(સદગુરુ જગ્ગી વાસુદેવ)
વિજ્ઞાન અને ટેકનોલોજીને કારણે ઘણી જ સુવિધાઓ અને સગવડો પ્રાપ્ત થઈ હોવા છતાં માનવજાતિ હજી પણ ભારે ગૂંચવણ અને અવ્યવસ્થિતતામાં રાચે છે. દુનિયાના મોટાભાગના લોકો એ સમજણ વિના જ જીવન વીતાવે છે કે તેઓ સ્વયં માટે વાસ્તવમાં શું ઈચ્છે છે. અને જો તેઓ જાણતા હોય કે પોતે શું ઇચ્છે છે, તો ના તો તેમનામાં તે પામવાની ઇચ્છાશક્તિ હોય છે કે ના તે માટેની દ્રષ્ટિ હોય છે. મોટાભાગે તેઓ તેમના માટે સરળ હોય તેવી કોઈપણ બાબત અથવા તો તેમના જીવનમાં જે-તે બાબતની જરૂરિયાત જાણ્યા વિના જ તેના પર ઠરીઠામ થઈ જવાનો નિર્ણય લઈ લે છે.
આપણે કાયમ આ ક્ષણે આપણી આસપાસની વાસ્તવિકતાના આધારે આપણા જીવનનું નિર્માણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે જીવનમાં જે વસ્તુને સર્વોચ્ચ સ્તરે ઈચ્છીએ છીએ, તેને આપણી વર્તમાન સ્થિતિ સાથે કશી લેવાદેવા નથી. જો આપણે આપણી દૂરંદેશીતાને વર્તમાન પરિસ્થિતિની ગુલામ બનાવી દઈશું, તો તે ફરી પાછી સરળ અને તમારા માટે શક્ય હોય તેવી બાબત તરફ નજર દોડાવશે.
જો વ્યક્તિ પોતાની સાથે અને આસપાસના વિશ્વ સાથે શું કરવા ઈચ્છે છે તે અંગેની દ્રષ્ટિ ધરાવતી હોય, તો તે સ્થિતિનું સર્જન કરવું તેની ક્ષમતાની બહારની વાત નથી. તે આ જન્મમાં સાકાર થઈ શકે છે, કદાચ તે માટે બીજા કેટલાક જન્મ સુધી રાહ જોવી પડે, પણ આપણે જે ઈચ્છીએ છીએ, તે ચોક્કસપણે સાકાર થાય છે. જે વ્યક્તિના જીવનનું વિઝન સ્પષ્ટ હોય અને તે જીવનની દરેક ક્ષણે તેને ઝંખતો હોય, તો ગમે તેટલી મુશ્કેલ વસ્તુ પણ તેના ચરણોમાં આવી પડશે. પણ વ્યક્તિ કાયમ ગૂંચવણનો ભાર માથે લઈને ફરે છે અને જે નથી જોઈતું, તેની જ મથામણમાં રચ્યોપચ્યો રહે છે. તેના જીવનમાં આ દૂરંદેશીતા અને ઈચ્છાશક્તિના અભાવ માટે મુખ્યત્વે આપણી આસપાસના વિશ્વની વિકૃત સમજૂતી જવાબદાર છે.
જેને તમે સર્વોચ્ચ ગણો છો, તેના માટે મથામણ કરો. તે સાકાર થશે કે નહીં – તે મહત્વનું નથી. બસ, તે વિઝન (દૂરદ્રષ્ટિ) સાથે જીવવાનો અનુભવ માત્ર જ ઉત્કર્ષ, મુક્તિ અને પ્રસન્નતાની પ્રક્રિયા છે. તે કાલે સાકાર થાય કે સેંકડો વર્ષો પછી, તે મહત્વનું નથી. તમને પરિણામની કોઈ ચિંતા નથી. તમે એક દૂરદ્રષ્ટિ ધરાવો છો અને તમે તમારૂં જીવન તે તરફ વાળ્યું છે, તે મહત્વપૂર્ણ છે. સર્વોચ્ચ વસ્તુ સાકાર કરવા માટેનો આ એક સરળ માર્ગ પણ છે. સમગ્ર ગીતા તેના પર જ છે – તમે જે ઈચ્છો છો, તેમાં જીવન સમર્પિત કરી દો, તે ઈચ્છા સાકાર થશે કે નહીં થાય તેની ચિંતા છોડી દો. આ સ્વયં એક આધ્યાત્મિક પ્રક્રિયા છે.
દૂરદ્રષ્ટિ એ આપણી અંદર અને બહાર રહેલી મર્યાદાઓને ઓળંગી જવા માટેનો મહત્વપૂર્ણ માર્ગ છે. તમે જે ઈચ્છો છો, તે અંગે તમે અત્યંત સ્પષ્ટ હોવ, તો આજે જે અશક્ય જણાતું હોય, તે આવતીકાલે તમારા જીવનનો સામાન્ય ભાગ બની જાય છે. કોઈપણ મુશ્કેલી વિના તે તમારા ચરણોમાં આવી પડે છે. પણ દરેક ક્ષણે જો તમે તાર્કિક રીતે એ પ્રશ્ન કરો અને વિચારો કે, ‘શું તે પ્રાપ્ત કરી શકાય તેમ છે કે નહીં?’ તો પછી તમે તમારા દિમાગમાં અને તમારી આસપાસના વિશ્વમાં જે ગૂંચવણ જન્માવો છો, તે વિશ્વને મોટી ગૂંચવણમાં નાંખી દે છે. આપણે વાસ્તવમાં શું ઈચ્છીએ છીએ, તે અંગેની દૂરદ્રષ્ટિ કેળવવા માટેનો સમય પાકી ગયો છે.
(દેશના પચાસ સૌથી વધુ શક્તિશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને બેસ્ટસેલિંગ લેખક છે. ભારત સરકારે સદગુરુની પ્રશંસનીય સેવા બદલ 2017માં તેમને દેશના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ – ‘પદ્મ વિભૂષણ’થી નવાજીને તેમનું સન્માન કર્યું હતું.)