ગયા તીર્થઃ પિતૃતર્પણની પાવન ભૂમિ

ભારતીય સંસ્કૃતિમાં પિતૃઓને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. પિતૃઓને આપણા ત્યાં ભગવાન માનવામાં આવે છે. અને કહેવાય છે કે જે વ્યક્તિ પર પિતૃઓની કૃપા થાય તે વ્યક્તિને જીવનમાં કોઈપણ પ્રકારની અડચણો આવતી નથી. આપણા ત્યાં પિતૃઓને મોક્ષ મળે અને તેમના આત્માની સદગતિ થાય તે માટે પિંડદાન અને પિતૃતર્પણ કરવાનું ખૂબ મહત્વ છે. આમ તો પિતૃતર્પણ અને પિંડદાન માટે અનેક તીર્થો ભારતમાં આવેલા છે પરંતુ આ તમામ તીર્થો પૈકી ગયા તીર્થને સર્વોત્તમ ગણવામાં આવે છે. તીર્થના મહત્વની અને ગયાતીર્થ સાથે જોડાયેલી પૌરાણિક સત્યકથા.

પૂર્વજોના આત્માની શાંતિ અને મુક્તિ માટે શ્રાદ્ધ કરવાની પરંપરા ખુબ જૂની છે. આમ તો પિંડદાન અને તર્પણ કરવા માટે દેશમાં કેટલાય સ્થળો છે, પરંતુ તેમાંથી સર્વશ્રેષ્ઠ સ્થળ છે બિહારનું ગયા. ગયા ધામમાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ પોતાના પિતૃઓનું તર્પણ કરવા માટે આવે છે. ગયા ધામને પિતૃઓના તર્પણ અને પિંડદાન માટેનું પ્રથમ અને મુખ્ય દ્વાર માનવામાં આવે છે.

હિંદુ ધર્મમાં પિતૃપક્ષને શુભ કામો માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. એવી માન્યતા છે કે પિતૃપક્ષમાં શ્રાદ્ધ કર્મ કરીને પિંડદાન અને તર્પણ કરવાથી પૂર્વજોની સોળ પેઢીઓના આત્માને શાંતિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે.

હિંદુ ધર્મ અનુસાર પિંડદાન મોક્ષપ્રાપ્તિ માટેનો એક સરળ અને સહજ માર્ગ છે. આમ તો આપણા દેશમાં એવા કેટલાય સ્થાનો છે કે જ્યાં પિંડદાન કરવામાં આવે છે પરંતુ બિહારના ફલ્ગુ તટ પર કરવામાં આવેલું પિંડદાન સર્વશ્રેષ્ઠ છે. માનવામાં આવે છે કે રામ અને સીતાજીએ પણ રાજા દશરથના આત્માની શાંતિ માટે ગયાજીમાં જ પિંડદાન કર્યું હતું. મહાભારતમાં વર્ણન કરવામાં આવ્યું છે કે ગયાના ફલ્ગુ તીર્થમાં સ્નાન કરીને મનુષ્ય શ્રાદ્ધમાં ભગવાન વિષ્ણુના દર્શન કરે છે અને પિતૃના ઋણમાંથી મુક્ત બને છે. ફલ્ગુ તીર્થમાં શ્રાદ્ધના સમયમાં પિંડદાન, તર્પણ અને બ્રાહ્મણ ભોજન જેવા ત્રણ મુખ્ય કાર્યો થાય છે. પિતૃપક્ષમાં કર્મકાંડના વિધિ વિધાનો અલગ હોય છે. શ્રદ્ધાળુ એક દિવસ, ત્રણ દિવસ, સાત દિવસ, અને પંદર તેમ જ 17 દિવસનું કર્મકાંડ કરે છે.
ગયા નગરને ભગવાન વિષ્ણુનું નગર માનવામાં આવે છે. આ ધરતીને મોક્ષની ધરતી માનવામાં આવે છે. વિષ્ણુ પુરાણ અને વાયુ પુરાણમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિષ્ણુ પુરાણ અનુસાર ગયામાં પિંડદાન કરવાથી પૂર્વજોને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત થાય છે. માનવામાં આવે છે કે સ્વયં ભગવાન વિષ્ણુ અહીં પિતૃ દેવ સ્વરૂપે ઉપસ્થિત છે એટલા માટે આ તીર્થને પિતૃ તીર્થ પણ કહેવામાં આવે છે.

