અહેવાલ- હાર્દિક વ્યાસ
દીવાળી અગાઉ પુષ્ય નક્ષત્ર આવે છે, જેને શુભ ખરીદી માટે શ્રેષ્ઠ નક્ષત્ર માનવામાં આવે છે. સામાન્ય રીતે ગુરુવારને પુષ્ય નક્ષત્ર આવે તો તે વણજોયું મુહૂર્ત કહેવાય છે, પણ આ વખતે શુક્રવારે દીવાળી અગાઉ પુષ્ય નક્ષત્ર આવે છે. તેને પણ શુભ માનવામાં આવે છે.
પુષ્ય નક્ષત્રની જો સામાન્ય અને બધાને સમજાય તેવી વ્યાખ્યા આપવી હોય તો એમ કહી શકાય કે પુષ્ય નક્ષત્ર એટલે લક્ષ્મીજીને જીવનના આંગણે આવકારવાનો અને વધાવવાનો અદભૂત અને શ્રેષ્ઠ અવસર. પુષ્ય નક્ષત્ર એ નક્ષત્રોનો રાજા છે. આ નક્ષત્રમાં કરવામાં આવેલા તમામ કાર્યો સર્વદા સ્થિર રહે છે. પુષ્ય નક્ષત્રના સ્વામી શનિ અને અધિષ્ઠાતા બૃહસ્પતિ અર્થાત ગુરૂ છે. ગુરૂ શુભત્વનો કારક છે અને શનિ સ્થિરતાનો કારક છે. પુષ્ય નક્ષત્રની સાક્ષીમાં કરવામાં આવેલા તમામ કાર્યો સદૈવ સફળ થાય છે. ઋગ્વેદમાં પુષ્ય નક્ષત્રને મંગલકર્તા વૃદ્ધિકર્તા અને સુખ તેમજ સમૃદ્ધિદાયક માનવામાં આવે છે.
પુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદીનું ખૂબ મહત્વ છે. દીવાળી બાદ લગ્નની મોસમ જામે છે. એટલા માટે જ પિતા પોતાની દિકરીને કન્યાદાનમાં જે સોનું આપવાનું હોય તે સોનું પુષ્ય નક્ષત્રમાં ખરીદવાનો આગ્રહ રાખતા હોય છે, કારણ કે પુષ્ય નક્ષત્રમાં ખરીદવામાં આવેલી સોના સહિતની કોઈપણ વસ્તુ હંમેશા સ્થિર રહે છે. પુષ્ય નક્ષત્રમાં વાહન, મકાન, સોનુ, ચાંદી વગેરે સહિતની કોઈપણ નવી વસ્તુ ખરીદવી શ્રેષ્ઠ રહે છે.
પુષ્ય નક્ષત્રમાં જન્મ લેનાર જાતક સ્વભાવે સજ્જન, ધર્મમાં શ્રદ્ધા ધરાવનાર, અતિકામી અને ઠરેલ સ્વભાવવાળો હોય છે. આ નક્ષત્રમાં જન્મ લેનાર જાતક જે ક્ષેત્રમાં પણ જાય ત્યાં ખુબ જ સફળ થાય છે, આવી વ્યક્તિ કરકસર ખુબ કરે છે અને હંમેશા ઉંડાણપૂર્વકનું ચિંતન કરનાર હોય છે. પુષ્ય નક્ષત્રમાં જન્મ લેનાર વ્યક્તિની આંખો ભૂરી હોય છે, પીઠ રૂપાળી અને પહોળી હોય છે, શરીર જાડુ અર્થાત સ્વસ્થ હોય છે અને હાથ અથવા પગમાં લાખુ હોય છે, તો સાથે જ તેનુ આયુષ્ય પણ મધ્યમ હોય છે.
વૈદિક જ્યોતિષમાં પુષ્ય નક્ષત્રનું મહત્વ
જ્યોતિષાચાર્ય કાર્તિકભાઈ રાવલે chitralekha.comને જણાવ્યા અનુસાર, ભારતીય વૈદિક જ્યોતિષ મુજબ સત્તાવીસ નક્ષત્રોમાંથી પુષ્યને આઠમુ નક્ષત્ર માનવામાં આવે છે. શાસ્ત્રોમાં પુષ્ય નક્ષત્રને કામધેનુ સમાન માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્રના શુભકાળમાં ખરીદ-વેચાણ ખુબ જ શુભ માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્ર કર્ક રાશિના 3-20 અંશથી 16-40 સુધી માન્ય હોય છે. પુષ્ય નક્ષત્રનું અન્ય એક નામ અમરેજ્ય પણ છે. જેનો અર્થ છે દેવતાઓ દ્વારા પૂજવામાં આવતું નક્ષત્ર. વૈદિક જ્યોતિષ અનુસાર પુષ્ય નક્ષત્ર દેવો માટે પણ દુર્લભ છે.
