કુંભમેળોઃ જ્યાં મળે ભારતીય સંસ્કૃતિની સર્વોત્તમ ઝલક…

કરસંક્રાતિ દર વર્ષે 14 જાન્યુઆરીએ આવે છે, પણ આ વર્ષે 2019માં 15 જાન્યુઆરીએ મકરસંક્રાતિ છે. આ જ કારણસર ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં કુંભમેળો 15 જાન્યુઆરીએ શરૂ થઈ રહ્યો છે. પહેલું શાહી સ્નાન પણ 14 જાન્યુઆરીને બદલે 15 જાન્યુઆરીએ છે. મકરસંક્રાતિના દિવસે સૂર્ય ધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે, માટે તે સંક્રાતિને મકરસંક્રાતિના નામથી ઓળખાય છે. આ વર્ષે સૂર્ય ધનમાંથી મકરમાં 14 જાન્યુઆરી સાંજ પછી પ્રવેશ કરે છે, માટે 15 જાન્યુઆરીએ મકરસંક્રાતિ મનાવાઈ છે. આ દિવસે ધનારકની સમાપ્તિ થાય છે, ત્યાર પછી તમામ શુભ કાર્યો કરી શકાય છે.કુંભમેળાનો ઈતિહાસ 850 વર્ષ જૂનો છે, મનાય છે કે આદિ શંકરાચાર્યએ તેની શરૂઆત કરી હતી, પણ કેટલીક કથાઓ અનુસાર કુંભની શરુઆત સમુદ્ર મંથન પછી થઈ હતી. જો કે કેટલાક દસ્તાવેજોમાં ઉલ્લેખ છે કે કુંભમેળો 525 બીસીમાં શરૂ થયો હતો.

ઉત્તરપ્રદેશના અલાહાબાદ તેનું નવું નામ પ્રયાગરાજ કરાયું છે, તે પ્રયાગરાજમાં કુંભમેળો 15 જાન્યુઆરીથી વિધિવત શરૂ થયો છે., જે પુરા 50 દિવસ એટલે કે 4 માર્ચને મહાશિવરાત્રિના દિવસે સમાપ્ત થશે. પ્રયાગરાજ ત્રણ નદીઓનું સંગમસ્થાન છે. ગંગા, યમુના અને સરસ્વતી નદીના આ ત્રિવેણીમાં જે ભકતો ડૂબકી લગાવે તેના સર્વ પાપોનો નાશ થાય છે. તેમ જ એવું કહેવાય છે કે કુંભમાં દેવો પણ આવીને વસે છે, જેથી તેમની કૃપા મેળવવા અને કષ્ટો દૂર કરવા દેશ અને વિદેશથી ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભકતો કુંભમેળામાં આવશે અને ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાની ડૂબકી લગાવશે.

ઉત્તરપ્રદેશ સરકારે આ વખતે કુંભમેળાનું ભવ્ય આયોજન કર્યું છે. કુંભનો અર્થ થાય છે કળશ અને તેનો સંબધ છે અમૃત કળશ સાથે. એવી માન્યતા છે. જ્યારે દેવાસુર સંગ્રામ પછી બન્ને પક્ષ દેવ અને દાનવો સમુદ્ર મંથન માટે રાજી થયા ત્યારે મંદરાચલ પર્વત તેના માટે રવૈયો બન્યો હતો અને નાગ વાસુકી મંથન કરવા માટે દોરડી(નેતિ) બન્યાં હતાં. સમુદ્ર મંથન વખતે 14 રત્નો મળ્યાં, જેને દેવ અને દાનવો સરખે હિસ્સે વહેંચી લીધા હતાં. પણ જ્યારે ધન્વન્તરિ અમૃતકળશ લઈને આવ્યાં અને દેવતાઓના હાથમાં આપ્યો ત્યારે દેવ અને દાનવો વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે ભગવાન વિષ્ણુને મોહિની સ્વરૂપ લઈને આવવું પડ્યું, દેવ અને દાનવો વચ્ચે મોહિની સ્વરૂપ ધારણ કરીને આવેલા વિષ્ણુ ભગવાને એવી રજૂઆત કરી કે હું બધાને અમૃતપાન કરાવીશ, દેવો અને દાનવો વચ્ચે સહમતિ સઘાઈ ગઈ. અમૃતકળશને સુરક્ષિત દેવલોક પહોંચાડવાની જવાબદારી ઈન્દ્રના પુત્ર જયંતને સોંપાઈ હતી. અમૃતકળશને લઈને જ્યારે જયંત દાનવો પાસેથી ભાગ્યા ત્યારે તે અમૃતકળશમાંથી અમૃત પૃથ્વી પર ચાર સ્થાનો પર ઢોળાયું હતું. જે સ્થાનોમાં હરિદ્વાર, અલાહાબાદ(પ્રયાગરાજ), ઉજ્જૈન અને નાસિકમાં અમૃતના બિંદુ પડ્યાં ત્યાં દર ત્રણ વર્ષે કુંભમેળો યોજાય છે, અને 12 વર્ષે પહેલો કુંભમેળો યોજાયો હતો, ત્યાં ફરીથી યોજાય છે.

