ભગવાન સૂર્યનું ભારતીય સંસ્કૃતિમાં ખૂબ મહત્વ રહેલું છે. પૌરાણીક અને વૈદિક કાળથી લઈને આજ પર્યંત સુધી આપણે લોકો સૂર્ય પૂજા કરતા આવ્યા છીએ. ત્યારે આજે જાણીશું સૂર્ય ઉપાસના અને સૂર્ય પૂજાના મહત્વ વિશે.
ભગવાન સૂર્ય પ્રત્યક્ષ દેવ છે. રોજ સવારમાં સૂર્યનારાયણ દેવ આકાશમાં પોતાના પ્રકાશનો ઉજાસ પાથરે એટલે સૂર્યને અર્ઘ્ય આપવાની સાથે આપણા દિવસની શરૂઆત થાય છે. પ્રાચીન સમયના લોકો રોજ સવારે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન આદી કાર્ય પૂર્ણ કરીને જેવો સૂર્યોદય થાય કે તરત જ ભગવાન સૂર્યને અર્ઘ્ય આપતા અને કહેતા હે સુરજ નારાયણ…
“ભલે ઉગ્યા ભાણ ભાણ તીહારા લઉ ભામણા
જીયણ મરણ લગ માણ અમારી રાખજે કાશ્યપ રાવતા”
ભગવાન સૂર્યને પ્રાર્થના કરતા તે લોકો કહેતા હે સુરજ નારાયણ અમારે સંપત્તિ, સંતતિ કે ધન-વૈભવ નથી જોઈતો પરંતુ હે સુર્ય દેવ… જ્યા સુધી અમારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી જગતના ચોકમાં અમારી આબરૂને અકબંધ રાખજો.
ભગવાન સૂર્ય ભાસ્કર, રવિ, મિત્ર, ભાનુ, ખગાય, પુષ્ણ, મારિચ, આદિત્ય, સાવિત્રે, આર્કા, હિરણ્યગર્ભાય વગેરે બહુનામો ધરાવતા સૂર્ય ચરાચર જગતના પ્રત્યક્ષ દેવ છે. વેદો, પુરાણો, મહાકાવ્યો વગેરેમાં સૂર્ય વિશે અનેક મહત્વની માહિતી જોવા મળે છે. ભારતીય પ્રાચીન પરંપરાથી આરંભીને આજ પર્યંતના સાહિત્યનો પર્યાવલોચન કરવામાં આવે તો તેમાં સૂર્ય દેવતા વિશિષ્ટ સ્થાન ભોગવે છે. વેદોથી લઈ તમામ ગ્રંથોમાં સૂર્યનું દેવતા તરીકેનું ગૌરવ પ્રતિપાદીત કરવામાં આવ્યું છે. વૈદિક સંસ્કૃતિમાં યુગયુગાંતરથી લોકો સૂર્ય દેવતાની સ્તુતિ, આરાધના, ઊપાસના કરતા આવ્યા છે. આ રીતે સૂર્ય ભારત વર્ષના પરમ આરાધ્ય દેવતા છે. સૂર્યની ઊપાસના, વ્રત વગેરેનું પ્રચલન પુરાતન કાળથી છે. હિંદુ સંસ્કૃતિના બધી શ્રેણીના લોકો પોતાની શ્રદ્ધા અને શક્તિ અનુસાર સૂર્યની આરાધના, નમન, પૂજન, સ્તવન વગેરે કરે છે. સૂર્ય નમસ્કાર તો લોકોનુ રોજનું કર્મ થઈ ગયુ છે. તેનાથી સ્વાસ્થ્ય, શક્તિ અને આરોગ્યને લાભ થાય છે. આમ આદીકાળથી ભારતીય જીવનમાં સૂર્ય ઉપાસનાનું મહત્વનુ સ્થાન છે.
માર્કંડેયપુરાણમાં સૂર્યની ઉત્પત્તિ વિશે કહ્યુ છે કે…
निष्प्रभेऽस्मिन् निरालोके सर्वतस्तमसावृते ।
बृहदण्डमभूदेकमक्षरं कारणं परम् ।। (98-21)[2]
અર્થાત્ પહેલા આ સંપૂર્ણ લોક પ્રકાશહીન હતો. ચારે તરફ ઘોર અંધકાર ઘેરાયેલો હતો. તે સમયે એક બૃહત્ અંડપ્રગટ થયો. તે અંડ અવિનાશી તથા પરમ કારણરૂપ છે.
