ચંદ્ર અને રહસ્યવાદ

સદ્‍ગુરુ: આજના સમયમાં આપણે એવી સ્થિતિમાં છીએ કે દિવસ હોય કે રાત્રિ, આપણી આંખો પર પ્રકાશ પડતો જ હોય છે. પૂનમની રાત હોય તો પણ મોટાભાગે શહેરમાં રહેતા લોકોને તેની ખબર પણ પડતી નથી. તમે પૂનમના ચંદ્રને જોવાનું કેવી રીતે ચૂકી શકો? તે પૂરતો વિશાળ અને પ્રકાશિત હોય છે, બરોબર ને?

જો તમારી પ્રણાલીમાં એક ચોક્કસ સ્તરની જાગરૂકતા અને બોધ હોય તો માત્ર તમારા શરીર તરફ ધ્યાન આપશો તો ખબર પડશે કે ચંદ્રની અવસ્થા અનુસાર શરીર થોડું અલગ વર્તે છે. પુરૂષ અને સ્ત્રી બન્નેના શરીરમાં તે હોય છે પરંતુ સ્ત્રીઓમાં તે વધારે અભિવ્યક્ત બને છે. જેવું કે તમે સૌ જાણો છો, મહિલાના શરીરની પ્રજનન પ્રક્રિયા ચંદ્રના ચક્ર સાથે ઘણી રીતે સંકળાયેલી છે. જે સમયાંતરે ચંદ્ર આ ગ્રહની આસપાસ ચક્કર મારે છે તેમજ મનુષ્ય પોતાની અંદર જે ચક્રમાંથી પસાર થાય છે અને માનવ જન્મની મૂળભૂત પ્રક્રિયા જે આ શરીર નિર્માણની પ્રક્રિયા છે, તે ગહન રીતે જોડાયેલા છે.

સામાન્ય રીતે ચંદ્રના પ્રભાવને અતાર્કિક ગણવામા આવે છે. જે કંઈ પણ અતાર્કિક હોય તેને સામાન્ય રીતે પશ્વિમમાં ગાંડપણ ગણવામા આવતું હતું. અંગ્રેજીમાં ચંદ્રને લ્યૂનાર કહેવામા આવે છે. જો તમે તેમાં એક ડગલું આગળ માંડો તો તમે લ્યુનેટિક (પાગલ) સુધી પહોંચો છો. પણ આ સંસ્કૃતિમાં આપણે હંમેશા જોયું કે તર્કની મર્યાદા હોય છે. એક તાર્કિક પરિબળ હોય છે જે તમારા જીવનના ભૌતિક પાસાઓનું સંચાલન કરવામાં મદદરૂપ બને છે. પરંતુ તર્કથી પરે પણ એક આયામ છે જેના વિના ચેતના સંબંધિત આયામો સુધી ક્યારેય પહોંચી શકાતું નથી.

માનવ બોધ એક પ્રતિબિંબ છે. જો તમે પ્રતિબિંબ સિવાય કંઈ જૂઓ છો, તો તેનો અર્થ એ કે તમે સત્ય નથી જોઈ રહ્યાં. કોઈ પણ બોધ હકીકતમાં એક પ્રતિબિંબ છે. ચંદ્ર પણ પ્રતિબિંબ છે. તમે ચંદ્રને એટલા માટે જોઈ શકો છો કારણ કે તે સૂર્યપ્રકાશને પ્રતિબિંબિત કરે છે. તેથી જીવનના ગૂઢ બોધને હંમેશા ચંદ્ર સાથે સાંકેતિક રીતે જોડવામા આવ્યા છે. વિશ્વમાં દરેક સ્થળે ચંદ્રનો પ્રકાશ અને રહસ્યવાદ ગહન રીતે જોડાયેલા રહ્યા છે. આ જોડાણને પ્રતિકાત્મક રીતે રજૂ કરવા માટે શિવ તેમના માથા પર ચંદ્રના ટૂકડાને એક ઘરેણા તરીકે ધારણ કરે છે.

યોગ વિજ્ઞાન અને યોગના માર્ગનું બંધારણ પણ આ રીતે જ કરવામા આવ્યું હતું. શરૂઆતના અમુક પગલા 100 ટકા તાર્કિક હોય છે. પરંતુ જેમ જેમ તમે ઊંચાઈ પર જવા લાગો, તે તર્કથી પરે એવી જગ્યાએ તમે લઈ જાય છે જે સંપૂર્ણ રીતે અતાર્કિક હોય છે. તર્કને ફેંકી દેવો પડે છે કારણ કે એ રીતે જ આ જીવન અને સૃષ્ટિનું બંધારણ ઘડાયેલું છે. તેથી ચંદ્ર અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે.

કોઈ પણ વિજ્ઞાન આ રીતે જ હોઈ શકે. જો તમે આધુનિક વિજ્ઞાન તરફ નજર કરશો તો તે હજુ બાલ્ય અવસ્થામાં છે જેમાં એ જ ચીજો થઈ રહી છે. શરૂઆતમાં તે 100 ટકા તાર્કિક હતું પરંતુ અમુક ડગલાં ભર્યા બાદ તે ધીમે ધીમે અતાર્કિક બની રહ્યું છે. ભૌતિકશાસ્ત્રીઓ હવે લગભગ રહસ્યવાદીઓની જેમ વાત કરી રહ્યાં છે. તેઓ આ ભાષામાં વાત કરી રહ્યા છે કારણ કે તે રસ્તે જ આગળ વધી શકાય છે અને તે રીતે જ આ સર્જન થયું છે.  જો તમે સર્જનનું અન્વેષણ કરશો તો તે આ રીતે જ હશે.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 4 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.