गंगाद्वारेप्रयागेचधारागोदावरीतटे

कलसाख्योहियोगोहयंप्रोच्यतेशंकरादिभि:

તેમ જ વિષ્ણુની આજ્ઞાથી સૂર્ય, ચંદ્ર, શનિ અને બૃહસ્પતિ પણ અમૃતકળશની રક્ષા કરી રહ્યાં હતાં. અને વિવિધ રાશિઓ જેવી કે સિંહ, કુંભ અને મેષમાં વિચરણને કારણે તમામ કુંભ પર્વમાં સૂચક બન્યાં છે. આ પ્રકારે ગ્રહો અને રાશિઓને કારણે કુંભ પર્વ જ્યોતિષનું પર્વ પણ બની ગયું છે.

ઈન્દ્રના પુત્ર જયંતને અમૃતકળશને સ્વર્ગ લઈ જવા માટે 12 દિવસનો સમય લાગ્યો હતો. જેથી એમ મનાય છે કે દેવતાઓનો એક દિવસ પૃથ્વીના એક વર્ષની બરોબર હોય છે. આ કારણે જ કાલાન્તરમાં દર્શાવેલ સ્થળો પર ગ્રહ રાશિઓના વિશેષ સંયોગથી દર 12 વર્ષે કુંભ મેળાનું આયોજન થાય છે.

કુંભમેળો કયા સ્થાન પર થશે, તે રાશિ નક્કી કરે છે. વર્ષ 2013માં કુંભ મેળો પ્રયાગ અલાહાબાદમાં યોજાયો હતો, તેનું કારણ રાશિઓની વિશેષ ઉપસ્થિતિ હતી. કુંભ માટે કેટલાક નિયમો નિર્ધારિત છે. તે અનુસાર પ્રયાગમાં કુંભમેળો ત્યારે થાય છે જ્યારે માઘ અમાવસ્યાના દિવસે સૂર્ય અને ચંદ્રમાં મકર રાશિમાં હોય અને ગુરુ મેષ રાશિમાં હોય છે આ સંયોગ વર્ષ 2013માં 20 ફેબ્રુઆરીના રોજ થયો હતો અને આથી કુંભમેળો પ્રયાગમાં થયો હતો, 1989, 2001, 2013 અને હવે પછી આગામી કુંભમેળો અહીંયા 2025માં યોજાશે.

मेषराशिगतेजीवेमकरेचन्द्रभास्करौ

अमावस्यातदायोग: कुंभख्यस्तीर्थनायके

કુંભ યોગના વિષય પર વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ જોવા મળે છે. વિષ્ણુ પુરાણમાં કહેવાયું છે કે જ્યારે ગુરુ કુંભ રાશિમાં આવે અને સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે ત્યારે હરિદ્વારમાં કુંભ યોજાય છે. 1986, 1998, 2010 અને તે પછી હવે આગામી મહાકુંભ મેળો હરિદ્વારમાં 2021માં યોજાશે

સૂર્ય અને ગુરુ જ્યારે બન્ને રાશિ સિંહમાં હોય ત્યારે કુંભમેળાનું આયોજન નાસિક(મહારાષ્ટ્ર)માં ગોદાવરી નદીના તટ પર થાય છે. 1980, 1992, 2003 પછી 2015માં કુંભમેળો યોજાયો હતો.

ગુરુ જ્યારે કુંભ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ઉજ્જેનમાં કુંભ યોજાય છે. 1980, 1992, 2004 અને તે પછી 2016માં કુંભ યોજાયો હતો.