અંડ ભેદ પછી સૂર્યના સાત મૂર્તિરૂપોનો પ્રાદુર્ભાવ થયો. તેજ તેજમાંથી ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ તથા અથર્વવેદ એમ ચાર વેદોનો આવિર્ભાવ થયો. આ બધાના મૂળ આદિમાં હોવાને કારણે આદિત્ય કહેવાયો. આમ માર્કંડેયપુરાણ અનુસાર સૂર્યના ત્રણ રૂપોનો પરિચય પ્રાપ્ત થાય છે. એક આકાશમાંનો મહાન તેજપૂંજ, બીજો અદિતીનો પૂત્ર, ત્રીજો તે જે વેદ પુરાણ વગેરે સમસ્ત શાસ્ત્રોનો પ્રતિપાદ્ય ત્રિગુણાત્મિકા પ્રકૃતિનો અધિશ્વર, સમગ્ર વિશ્વ પ્રપંચનું અધિષ્ઠાન, પરાત્પર, શુદ્ધ, શાશ્વત, સચ્ચિદાનંદ બ્રહ્મ છે.વૈદિક દેવોમાં ભગવાન સૂર્યનું પ્રમુખ સ્થાન છે. એમનું દેવત્વ ચારે વેદોમાં પ્રાપ્ત છે. દ્વાદશ આદિત્યોમાં પણ ભગવાન સૂર્ય એક છે. વિરાટ પુરૂષના નેત્રોથી સૂર્યની ઉત્પત્તિ બતાવી છે. એ જ કારણે સૂર્યને દરેક જીવના કર્મોના દ્રષ્ટા કહી વિવેચન કરવામાં આવ્યું છે. સૂર્ય વગર કોઈનું જીવીત રહેવું શક્ય નથી, આથી સૂર્યની પ્રતિષ્ઠા સર્વાત્મા રૂપે છે. અથર્વવેદમાં સૂર્યની સ્તુતિ કેટલાય બિજા નામોથી કરવામાં આવી છે. જેમ કે- બ્રઘ્ન,વામ, શુક્ર, સવિતા વગેરે. દરેકને પોતાના કર્મ અને એના ફળમાં ટકાવી રાખવાને કારણે સૂર્યને બ્રઘ્ન કહે છે. જગતનો પાલક હોવાથી સૂર્યને વામ કહેવામાં આવે છે. દીપ્તિમાન હોવાથી સૂર્યનું નામ શુક્ર છે. તેવી જ રીતે બધાના પ્રેરક હોવાથી સૂર્ય સવિતા છે. પોતાના ઋગ્વેદ ભાષ્યમાં આચાર્ય સાયણે ઉદયથી પૂર્વ સૂર્યને સવિતા કહ્યા છે.
ભગવાન સૂર્ય સંબંધિત અનેક કથાઓ પ્રચલિત છે. શિવ પુરાણની એક કથા અનુસાર તારકાસુરનો અંત આણવા કુમાર કાર્તિકેયે પ્રસ્થાન કર્યુ ત્યારે માતા પાર્વતી પુત્રના વિજય માટે સૂર્યદેવનું નિર્જલાવ્રત રાખ્યું હતું. વિજય પછી તેમણે સૂર્યને અર્દ્ય આપી નિષ્ઠાપૂર્વક સૂર્યની પૂજા કરી વ્રત છોડ્યું હતું.
ભગવાન સૂર્યને જળ અર્પણ કરવાના ફાયદા
– જો સૂર્યને જળ અર્પણ કરવાની વાત કરીએ તો, તેની પાછળ છૂપાયેલું છે રંગોનું વિજ્ઞાન. આપણા શરીરમાં રંગોનું બેલેન્સ બગડવાથી અનેક રોગ ઉત્પન્ન થાય છે. સવારે સૂર્યદેવને જળ ચઢાવવાથી શરીરમાં આ રંગ સંતુલિત થઈ જાય છે, જેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. –સૂર્યને જળ અર્પણ કરવાથી આપણને સીધો લાભ પ્રાપ્ત થાય છે. પ્રાતઃ કાલે વહેલા ઉઠવાથી તાજી હવા અને સૂર્યના કિરણોથી આપણા સ્વાસ્થ્યને લાભ થાય છે.
