જ્યારે રામકૃષ્ણ પરમહંસને છેલ્લા દિવસોમાં કોઈ શિષ્યે પૂછ્યું કે તમને મૃત્યુ વિશે શું અનુભવ થઇ રહ્યો છે? ત્યારે ગુરુજીએ જણાવ્યું કે શરીરને તકલીફ પડી રહી છે, મને નહીં. શરીરનો ગુણધર્મ છે તકલીફ લેવાનો. મારો અંતરાત્મા તો આનંદિત છે. તેને કોઈ તકલીફ નથી.
એકવાર તથાગત ભગવાન બુદ્ધને કોઈએ પ્રશ્ન કર્યો કે ધર્મગ્રંથો પ્રમાણે આપણે શુભ કર્મો કરીએ છીએ, પરંતુ મૃત્યુ બાદ કોઈ બીજું જીવન નહીં હોય તો શું થશે? આપણાં કરેલ ત્યાગ અને શુભ કર્મોનું શું થશે? તથાગત ભગવાન બુદ્ધે શાંત અને અસ્ખલિત વાણીમાં કહ્યું કે, તારો પ્રશ્ન સારો છે, અને આ પ્રશ્ન તારા અંતકાળ સુધી તારી સાથે જ રહેશે, અંત સમયે પણ તું આ જ પ્રશ્ન વિષે વિચારીશ. પણ હવે તું એમ માની લે કે ‘મૃત્યુ પછી જીવન છે જ’ તેવું થયું તો તું શું કરીશ? માટે મૃત્યુ પછી જીવન હોય કે ન હોય તેના પ્રશ્નમાં પડ્યા વગર સારા કર્મ જ કરજે જેથી અંતકાળ સુખમય વીતે અને જીવ સુખેથી શરીરનો ત્યાગ કરે.
કઠોપનિષદ મૃત્યુનું વર્ણન કરતાં કહે છે, જયારે મનુષ્યનું ચિત્ત સંસારિક ક્ષણિક સુખોથી નિવૃત્ત થઇ જાય ત્યારે તેણે ધીરગંભીર બનીને પોતાના પ્રાણને સુષ્મણા નાડી વડે ધીરે ધીરે બ્રહ્મરન્ધ્ર સુધી પહોંચાડવો પડે છે. પાંચ વાયુમાંથી ઉદાન નામક વાયુ દ્વારા પ્રાણ બ્રહ્મરંધ્ર સુધી પહોંચે છે, સોયની અણીથી પણ બારીક એવા આ બ્રહ્મરંધ્રમાંથી પ્રાણ મુક્ત થાય તો મનુષ્યને ફરીવાર જન્મમૃત્યુના ફેર કરવા પડતાં નથી. આંખ, મુખ વગેરે ઉપરના અંગોમાંથી પ્રાણ જાય તો ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. પરંતુ જો કમર નીચેના ભાગેથી પ્રાણ જાય તો મનુષ્ય નિમ્ન યોનિમાં ગતિ કરે છે. સિદ્ધ યોગીઓ તો માત્ર બ્રહ્મરંધ્રમાંથી જ પ્રાણ ત્યાગ કરે છે, તેઓ કોઈ બીજી ગતિ કે જન્મને પણ શુભ ગણતા નથી. બીજો ઉત્તમ ભવ પણ સારા કર્મ હોય ત્યાં સુધી જ સારા કર્મોના બદલા રૂપે ભોગવાય છે, ત્યારબાદ મુક્તિની ઈચ્છા તો જીવને રહે જ છે.
તિબેટના સિદ્ધ યોગીઓ કહે છે કે જીવ જયારે પ્રાણત્યાગ કરે છે, ત્યારે તે અશક્ત થઇ જાય છે, શરીરનું વજન અનેક ગણું ભારે થઇ જાય છે. જીવ અશક્ત થવાથી શરીર નિશ્ચલ પડ્યું રહે છે, જીવ સમજી નથી શકતો કે હવે તેનો દેહ સાથે સંબંધ નથી રહ્યો. ધીરે ધીરે જીવને પોતાનો વિલય અનુભવાય છે, સૌ પહેલા પૃથ્વી તત્વ છુટું પડે છે, પછી જળ તત્વ, પછી વાયુ, પછી અગ્નિ અને છેલ્લે આકાશ તત્વમાં વિલીન થઈને જીવ પંચમહાભૂતમાં ચાલ્યો જાય છે.
પરમ પૂજ્ય બુદ્ધિસાગર મહારાજને જયારે હાથના ભાગે તકલીફ થઇ હતી ત્યારે તેઓએ કોઈ દવાના પ્રયોગ વગર દર્દ સહન કર્યું હતું. ગુરુ ભગવંતો માટે બધા જીવો માટે અનુકંપા ભારોભાર હોય છે, શરીર ગૌણ અને આત્મા સર્વોચ્ચ રાજાધિરાજ છે. ભગવાન રમણ મહર્ષિને પણ હાથના ભાગે ગાંઠ થઇ હતી, તબીબના જણાવ્યા મુજબ તેમને મોટું ઓપરેશન કરવું પડે તેમ હતું છતાંય ગુરુજીએ હાથના ભાગે કોઈ ઓપેરશન કરવા કરતા માત્ર નાનો પાટો બંધાવ્યો હતો. કર્ક રોગની ગાંઠ હતી તેમ છતાંય તેઓ અંત સમય સુધી કોઈ પણ દર્દના અનુભવ કે તકલીફ વગર રહ્યાં હતાં. છેલ્લા સમયે તેઓએ પોતે જ પોતના શ્વાસનો ત્યાગ કર્યો હતો.
સિદ્ધ યોગીઓ કહે છે કે મનુષ્યને મૃત્યુ પછી પોતાના મનના સહારે જ ચાલવાનું છે, જો મન શુદ્ધ હશે તો જીવ સારા રસ્તે ચાલી નીકળશે અને જો મન ઇચ્છાઓથી ભરેલું અને લોભ લાલચથી ગ્રસ્ત હશે તો જીવને પાછા આવ્યાં વગર છૂટકો નથી.
પ્રાતઃસ્મરણીય ગુરુદેવ નીમ કરોલી બાબાએ અંત સમયે પોતાનો કાળો કામળો એક ભક્ત તરફ નાખ્યો હતો અને બધાંને કહ્યું હવે આ જ તમને માર્ગદર્શન આપશે, હવે હું નથી. ત્યારબાદ તેઓએ મથુરા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અહીં તેમની તબિયત નાદુરસ્ત થતાં તેમને હોસ્પિટલ લઇ જવાયા. તબીબે તેઓને ઓક્સિજન માસ્ક આપ્યું તો બાબાએ તેનો સ્વીકાર ન કર્યો અને પોતે પોતાના સમયે પોતાની ઇચ્છાથી દેહત્યાગ કર્યો હતો.
(નીરવ રંજન)