધ્વજ સાથે રોશની કરવામાં આવી છે. વંદેમાતરમ રોડ પર રાષ્ટ્ર પ્રેમી સંસ્થા દ્વારા સ્ટેજ પર કાશ્મીરની પહાડીઓ તૈયાર કરવામાં આવી છે.જેમાં કારગિલના શહીદના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. તિરંગા સાથેના વિશાળ સ્ટેજ પર દેશ ભક્તિના ગીતો પર બાળકો સહિત સૌ ઝુમી રહ્યા છે.