પુષ્ય નક્ષત્રના સ્વામી શનિ અને અધિષ્ઠાતા બૃહસ્પતિ છે. શનિના પ્રભાવથી ખરીદવામાં આવેલ વસ્તુ સ્થાયીરૂપથી લાંબા સમય સુધી કાયમ રહે છે અને ગુરૂના પ્રભાવથી તે સમૃદ્ધિદાયી બને છે. જો રવિવારે પુષ્ય નક્ષત્ર આવે તો તેને પુષ્યામૃત યોગ કહે છે. આ યોગ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમાં કરવામાં આવેલ શુભ કાર્ય જલ્દી ઉત્તમ ફળ પ્રદાન કરે છે. શાસ્ત્રોમાં પુષ્ય નક્ષત્રને નક્ષત્રોનો રાજા માનવામાં આવે છે. માન્યતા મુજબ પુષ્યામૃત યોગમાં ખરીદવામાં આવેલ સામાન અને કરવામાં આવેલ રોકાણ અત્યાધિક શુભફળ પ્રદાન કરે છે.
માતા લક્ષ્મીજી સાથે ભગવાન વિષ્ણુની પણ કરો પૂજા
પુષ્ય નક્ષત્રમાં કરેલું કોઈપણ કાર્ય સિદ્ધ થાય છે અને ખરીદેલી કોઈપણ વસ્તુ લાંબા સમય સુધી જીવનમાં વિદ્યમાન રહે છે. આજના દિવસે ધન સંબંધી કાર્યો કરવાથી તેનુ ફળ જલ્દી મળે છે. આજના દિવસે માતા લક્ષ્મીજીની પૂજા આરાધના અને સાધના કરવાથી શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે. માતા લક્ષ્મીજીની પૂજા સમયે માં લક્ષ્મીને લાલ રંગનુ પુષ્પ ચઠાવવું. સાંજના સમયે કોઈપણ લક્ષ્મી મંદિરમાં જઈને માતાજીને સુગંધિત ધૂપ, અગરબત્તિ, અને મીઠાઈનો પ્રસાદ ધરાવવાથી માં લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને સુખ તેમજ સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે છે.
માતા લક્ષ્મીજીની પૂજા સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવી પણ શ્રેષ્ઠ છે. આમ તો ભગવાન વિષ્ણુલક્ષ્મીની પૂજા હંમેશા સાથે કરવાનું જ મહત્વ છે. પરંતુ કેટલાક લોકો માત્ર માતા લક્ષ્મીજીની પૂજા કરતા હોય છે. વિષ્ણુ લક્ષ્મીની પૂજા સાથે કરવાનું મહત્વ અને તેની પાછળનો પૌરાણીક સમયનો ભાવ એ છે કે ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીના પતિ છે અને ખાલી પત્નીને આમંત્રીત કરો અને પતિને આમંત્રણ આપો તો પત્નીને ખોટુ લાગે. એટલે કે જો તમે માં લક્ષ્મીની પૂજા કરો અને ભગવાન વિષ્ણુની પૂજા ન કરો તો તમે કરેલી પૂજા ક્યારેય શ્રેષ્ઠ ફળ આપતી નથી. પરંતુ જો વિષ્ણુ લક્ષ્મીની પૂજા સાથે કરવામાં આવે તો તે પૂજાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ફળ મળે છે.
પુષ્ય નક્ષત્ર તારીખ 13-10-2017
શુભ ચોઘડીયાઃ (1) લાભ 08-04 થી 09-32 કલાક (2) શુભ 12-26 થી 13-53 કલાક (3) અમૃત 09-32 થી 10-59 કલાક (4) ચલ 16-48 થી 18-15કલાક
રાહુ કાળ- 10-30 થી 12-00 કલાક છે અને શ્રેષ્ઠ મુહૂર્ત- 12-14 થી 12-38 કલાક