કુંભના આયોજનમાં નવગ્રહોમાં સૂર્ય, ચંદ્ર, ગુરુ અને શનિની અતિમહત્વપૂર્ણ ભૂમિકા છે. અમૃતકળશ સ્વર્ગમાં લઈ જતી વખતે કળશની ખેંચતાણમાં ચંદ્રએ અમૃતને વહેતું બચાવ્યું હતું, ગુરુએ કળશને છુપાવી નાંખ્યો હતો, સૂર્યદેવે કળશને ફૂટતાં બચાવ્યો હતો અને શનિદેવે ઈન્દ્રના કોપથી રક્ષા કરી હતી. આ કારણે જ્યારે આ ગ્રહોનો સંયોગ એક રાશિમાં થાય ત્યારે કુંભનું આયોજન થાય છે. આ ચાર ગ્રહોના સહયોગથી જ અમૃતની રક્ષા થઈ હતી.

ગુરુ એક રાશિમાં એક વર્ષ રહે છે, એવી રીતે 12 રાશિમાં ભમ્રણ કરતાં તેને 12 વર્ષનો સમય લાગે છે. એટલા માટે દર 12 વર્ષે તે સ્થળ પર કુંભનું આયોજન થાય છે. પણ કુંભ માટે નક્કી કરેલ ચાર સ્થળોમાં અલગઅલગ સ્થળો પર દર ત્રણ વર્ષે કુંભનું આયોજન થાય છે. કુંભના ચાર સ્થાનોમાં પ્રયાગ કુંભ માટે વિશેષ મહત્વ ધરાવે છે. દર 144 વર્ષે અહીંયા મહાકુંભ યોજાય છે.

કહેવાય છે કે ગ્રહોની ચાલને કારણે ગંગાજળ ઔષધિયુક્ત અને અમૃતમય થઈ જાય છે. આ કારણે જે પોતાના અંતરાત્માની શુદ્ધિ માટે પવિત્ર સ્નાન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ કુંભમાં આવે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ ગ્રહોની સ્થિતિને કારણે એકાગ્રતા અને ધ્યાન સાધના માટે શ્રેષ્ઠ સમય હોય છે.

પ્રયાગરાજના કુંભમેળામાં 12 કરોડથી વધુ તીર્થયાત્રીઓ આવવાની ધારણા રખાઈ રહી છે, અને મૌની અમાસના દિવસે 3 કરોડ ભક્તો આવવાની સંભાવવાના મુકાઈ છે. તે ઉપરાંત રોજના અંદાજે 20 લાખ તીર્થયાત્રીઓ અને સાથે અંદાજે 10 લાખ વિદેશી પર્યટકો આવવાનું અનુમાન છે. પ્રયાગરાજમાં 450 વર્ષ પછી પહેલીવાર ભક્તોને ‘અક્ષયવટ’ અને‘સરસ્વતી કૂપ’માં પ્રાર્થના કરવાનો અવસર પ્રાપ્ત થશે.

કુંભમેળામાં છ પવિત્ર સ્નાનઃ

(1) મકરસંક્રાતિ 15 જાન્યુઆરી, 2019

કુંભની શરૂઆત મકરસંક્રાતિના પહેલા સ્નાનથી થાય છે. આને શાહી સ્નાન અને રાજયોગી સ્નાન પણ કહેવાય છે. આ દિવસે સંગમ પ્રયાગરાજ પર વિભિન્ન અખાડાઓના સંતોની પહેલા શોભાયાત્રા નીકળે છે અને પછી સ્નાન થાય છે. માદ્ય મહિનાના પહેલા દિવસે સૂર્ય ધનરાશિમાંથી મકરમાં પ્રવેશ કરે છે, તે દિવસે મકરસંક્રાતિ ઉજવાય છે, લોકો આ દિવસે વ્રત રાખવાની સાથે દાન પુણ્ય પણ કરે છે.

