સદગુરુ: ફક્ત જોતા શીખો!

સદગુરુ: આજે એક મોટી સમસ્યા એ છે કે આપણા જીવનના દરેક ક્ષેત્રમાં –બૌદ્ધિક થી લઈ ધાર્મિક સુધી– બધુ નિષ્કર્ષ દ્વારા સંચાલિત છે. જ્યારે હું આધ્યાત્મિક પ્રક્રિયાને “શોધ” તરીકે કહું છું, તો તાત્કાલિક ધારણા આવે છે કે હું લોકોને ભગવાનની શોધ માટે પ્રોત્સાહન આપુ છું. પરંતુ ભગવાન પણ એક નિષ્કર્ષ છે. મોટો થતાં, હું એક હઠીલો સંદેહપૂર્ણ વ્યક્તિ હતો. પાંચ વર્ષની ઉંમરે પણ જ્યારે મારો પરિવાર મંદિરમાં જતો ત્યારે મને પ્રશ્નો થતા. ભગવાન કોણ છે? તે ક્યા છે? ત્યાં ઉપર? આ ઉપર ક્યાં છે? તેથી, હું ક્યારેય મંદિરમાં પ્રવેશ્યો નહીં.

આનો અર્થ એ કે મને મારા માતા-પિતા દ્વારા હંમેશાં બહારના પગરખાં સંભાળનારના કબ્જામાં છોડી દેવાતો. તે મને જોરથી પકડી રાખતો; તે જાણતો હતો કે જો તેણે બીજી તરફ જોયું તો હું નાસી જઇશ! પાછળથી મારા જીવનમાં મેં જોયું કે રેસ્ટોરેન્ટમાંથી બહાર આવતા લોકો હંમેશાં મંદિરોમાંથી આવતા લોકો કરતાં વધુ આનંદિત હોય છે. આ વાતે મને ઉત્સાહિત કર્યો.

અનંત ધ્યાન — જ્યારે હું સંદેહી હતો, ત્યારે મેં તે લેબલ સાથે ક્યારેય ઓળખ રાખી નહી. મારી પાસે ઘણા બધા પ્રશ્નો હતા, પરંતુ મને કોઈ નિષ્કર્ષો કાઢવાની જરૂરિયાત ક્યારેય લાગતી નહોતી. મને ખૂબ જ વહેલું સમજાયું કે મને કંઈપણ વિશે કંઇ ખબર નથી. તેનો અર્થ એ કે મેં દરેક બાબતમાં પ્રચંડ ધ્યાન આપવાનું શરૂ કર્યું. હું એક ગ્લાસ પાણી, એક પાંદડા, અંધકારને પણ અવિરત સુધી જોયા કરતો હતો.

મને ધીરે ધીરે સમજાયું કે ભાષા એ મનુષ્ય દ્વારા ઘડવામાં આવેલા ષડયંત્ર સિવાય બીજું કંઈ નથી. જ્યારે કોઈ બોલતું હોય ત્યારે મેં જોયું કે તેઓ ફક્ત અવાજ જ કરી રહ્યા હતા અને હું અર્થ ઉભા કરી રહ્યો હતો. તેથી, મેં અર્થઘટન બંધ કર્યું અને અવાજો ખૂબ જ મનોરંજક બન્યા. હું તેમના મોંઢામાંથી રચનાઓ બહાર ફેંકાતી જોઈ શકતો. તે બધુ જ માત્ર રચનાઓ હતી!

જ્યારે મારી આંખો ખુલી હતી, ત્યારે દરેક વસ્તુ મને આકર્ષિત કરતી. પરંતુ આશ્ચર્યજનક રીતે, મેં જોયું કે મારી આંખો બંધ થતાં, મારું ધ્યાન આકર્ષિત કરતું બીજું ઘણું છે – જે રીતે શરીરની નાડીઓ ધબકે છે, અવયવો કાર્યકરે છે, આંતરિક શક્તિઓસ્થળાંતર કરે છે, એનાટોમી ગોઠવાયેલ છે, એ બધુ જ. મેં જોયું કે સરહદ ખરેખર બાહ્ય વિશ્વ સુધી મર્યાદિત છે. હું “આ” અથવા “તે” હતો એવો સરળ જવાબ આપવાને બદલે, મેં જોયું કે જો હું તૈયાર હોત તો હું કંઈ પણ હોઈ થઈ શકતો. “હું” ની નિશ્ચિતતા પણ ધરાશાયી થઈ. મારી જાતને એક સ્વાયત્ત વ્યક્તિ તરીકે ઓળખાવાની, આ કવાયત મને ઓગાળી ગઈ.

જોતા શીખવું:

અપાર અજ્ઞાનતાની સ્થિતિમાં, કંઈપણ મારું ધ્યાન ખેંચી શકે છે. આણે મારા ચિકિત્સક પિતામાં ખળભળાટ મચાવી દીધો જેમણે માનવાનું શરૂ કર્યું કે મારી માનસિક તપાસ જરૂરી છે. તે હંમેશાં મને અજીબ લાગતું હતું કે વિશ્વ “હું જાણતો નથી” ની અવસ્થાની અસીમતા જોઈ શકતું નથી. જે માન્યતાઓ અને ધારણાઓ સાથે તે અવસ્થાનો નાશ કરે છે તે ભૂલી જાય છે કે “મને ખબર નથી” એ એક જબરદસ્ત દરવાજો છે – એકમાત્ર દરવાજો – તેને જાણવાનો.

હેતુ વિના જોવાની ક્ષમતા આજે દુનિયામાં ખૂટે છે. દરેક વ્યક્તિ એક મનોવૈજ્ઞાનિક પ્રાણી છે, દરેક વસ્તુને અર્થ આપવા માંગે છે. આધ્યાત્મિકતા ભગવાન, સત્ય અથવા અંતિમની શોધ કરવા વિશે નથી. તે તમારી દ્રષ્ટિને વધારવા વિશે છે, જે તમારી જોવાની ક્ષમતા છે. મેં મારા જીવનમાં ક્યારેય કશું શોધ્યું નથી. અને મારા જીવનનો પ્રયાસ લોકોને ફક્ત આ શીખવવાનો છે: જો તમે ખરેખર આધ્યાત્મિકતાને જાણવા માંગતા હો, તો કંઈપણ શોધશો નહીં. ફક્ત જોતા શીખો.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ) 

ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્કટાઇમ્સનાબેસ્ટસેલિંગ લેખક છે. સદગુરુને તેમની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.