લોકોની અપેક્ષાઓ કેમ સંભાળવી

સદ્‍ગુરુ: જુદા જુદા લોકોની તમારી પાસેથી જુદી જુદી અપેક્ષાઓ હોય છે, અને આ અપેક્ષાઓ એકબીજાની વિરુદ્ધમાં હોય છે. તમારી પત્ની ઈચ્છે છે કે તમે 5:30 સુધીમાં ઘરે હોવ પરંતુ તમારા બોસ તમને સાંજે 7:30 વાગ્યા સુધી ઓફિસમાં ઈચ્છે છે. તમારી પાસે માત્ર ચોવીસ કલાક છે પરંતુ જો તમારે તમારા માતા-પિતાની અપેક્ષાઓ, તમારા બાળકોની અપેક્ષાઓ, તમારા બોસની અપેક્ષાઓ અને સૌથી વધુ તો તમારા જીવનસાથીની અપેક્ષાઓ પૂરી કરવી હોય તો તમારે દિવસમાં ખરેખર સાઠ કલાકની જરૂર છે. “મને તે વધારાના કલાકો ક્યાંથી મળશે?” તે પ્રશ્ન છે.

અત્યારે, લોકોની અપેક્ષાઓ તમારી ક્ષમતા કરતાં ઘણી વધારે છે. તેને શાપ ગણશો નહીં. લોકો તમારી પાસેથી મોટી વસ્તુઓની અપેક્ષા રાખે છે તે એક મોટું વરદાન છે. જો લોકો તમારી સામે જુએ અને વિચારે કે “ઓહ, અમે તેની પાસેથી કંઈપણ અપેક્ષા રાખી શકતા નથી,” અને તેઓને તમારી પાસેથી કોઈ અપેક્ષા ન હોત, તો શું તમને લાગે છે કે તે તમારા માટે સારું હોત? જો તમારા બોસને તમારી પાસેથી કોઈ અપેક્ષા ન હોય, તો તમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. તેઓ બધા તમારી પાસેથી ઘણી બધી વસ્તુઓની અપેક્ષાઓ રાખે છે. આ તમારા માટે તમારી સીમાઓને પાર કરીને જીવન સાથે કંઈક કરવાની તક છે. શું કહેવાનો મતલબ એ છે કે તમે કંઇક આદર્શ વસ્તુ કરીને બધાની અપેક્ષાઓ પૂરી કરશો? તે કદી થવાનું નથી. પરંતુ જો બધા હંમેશા તમારી ક્ષમતા કરતાં વધુની અપેક્ષા રાખતા હોય, તો તેનો અર્થ એ છે કે તમારું જીવન સારું ચાલી રહ્યું છે.

તમારી સુખાકારીનો આનંદ માણો, તેના વિશે ફરિયાદ ન કરો. તમે કરી શકો તેટલું શ્રેષ્ઠ કરો અને વાત ખાલી તેટલી જ છે. આ તમારા કાર્યમાં પરફેક્ટ બનવા વિશે નથી. જીવનમાં પરફેકશન નામની કોઈ વસ્તુ નથી. માત્ર એક જ વસ્તુ છે જે પરફેક્ટ રીતે ઘટિત થાય છે, અને તે છે મૃત્યુ. જો તમે પરફેક્શન શોધો છો, તો અજાગરૂકપણે તમે મૃત્યુને શોધશો. જીવનમાં પૂર્ણતા ન શોધો. જીવન એટલા માટે સુંદર નથી બનતું કે તમે પરફેક્ટ છો, જીવન સુંદર બને છે કારણ કે તમે જે કરો છો તે બધામાં તમે તમારું દિલ લગાવો છો. જીવન ક્યારેય પરફેક્ટ બનવાનું નથી કારણ કે તમે અત્યારે જે પણ રીતે કામ કરી રહ્યા છો, તમે હંમેશા થોડું વધુ કરી શકો તેમ છો, શું એવું નથી? તેથી પરફેક્શનનો સવાલ જ ઊભો થતો નથી. જ્યારે મોટી અપેક્ષાઓ હોય, ત્યારે જ તમે પોતાને તમારી સીમાઓથી આગળ લઈ જશો. જો તમે હજુ વધુ કરી શકો તેમ છો, તો તેનો અર્થ એ કે તમે હજી પણ તમારી સીમા સુધી પહોંચ્યા નથી. જો કોઈ અપેક્ષાઓ ન હોય, તો તમે તમારી પૂરે પુરી ક્ષમતાને ઓળખશો નહીં.

કોઈની પણ અપેક્ષા વિના પોતાને પોતાની અંતિમ સીમા સુધી લઈ જવા માટે સાવ અલગ પ્રકાની ચેતના અને જાગરૂકતાની જરૂર પડે છે. તેના માટે તમારી અંદર એક અલગ જ વસ્તુ હોવી જોઈએ. અત્યારે તમે એવા નથી. તમે માત્ર લોકોની અપેક્ષાઓથી જ ચાલો છો. તેથી તેમને તમારી પાસેથી વધુને વધુ મોટી બાબતોની અપેક્ષા રાખવા દો. તમે પરિસ્થિતિઓને જેટલી હદ સુધી કરી સંભાળી શકો તે હદ સુધી સંભાળો. અમુક વસ્તુઓ હંમેશા નિયંત્રણની બહાર રહેશે, અને તમારા જીવનમાં તમે જેટલી વધુ વસ્તુઓ હાથમાં લેશો, તેટલી વધુ વસ્તુઓ ખોટી દિશામાં જશે. પરંતુ બીજી ઘણી વસ્તુઓ યોગ્ય પણ થશે. તમારા જીવનની ગુણવત્તા, અથવા તમારા જીવનની સફળતાને કંઈક પરિપૂર્ણ કરવાના સંદર્ભમાં માપવાની જરૂર નથી. તમે તમારી જાતને સંપૂર્ણ રીતે આપી રહ્યા છો કે નહીં તે દ્રષ્ટિએ તેને માપવાની જરૂર છે. જે થવાનું હશે તે તમારી ક્ષમતા, પરિસ્થિતિઓ અને બધું કેવી રીતે ગોઠવાય છે તેના પ્રમાણે થશે – આમાં ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે. પરંતુ શું તમે તમારા જીવનમાં જે કંઈપણ તમારા માટે મહત્ત્વનું છે તેમાં તમારી જાતને સો ટકા આપી રહ્યા છો? તે જ મુખ્ય પ્રશ્ન છે.

(સદ્‍ગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.