શનિદેવને રીઝવવાનો દિવસ એટલે શનૈશ્ચરી અમાસ. આજે શનિવાર અને અમાસનો અદભૂત સંયોગ રચાયો છે, એટલા માટે આજનો દિવસ શિવકૃપા અને પિતૃપા મેળવવાનો ઉત્તમોત્તમ છે. જે જાતકોને શનિની પનોતી હોય તેમના માટે ખાસ ભક્તિ કરવાનો દિવસ છે. શનિની પીડા કે કષ્ટ દૂર કરવા માટે કેવી રીતે કરશો ભક્તિ… હનુમાનજીની ભક્તિ કરવા માટે પણ આજનો દિવસ શ્રેષ્ઠ છે. જેમને શનિની પનોતી ન હોય તેઓ પણ આજે હનુમાનજીની ઉપાસના કરે તો તેમને બેવડુ ફળ મળે છે. આજે શનૈશ્વરી અમાસનો ભક્તિ કરવાનો અને શનિદેવની કૃપા મેળવવાનો દિવસ છે. આજના દિવસનું ખૂબ મહત્વ રહેલું છે. સૌથી મહત્વની વાત એ છે કે આ વખતે કારત્તક વદ અમાસ અને શનિવાર બંન્ને સાથે આવ્યા છે. ત્યારે આ દિવસ મંત્રસિદ્ધિ, ધન-આર્થિક વગેરે સહિતના લાભ પ્રાપ્ત કરવા માટે શુભ દિવસ માનવામાં આવે છે. તો આ સાથે જ શનિની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ આ દિવસ શ્રેષ્ઠ ફળદાયી બની રહેશે. તો આ સિવાય આજના દિવસે જો દાન અને પૂણ્ય પણ કરવામાં આવે તો તેનું પણ ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે.
શિવપૂજન આપે અમોઘ ફળ
આજનો દિવસ શિવ ઉપાસના અને પિતૃ ઉપાસના માટે શ્રેષ્ઠ છે. આજના દિવસે થતી શિવજીની ઉપાસના મનુષ્યને લાંબુ આયુષ્ય અર્પે છે. તો આ સાથે જ આજના પવિત્ર દિવસે જો પીપળાનું પૂજન કરવામાં આવે તો તેનું શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે. તો આજના દિવસે પિતૃકૃપા પ્રાપ્ત કરવા માટે જો પિતૃતર્પણ સહિતના કાર્યો કરવામાં આવે તો તેનું પિતૃકૃપા પ્રાપ્ત થાય છે.
જ્યોતિષાચાર્ય હેમિલ લાઠિયાએ chitralekha.comને જણાવ્યા અનુસાર શનિ મહારાજની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે આજના દિવસે ભગવાન શિવ, હનુમાનજી મહારાજ કે શનિ મહારાજના જાપ અથવા ચાલીસા વાંચવા. તેમજ શક્ય હોય તો કાળા તલની ચીકી, અડદિયા પાક, કાળું વસ્ત્ર (શક્ય હોય તો કાળા ઉનનું ગરમ વસ્ત્ર) જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કોઈ બાબત પર પોતાની શક્તિ અનુસાર મદદ કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે.
તો આ સાથે જ આજના દિવસે પિતૃ કૃપા પ્રાપ્ત કરવા માટે સવારે શિવ મંદિરમાં જઇ શિવલિંગ પર જળ અને દૂધનો અભિષેક કરવો, પછી પીપળાના ઝાડના મૂળ પાસે જળધારા વડે પ્રદક્ષિણા ફરવી અને ત્યાં આગળ કોઈ જગ્યાએ કોઈ ફળ મુકવું અથવા શક્ય હોય તો આમળાના રસની ધાર વડે પીપળાના ઝાડની પ્રદક્ષિણા કરવાથી પણ ફાયદો થાય છે. તદુપરાંત ગાયને રોટલી કે ઘાસ આપવું અને કુતરાને રોટલીદૂધ ખવડાવવાથી શનિકૃપા પ્રાપ્ત થાય છે. અને આમ કરવાથી પિતૃકૃપા પણ પ્રાપ્ત થાય છે.
અહેવાલઃ હાર્દિક વ્યાસ