(2) પોષ પૂર્ણિમા 21 જાન્યુઆરી, 2019

માન્યતાઓ મુજબ પોષ મહિનાની પૂનમને પોષ પૂર્ણિમા, શાકંભરી પૂનમ પણ કહેવાય છે. જે વર્ષ 2019માં 21 જાન્યુઆરીને સોમવારે આવે છે. આ દિવસે ચંદ્ર પુરો દેખાય છે. કહેવાય છે કે જે વ્યક્તિ આ દિવસે વિધિપૂર્ણ સવારે સ્નાન કરે તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. આ દિવસે તમામ શુભ કાર્યોની શરૂઆત કરાય છે. આ દિવસે સંગમ પર સવારે સ્નાન કર્યા પછી કુંભની અનૌપચારિક શરૂઆત થઈ જાય છે. આ દિવસથી કલ્પવાસનો પણ પ્રારંભ થઈ જાય છે. પોષ મહિનાની પૂનમે અંબાજી માતાનો પ્રાગ્ટય દિન પણ છે.

(3) મૌની અમાસ 4 ફેબ્રુઆરી, 2019

કુંભમેળામાં ત્રીજું સ્નાન મૌની અમાવસ્યાનું છે. માન્યતા એવી છે કે આ દિવસે કુંભના પહેલા તીર્થંકર ઋષભદેવે પોતાની લાંબી તપસ્યા પછી મૌન વ્રત તોડ્યું હતું. અને સંગમના પવિત્ર જળમાં સ્નાન કર્યું હતું, ત્યારથી મૌની અમાવસ્યાના દિવસે કુંભમેળામાં ખૂબ મોટો મેળો ભરાય છે, અને લાખોની સંખ્યામાં ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડે છે. 2019ના વર્ષમાં મૌની અમાવસ્યા 4 ફેબ્રુઆરીને સોમવારે આવે છે, તે સોમવતી અમાસ પણ છે.

(4) વસંત પંચમી 10 ફેબ્રુઆરી, 2019

પંચાગ અનુસાર વસંત પંચમી મહા મહિનાની પાંચમી તિથિએ આવે છે. વસંત પંચમીના દિવસથી વસંત ઋતુ શરૂ થઈ જાય છે. કડકડ્તી ઠંડી પુરી થાય છે, અને ત્યાર પછી પ્રકૃતિ નવું સ્વરૂપ ધારણ કરે છે. કુદરત નવું રૂપ ધારણ કરે છે, હિન્દુ માન્યતા અનુસાર આ દિવસે મા સરસ્વતીનો જન્મ થયો છે, આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. પવિત્ર નદીઓના તટ પર અને તીર્થસ્થાનો પર વસંત મેળો ભરાય છે. આ વર્ષે વસંત પંચમી 10 ફેબ્રુઆરીને રવિવાર છે. વસંત પંચમીના દિવસે કુંભમેળામાં સ્નાન થશે.

(5) મહા પૂર્ણિમા તા.19-02-2019

વસંત પંચમી પછી કુંભમેળામાં પાંચમું સ્નાન છે મહા મહિનાની પૂનમનું. માન્યતા એવી છે કે આ દિવસે તમામ હિન્દુ દેવતા સ્વર્ગમાંથી સંગમ સ્થાન પર આવે છે. આ મહા મહિનાની પૂર્ણિમાને કલ્પવાસની પૂર્ણતાનું પર્વ પણ કહેવાય છે. આ દિવસથી મહા પૂર્ણિમા સમાપ્ત થઈ જાય છે, અને આ દિવસે સંગત તટ પર કઠિન કલ્પવાસ વ્રતધારી સ્નાન કરીને ઉત્સાહિત થઈ જાય છે. આ દિવસે ગુરુની પૂજા કરાય છે. આ વર્ષે મહા પૂર્ણિમા 19 ફેબ્રુઆરીને મંગળવાર આવે છે.

(6) મહાશિવરાત્રિ 4 માર્ચ, 2019

કુંભમેળાનું આખરી સ્નાન મહાશિવરાત્રિના દિવસે થાય છે. આ દિવસે તમામ કલ્પવાસીઓ કુંભનું છેલ્લું સ્નાન કરીને પોતાના ઘેર પરત ફરે છે. ભગવાન શિવ અને માતા પાર્વતી આ પાવન પર્વ પર કુભમાં આવીને તમામ ભક્તોની સાથે સંગમ સ્થળે ડૂબકી લગાવે છે. દેવલોક પણ આ દિવસની રાહ જોતા હોય છે. આ વર્ષે મહાશિવરાત્રિ 4 માર્ચને સોમવાર આવે છે.

અહેવાલઃ પારુલ રાવલ