સદગુરુ: કેરીનો સ્વાદ

પ્રશ્નકર્તા: એક વ્યક્તિ છે જેનો હું ખુબ આદર કરું છું અને મેં હંમેશા મારી સમસ્યાઓનો સામનો કરવા માટે તેમની સલાહ લીધી છે. પરંતુ એક દિવસ જયારે હું તેમને મળવા ગયો ત્યારે મે તેમને દારૂ પીતા અને ધુમ્રપાન કરતા જોયા. તે દુનિયાને ખુબ સારી સલાહ આપે છે પરંતુ તેમને તે હાલતમાં જોઇને હું તેમની માટેનો આદર ખોઈ બેઠો.

સદગુરુ: આ આપણા દેશની એક મોટી સમસ્યા છે. ધારો કે તમે અહીં કોઈ પ્રખ્યાત ક્રિકેટ ખિલાડીનો દાખલો લો, તો આપણે ફક્ત એ જોવું જોઈએ કે તે કેટલાં રન બનાવે છે અને કેટલી સારી રીતે દેશ માટે રમે છે. આપણે બસ તેજ જોવું જોઈએ. પણ લોકોને તે શું ખાય છે, ક્યાં સુવે છે અને શું કરે છે તે જાણવાનો ઘણો રસ હોય છે. તેમને તે જાણવાની રૂચી નથી હોતી કે તે કેટલો સારો કે ખરાબ ખિલાડી છે. જયારે કોઈ વ્યક્તિ એક ક્રિકેટ ખિલાડી તરીકે પ્રખ્યાત થાય છે ત્યારે તમારી રૂચી તે ક્રિકેટ ક્ષેત્રે શું કરે છે તેમાં હોવી જોઈએ. તે ક્રિકેટ ક્ષેત્રની બહાર શું કરે છે તે જાણવું તમારું કામ નથી, તે તેની માટે અંગત છે.

જો તમે કોઈને સલાહનાં સ્ત્રોત તરીકે જોતા હો અને તેમની સલાહ સારી હોય જે તમારા હિતમાં કામ કરે તો તમારે તે વ્યક્તિની સાથે યોગ્ય રીતે વર્તવું જોઈએ. પછી ભલે તે દારૂ પીતો હોય કે ખાતો હોય કે હવા પર જીવતો હોય, તો તેમાં તમને શું સમસ્યા હોય શકે?

તે તમારા માટે જે મૂલ્ય ધરાવે છે અને જે બધી રીતો એ તે તમારા માટે મુલ્યવાન છે તેની માટે તમે તેનું મુલ્ય કરો. શું તેમની સલાહ સારી છે? શું તેમની સલાહ પૂર્વગ્રહયુક્ત અને નિષ્પક્ષ છે? તમારે ફક્ત તે જ જોવાનું છે. તે તમને પીવા અથવા ધૂમ્રપાન કરવાનું નથી કહેતા. તે તમને જે આપે છે તે તમારા માટે સારું છે, તેથી તમે તે કરો.

જો તે દારૂ પીને તમારી સાથે ખરાબ વર્તન કરે, તો તે એક મુદ્દો બને. જો તેણે ખાતરી કરી હોય કે તેનું પીવાનું તમારા જીવન સાથે દખલ ન કરતું હોય અને તે તમને સારી સલાહ આપતો હોય જે તમારા સારા માટે કામ કરતી હોય, તો તેનો ઉપયોગ કરી લો. પછી તમે તે વ્યક્તિ શું કરે છે તેની ચિંતા કેમ કરો છો? તો શું એ માણસ માટે કોઈ નૈતિકતા નથી? તે નૈતિકતા તેણે નક્કી કરવાની રહેશે.

તમારી સમસ્યા એ છે કે, તમે એક આંબો જોયો, તમને તેનાં પરની કેરીઓ ગમી અને તમે તેને ખાધી જે તમને ઘણી પાસંદ આવી. દરરોજ તમે થોડીક કેરીઓ તોડીને ખાધી. પરંતુ એક દિવસ તમારી નજર તેનાં મૂળ ઉપર પડી જે ગંદવાડમાં ખૂંપેલા હતાં. પછી તમે વિચારીયું, “ઓહ, આ આંબો સારો નથી, હું આ કેરી નહીં ખાઈ શકું.”

તમારે માત્ર એટલી ચિંતા કરવાની કે કેરીઓ મીઠી છે કે નહીં. જો કેરીઓ સ્વાદમાં ગંદવાડ જેવી લાગે તો તમારે તે ઝાડ કાપી નાખવું જોઈએ. પરંતુ જો તે કરીઓ મીઠી હોય તો તેનાં મૂળ ગંદવાડમાં હોવાથી તમને શું સમસ્યા હોય શકે? જો તે વ્યક્તિ તમને જે સલાહ આપી રહ્યો છે તે સારી હોય અને જો તે તમને કોઈ રીતે ભ્રષ્ટ કે દબાણ કરતો નથી, તો તમને શું સમસ્યા હોય શકે? તે પોતાના જીવનમાં જે ઈચ્છે તે કરે. મને ખબર નથી કે તે વ્યક્તિ જે કરી રહ્યો છે તે કેમ કરી રહ્યો છે, એટલે માટે તેનાં જીવન પર કોઈ ચુકાદો નથી આપવો. તમારે પણ તે વ્યક્તિનાં જીવન પર કોઈ ચુકાદો ન આપવો જોઈએ. જો તેની સલાહ મુલ્યવાન હોય તો તેનો ઉપયોગ કરી લો અને જો ના હોય તો તમારે તેને માનવાની કોઈ જરૂર નથી. આ વસ્તુ એટલી સરળ છે.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેમની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ- પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]