આજે વાત કરવી છે કૃષ્ણ અને વાંસળી વચ્ચેના સંબંધની. કૃષ્ણને વાંસળી ખૂબ પ્રિય છે. ભગવાન કૃષ્ણ વાંસળીને પોતાનાથી ક્યારેય અલગ નહોતા કરતા. ક્યારેક કનૈયાના હાથમાં વાંસળી હોય અને ક્યારેક તેમના હોઠ પાસે હોય તો કોઈકવાર કમરમાં રાખેલી હોય. પણ આ વાંસળી અને કૃષ્ણના સંબંધની પાછળ એક પ્રસિદ્ધ વાર્તા છે.
દ્વાપર યુગની આ વાત છે. ભગવાન કૃષ્ણ વૃંદાવનના બગીચામાં ટહેલતા ટહેલતા દરેક વૃક્ષ પાસે જતા અને દરેક વૃક્ષને કહેતા કે હું તમને ખૂબ પ્રેમ કરૂં છું. વૃક્ષો ખૂશ થઈ જતા અને કૃષ્ણને કહેતા કે વ્હાલા અમે પણ તમને ખૂબ પ્રેમ કરીએ છીએ.
એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ અચાનક દોડતા દોડતા બગીચામાં આવ્યા અને સીધાજ વાંસના વૃક્ષ પાસે ગયા. અચાનક શ્રી કૃષ્ણને આવેલા જોઈને વાંસના વૃક્ષને ખૂબ આશ્ચર્ય થયું. તેણે શ્રી કૃષ્ણને પૂછ્યું, “શું વાત છે કૃષ્ણ કે તમે આમ દોડતા મારી પાસે આવ્યા?” કૃષ્ણ બોલ્યા, “તને કહેતા બહુજ સંકોચ થાય છે.” વાંસે જવાબ આપ્યો, “પ્રભુ જો હું તમારા કામમાં કદાચ મદદરૂપ થઈ શકું તો હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનીશ.” વાંસનો લાગણી ભર્યો જવાબ સાંભળીને કૃષ્ણ લાગણીવશ થઈ ગયા અને તેમણે કહ્યું, “મને તારું જીવન જોઈએ છે. મારે તને કાપવું છે.” આ સાંભળીને વાંસ વિચારમાં પડી ગયો અને તેનાથી પૂછાઈ ગયું, કે “કૃષ્ણ આના સિવાય બીજો કોઈ ઉપાય નથી?” શ્રી કૃષ્ણએ તરતજ જવાબ આપ્યો કે “ના આ સિવાય મારી પાસે બીજો કોઈ ઉપાય નથી. મારી મનગમતી વસ્તુ પ્રાપ્ત કરવા માટે આ એકજ માર્ગ છે.” આ સાંભળીને વાંસે તરતજ કૃષ્ણને સમર્પિત થવાનો નિર્ણય લઈ લીધો.
કૃષ્ણએ વાંસના એક ટૂકડાને હાથમાં પકડ્યો અને તેમાં છીદ્રો કરવા લાગ્યા. કૃષ્ણ જ્યારે છીદ્રો કરી રહ્યા હતા ત્યારે વાંસને ખૂબ પીડા થતી હતી પરંતુ વાંસ કશું જ બોલ્યા વગર તે પીડા સહન કરતો ગયો વાંસને પોતાને થઈ રહેલા દર્દની પીડા નહોતી પરંતુ એ વાતની ખુશી હતી કે હું કૃષ્ણના કામમાં કામ આવી રહ્યો છું. અંતે છીદ્રો પાડવાનું કામ પુરૂ થયું અને તેમાં કોતરકામ શરૂ થયું આ તમામ કામ પુરૂ થતા વાંસના રંગ રૂપ બદલાઈ ગયા. વાંસ પોતાના તમામ દર્દોને ભૂલી ગયું કારણકે હવે તે વાંસમાંથી વાંસળી બની ગયું હતું, અને આ વાંસળી કૃષ્ણને અત્યંત પ્રિય બની ગઈ. સાહેબ ઈતિહાસ સાક્ષી પૂરે છે કે કૃષ્ણની સૌથી નજીક કોઈ હોય તો તે વાંસળી છે.