– તો આ સીવાય જે વ્યક્તિ ઉગતા સૂર્યને જળ અર્પણ કરે તે વ્યક્તિ તેજસ્વી બને છે અને તેની ચામડીમાં આકર્ષક ચમક પણ આવે છે. – વૈજ્ઞાનીક દ્રષ્ટીકોણથી જો જોવા જઈએ તો સૂર્ય અને પૃથ્વિ વચ્ચે આશરે ૧૪૯૬૦૦૦૦૦૦ કિલોમીટરનું અંતર છે. આમ છતા પણ પૃથ્વિ સુધી સૂર્યનો પ્રકાશ પહોંચતા માત્ર 8 મિનીટ અને 19 સેકંડનો જ સમય લાગે છે. ભગવાન સૂર્ય સમસ્ત જીવમાત્ર માટે મહત્વના ઉર્જાના સ્ત્રોત છે. વૃક્ષો અને છોડને ભોજન પણ સૂર્યના લીધે જ પ્રકાશસંષ્લેષણની ક્રિયા દ્વારા મળે છે. યુગો પહેલા ઋષિ-મુનિઓએ કહ્યું છે કે સૂર્યને જળ અર્પણ કરવાથી આપણા શરીરના હાનિકારક તત્વો દૂર થાય છે. – સૂર્યને દેવતા માનવામાં આવે છે, તેમની પૂજા માટે કેટલીય વિધિઓ જણાવવામાં આવી છે. સૂર્ય દેવને દરરોજ જળ અર્પણ કરવાથી આપણી બધી મનોકામનાઓ પૂરી થાય છે. સાથે જ આંખોનું તેજ વધે છે અને ચામડીમાં તેજ ઉત્પન્ન થાય છે. સમાજમાં માન-સન્માન પ્રાપ્ત થાય છે, યશ મળે છે.
– ત્યાં જ તેનાથી વિરુધ્ધ, નીચેના અથવા અશુભ ફળ આપનાર સૂર્ય હોય તો તે વ્યક્તિને કેટલીય પ્રકારના કલંક સહન કરવા પડે છે. આંખો અથવા ચામડીને લગતા રોગો થઈ શકે છે. તેનાથી બચવા માટે દરરોજ સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ. – સૂર્યને જળ અર્પણ કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે સૂર્ય ને ક્યારેય પણ સીધા ન જોવા. જળ અર્પણ કરતી વખતે પાણીની ધારાની વચ્ચેથી ભગવાન ભાસ્કરના દર્શન કરવા. આ રીતે સૂર્યના કિરણોથી તમારી આંખોની જ્યોતિ પણ વધશે. સૂર્યને સવાર-સવારમાં બને તેટલું જલ્દી, મોડામાં મોડું ૭-૮ વાગ્યા સુધીમાં જળ અર્પણ કરવું જોઈએ. વધુ મોડેથી સૂર્યને જળ અર્પણ ના કરવું જોઈએ.
– ભગવાન સૂર્યને જળ અર્પણ કરવા માટે ખાસ કરીને તાંબાના લોટાનો ઉપયોગ કરવો જોઈએ. લોટામાં શુદ્ધ પાણી ભરવું અને તેમાં ચોખા, કંકુ, ચંદન, ફુલ, ગોળ વગેરેની પૂજા સામગ્રી નાંખવી જોઈએ. અને પછી આ જળ ભગવાન સૂર્યને અર્પણ કરવું જોઈએ. ભગવાન સૂર્યને જળ અર્પણ કરતી વખતે ભગવાન સૂર્યના મંત્રો જેવા કે
વગેરે સહિતના મંત્રોના જાપ કરવા જોઈએ. |
(અહેવાલઃ હાર્દિક વ્યાસ)