લંડન: સંસ્કૃત સેન્ટર ફોર કલ્ચરલ એક્સલન્સ દ્વારા અહીં સંસ્કૃત ભાષામાં આદ્ય પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ઉદ્દેશ્ય સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો હતો. આ પ્રોજેક્ટ નવી દિલ્હી સ્થિત સંસ્કૃત યુનિવર્સિટી સાથે મળીને લંડન સ્થિત સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યો છે.
ભારતીય વિદ્યા ભવનમાં આયોજિત આ રસપ્રદ કાર્યક્રમમાં મુદ્ગલા પુરાણના ગણેશાવતાર સ્ત્રોત્રને રજૂ કરવામાં આવ્યો. આ પ્રસ્તુતિ ભરતનાટ્યમ, ઓડિસી, મોહિનીઅટ્ટમ, કુચીપુડી, કાવડી અને કલારીપયટ્ટુની વિવિધ નૃત્ય શૈલીમાં રજૂ કરવામાં આવી. આ પ્રસ્તુતિમાં કુલ 38 યુવા તેમજ વ્યાવસાયિક કલાકારોએ પર્ફોર્મન્સ આપ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત ડૉ. એમ. એન. નંદકુમારા, ડૉ. ઋષિ હાંડા, તેજેન્દ્ર શર્મા, કાર્તિક બોંકુર અને શરદ ઝા દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. જાણીતા કલાકાર પ્રમોદ પ્રસન્ના કુમાર રુદ્રપટ્ટને સતીષ ગુમ્માદવેલીની સાથે મળીને વીણા વાદન રજૂ કર્યું. નાગપુરના પુરસ્કાર વિજેતા શાયરી પ્રિયા મેઘેએ મંગલાચરણ રજૂ કર્યું. ત્યારબાદ શ્રેયા ખરે અને કૃતિકા વલ્ચીના ગણપતિ કૌત્વમ પ્રસ્તુત કર્યું.