એક પ્રાચીન કથા અનુસાર ભસ્માસુરના વંશજમાં ગયાસુર નામના એક રાક્ષસે કઠિન તપશ્ચર્યા કરીને બ્રહ્માજી પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું હતું કે તેનું શરીર દેવતાઓની જેમ પવિત્ર થઈ જાય અને લોકો તેના દર્શનમાત્રથી પાપમુક્ત થઈ જાય. બ્રહ્માજીએ ગયાસુર નામના આ રાક્ષસને વરદાન આપી દીધું. ગયાસુરને આ વરદાન મળ્યા બાદ સ્વર્ગની જનસંખ્યા વધવા લાગી અને પ્રકૃતિના નિયમથી વિપરિત બધું થવા લાગ્યું. લોકો કોઈપણ પ્રકારનો ભય રાખ્યા વગર પાપ કરે અને ગયાસુરના દર્શન કરીને પાપમાંથી મુક્ત થઈ જાય.

આનાથી બચવા માટે દેવતાઓએ યજ્ઞ માટેના એક પવિત્ર સ્થળની માગ ગયાસુર પાસે કરી. ગયાસુરે પોતાનું શરીર દેવતાઓને યજ્ઞ માટે આપી દીધું. જ્યારે ગયાસુર શવાસનની સ્થિતિમાં સુતો ત્યારે તેનું શરીર પાંચ કોસમાં ફેલાઈ ગયું. અને આ જ પાંચ કોસની જગ્યા સમય જતાં ગયા તીર્થ બની ગઈ. ગયાસુરનું શરીર તો ગયુ પરંતુ લોકોને પાપમાંથી મુક્ત કરવાની તેના મનની ઈચ્છા ન ગઈ અને પછી તેણે દેવતાઓ પાસેથી વરદાન માગ્યું કે આ સ્થાન લોકોને મુક્તિ આપનારૂં પવિત્ર તીર્થ બની રહે અને લોકો અહીં મુક્તિની ઈચ્છાથી પિંડદાન કરે અને મુક્તિ મળે. એટલા માટે જ લોકો આજે પણ પોતાના પિતૃઓને તારવા માટે અને પિંડદાન માટે ગયાજીમાં આવે છે.

માનવામાં આવે છે કે પહેલાં ગયામાં વિભિન્ન નામોની 360 જેટલી વેદીઓ હતી કે જ્યાં પિંડદાન કરવામાં આવતું હતું. પરંતુ સમય જતા વેદીઓ લુપ્ત થતી ગઈ અને આજે માત્ર 48 વેદીઓ પર જ પિંડદાન થાય છે. અત્યારે લોકો આ 48 વેદીઓ પર જ પિંડદાન અને પિતૃતર્પણ કરે છે. અહીંયા વેદીઓમાં વિષ્ણુપદ મંદિર, ફલ્ગુ નદીના કિનારે અને અક્ષયવટ પર પિંડદાન કરવું જરૂરી મનાય છે.

આપણા દેશમાં શ્રાદ્ધ માટે હરિદ્વાર, ગંગાસાગર, જગન્નાથપુરી, કુરૂક્ષેત્ર, ચિત્રકૂટ, પુષ્કર, અને બદ્રીનાથ સહિત કેટલાય સ્થળોને મહત્વપૂર્ણ માનવામાં આવ્યા છે, પરંતુ આ તમામ સ્થાનોમાં સર્વોપરિ સ્થાન ગયા તીર્થને કહેવામાં આવ્યું છે.

ગરૂડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે ગયા તીર્થમાં જવા માટે ઘરેથી નીકળનારા વ્યક્તિ પોતાના પ્રત્યેક પગલે પિતૃઓના સ્વર્ગારોહણ માટે સીડી બનાવે છે.

અહેવાલ – હાર્દિક વ્યાસ