શંખ ચક્ર ગદા પદ્મ એ ચતુર્ભુજ વિષ્ણુ.
કૃષ્ણનું ચિત્ર એતો વાંસળી વગર અધુરું.
કહેવાય છે કે કૃષ્ણ જ્યારે વાંસળી વગાડતા ત્યારે ગોકુળના તમામ વૃક્ષો, નદીઓના નીર, પશુ અને પક્ષીઓ તમામ લોકો ભાન ભૂલીને અને પ્રસન્ન થઈને કિલ્લોલ કરવા લાગતા. એથી આગળ જો વાત કરવામાં આવે તો કૃષ્ણની વાંસળીના સૂર જ્યારે રેલાય ત્યારે કૃષ્ણના ગામથી દૂર બીજા ગામમાં રહેતી રાધા પણ પોતાનું ભાન ભૂલી જતી અને પોતાના તમામ કામો છોડીને કૃષ્ણમય બની જતી. આ છે કૃષ્ણની વાંસળીમાંથી રેલાતા સૂરની તાકાત.
એક લોકવાયકા અનુસાર, એકવાર ગોપીઓને વાંસળીની મીઠી ઈર્ષા આવી. અને ગોપીઓએ વાંસળીને સવાલ કર્યો કે હે વાંસળી, અમે કૃષ્ણને અમારી જાત કરતા પણ વધારે પ્રેમ કરીએ છીએ છતા પણ કૃષ્ણની આટલી નજીક રહેવાનો અધીકાર માત્ર તને શાં માટે? વાંસળીએ ખૂબ સારો જવાબ આપ્યો કે હે ગોપીઓ હું કૃષ્ણની સતત સાથે એટલા માટે રહું છું કારણ કે હું મારા શરીરે વીંધાણી છું અર્થાત મે મને વાંસમાંથી એક વાંસળી બનવામાં બહુ દર્દ પડ્યું છે અને એટલે જ કૃષ્ણએ હંમેશાં મને પોતાની સાથે રાખી છે, મને ક્યારેય પોતાનાથી અલગ કરી નથી.
દર્દ સહન કરવા માટે પણ પાત્રતાની જરૂર પડે છે. જ્યારે પણ જીવનમાં તકલીફ પડે, જ્યારે પણ દર્દ આવે ત્યારે ચોક્કસ ઈશ્વર પર ભરોસો રાખીને એટલું વીચારવું જોઈએ કે, ચોક્કસ ભગવાન મને સફળ બનાવવા માટેનો મસ્ત પ્લાનીંગ કરી રહ્યા છે. કારણ કે એક પત્થરને પણ હિરો બનવું હોય ને તો ખૂબ ઘસાવું પડે છે. પોતાની જાત અડધી થઈ જાયને ત્યારે એક સામાન્ય પત્થર હિરો બની શકતો હોય છે. એટલે ઈશ્વર પર ભરોસો રાખવો અને સતત વિશ્વાસ કરવો મારા ભગવાન હંમેશા મારી સાથે છે અને તેઓ ક્યારેય મારૂ અહિત નહી થવા દે. અને જીવનમાં આવતી તકલીફો એ માત્ર તકલીફો નથી હોતી મીત્રો, પરંતુ તમારા વ્યક્તિત્વનું ઘડતર હોય છે. આ સમયમાં જે ઘડાઈ જાય ને તેના જીવનમાં ઈશ્વર દુનિયાનું તમામ સુખ મુકી દે છે. પરંતુ શરત એ છે કે ઈશ્વરને ક્યારે ન ભૂલવા અને તેમની ભક્તી ક્યારેય ન છોડવી.
( અહેવાલઃ હાર્દિક વ્યાસ )