તમારી માનસિક સ્થિતિને વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા નથી. હમણાં, તમે માની શકો છો કે તમે સ્વર્ગમાં છો, અને તમે થોડા સમય માટે આનંદિત થઈ શકો છો; અથવા તમે અચાનક માની શકો છો કે આ શેતાનનું સ્થાન છે અને તે ખૂબ જ ભયાનક અને ત્રાસદાયક બની શકે છે. તમે આ તમારા મગજ સાથે કરી શકો છો, છે કે નહીં? તેને વાસ્તવિકતા સાથે લેવા-દેવા નથી; તે મગજ છે. તમે કોઈપણ સમયે તમારા મગજથી કંઈ પણ બનાવી શકો છો કારણ કે તમે એને આકસ્મિક રીતે બનાવી રહ્યા છો, સભાનપણે નહીં, તમે વિચારો છો કે તે વાસ્તવિકતા છે.
ધારો કે, તમે કોઈ નાટકની ભૂમિકા ભજવી રહ્યા છો – એક ક્ષણ તમે કોઈની તરફ પ્રેમાળ બની શકો છો જેને તમે જાણતા નથી; બીજી ક્ષણ નાટક ખતમ. તે તમારા મનની સ્થિતિ પણ છે. તમે તમારા મગજમાં જે મોટાભાગની વસ્તુઓ કરો છો તે અચેતન રીતે થઈ રહી છે, તેથી તમે માનો છો કે તે વાસ્તવિકતા છે. તે વાસ્તવિકતા નથી; તે ચોક્કસ પ્રકારનો ભ્રમ છે.
હવે, જ્યારે તમે સતત ભ્રામક છો, ત્યારે તમને વાસ્તવિકતા વિશે ખબર નથી. કેટલીકવાર તમે સારા ભ્રમમાં હશો, ક્યારેક તમે ખરાબ ભ્રમમાં હશો. ખરાબ ભ્રમ કરતાં સારો ભ્રમ વધુ ખરાબ હોય છે, કારણ કે જો તમે ખરાબ ભ્રમમાં ફસાઇ જાઓ છો, તો ઓછામાં ઓછું તમે તેનામાંથી બહાર આવવા માંગો છો; અસત્યમાંથી બહાર આવવાની ઈચ્છા તમારામાં આવશે. જો તમે સારી ભ્રાંતિમાં ફસાઇ જાઓ છો, તો બહાર આવવાની ઈચ્છા પણ નહીં થાય. તમે કાયમ ભ્રમમાં જ રહેશો.
હું જે જોઉં છું એ મોટાભાગના લોકો માટે, જ્યારે તેમના જીવનની અંતિમ ક્ષણ આવે છે, ત્યારે તેઓ ફક્ત આશ્ચર્યચકિત થાય છે. તેઓ માની શકતા નથી કે તે ખતમ થઈ ગયું છે કારણ કે તે ક્યારેય પ્રારંભ જ નથી થયું. તેમનું આખું જીવન ભ્રમમાં પસાર થયું – બધા પ્રકારના વિચારો, પણ જીવન નહીં. કૃપા કરીને જુઓ, 90% સમય આપણે ફક્ત જીવન વિશે વિચારીએ છીએ, જીવન જીવતા નથી. શું એવું નથી? જ્યારે મૃત્યુ આવે ત્યારે આપણી પાસે શું છે? જ્યારે તે આવે છે, જ્યારે આપણે પાછળ જોઈએ છીએ, ત્યારે શું આપણું જીવન સાર્થક રહ્યું? તે સાર્થક હોવું જોઈએ, છે કે નહીં? નહીં તો શું અર્થ છે? તે ફક્ત ત્યારે જ ફાયદાકારક હશે જો આપણે વાસ્તવિકતા સાથે જીવીએ અને ભ્રમમાં નહીં.
(સદગુરૂ જગ્ગી વાસુદેવ)
(ભારતની પચાસ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને બેસ્ટસેલિંગ ઓથર છે. 2017માં ભારત સરકાર દ્વારા સદગુરુને ‘પદ્મવિભૂષણ’થી સમ્માનિત કરવામાં આવ્યા હતા, જે વિશિષ્ટ અને અસાધારણ સેવા બદલ આપવામાં આવતો વાર્ષિક એવોર્ડ છે.)