સુરત: એક તરફ શહેર હીરાની મંદીનો માર સહન કરી રહ્યું છે. ત્યારે બીજી તરફ લેબગ્રોન ડાયમંડના કારણે ઇન્ડસ્ટ્રી ટકી રહી હોવાનો એક સુર સર્વવ્યાપ્ત બન્યો છે. હીરાની મંદી ક્યાં સુધી ચાલશે એ નક્કી નથી. દિવાળી માથે છે, પણ હીરાબજારમાં દિવાળીની રોનક નથી. જો નેચરલના વિકલ્પ તરીકે લેબગ્રોન ના હોત તો શું સ્થિત હોત એ કલ્પવી અઘરી છે. સુરત લેબગ્રોન ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ બાબુભાઈ વાઘાણીએ ચિત્રલેખા.કોમને કહ્યું, “નેચરલની મંદીમાં લેબગ્રોન સંકટમોચન તરીકે ઉભરી રહ્યા છે.”સુરતમાં લેબગ્રોન ડાયમંડનું એક મોટું માર્કેટ ઉભુ થઈ રહ્યું છે. નવરાત્રિમાં આ માર્કેટમાં વધુ એક જ્વેલરીની ભાત ઉમેરાઈ છે. ડાયમંડ સિટી તરીકે વિશ્વ પ્રસિદ્ધ સુરતમાં સેબોર્ગાની પ્રિન્સેસ નીના ડેનિએલા મેનેગાટ્ટો દ્વારા 55 કાંકરી લેબગ્રોન ડાયમંડ જ્વેલરી લોન્ચ કરવામાં આવી છે. જેમાં પ્રિન્સેસ નીનાએ લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી એ ઉજ્જવળ ભવિષ્ય હોવાનું કહ્યું હતું. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. કંપનીના ડિરેક્ટર અભિષેક દાલમિયાએ જણાવ્યું હતું, “એ છેલ્લા પાંચ વર્ષથી CVD હીરાનું ઉત્પાદન કરે છે. હવે કંપની તેની 55 સ્ટોન લેબગ્રોન ડાયમંડ જ્વેલરી લોન્ચ કરી રહી છે.”