આજના આધુનિક યુગમાં મન દ્વારા માનવીની બુદ્ધિનું પતન થયું છે. મન બળવાન બનીને માનવીના ચૈતન્યનેહણી રહ્યું છે. આજે મનની નબળાઈએ લગભગ જટિલ રોગ બની ચુકી છે. મનની નબળાઈને લીધે માનવીનું પુરુષાર્થ કરવું અને મક્કમતાથી મુસીબતોને જવાબ આપવાનું લગભગ અશક્ય બની ગયું છે. કોઈ કાર્ય સ્થિર મનથી કરવું આજે શક્ય નથી રહ્યું. મોબાઈલ અને ઈન્ટરનેટના જમાનામાં માનવીનું મગજ હવે ધીરે ધીરે મનનું ગુલામ બની ગયું છે. મન દ્વારા ઇચ્છાઓની પ્રચુરતા થાય છે, માનવી મન કાબુ નથી કરી શકતો. મનની લાલચને ધ્યાનમાં રાખીને અનેક જાહેરાતો કરવામાં આવે છે, માનવીને મોહમાં પાડીને તેની પાસે કામ લેવામાં આવે છે.
ભારત જગદગુરુ છે, આજે થોડા ભૂતકાળમાં જઈશું, વાત ૧૮૩૭ની છે, પંજાબના લાહોર પ્રાંતમાં એક ફકીર નામે સાધુ હરિદાસ, કહે છે કે તેઓએ મૃત્યુની જીતી લીધું છે, તેઓ શરીરને કાબુમાં રાખી શકે છે. આ વાતથી મહારાજા રણજીતસિંઘ ખુબ પ્રભાવિત થયા હતા. સાધુ હરિદાસના કહેવા મુજબ તેઓને જીવતા દફન કરવામાં આવશે તો પણ તેઓ જીવી શકશે. તેઓ સમાધિમાં ચાલ્યા જશે. બેશક આ તેમની અદભુત સંકલ્પ શક્તિ હતી. એકવારમધ્ય રાત્રિએ કેટલાક મજુરો અને સાથે મહારાજા રણજીતસિંઘ અને કેટલાક સેવકો લાહોરના મહેલ પાસે એક મેદાનમાં બગીચાની વચ્ચે કશુંક કરી રહ્યા હતાં. વાત જાણે એમ હતી કે, પેલા ફકીર સાધુ હરિદાસ આજે સમાધિ લેવાના હતા. એક ઊંડો ખાડો ખોદવામાં આવ્યો લગભગ દસેક ફૂટ જેટલો ઊંડો. એક મોટું તાબૂત અથવા કોફીન લાવવામાં આવ્યું. બાબાએ બે દિવસથી કઈ જ ખાધું નહોતું. સમાધિમાં જતા પહેલા બાબાએ તેમના મિત્ર બ્રાહ્મણને કહ્યું કે, ચંદ્રનો પ્રકાશ અહી સુધી આવે તેવી વ્યવસ્થા કરજો. મને કબરમાંથી એકમના દિવસે રાત્રે જ બહાર લાવજો. ત્યારબાદ તેઓને ધીરે ધીરે વસ્ત્રમાં વીંટવામાં આવ્યા. દુરથી એકાદ અંગ્રેજ પત્રકાર આ બધું જોઈ રહ્યો હતો. તેને તો એવું હતું કે આ બાબા નાહકના મૃત્યુને ભેટશે, અને એક બીજી તકલીફ આવશે.
વસ્ત્રથીઆવૃતએ શરીર પદ્માસન મુદ્રામાં અંદર ઉતારવામાં આવ્યું. અંદર એક રૂમ જેટલો મોટો ખાડો હશે. મશાલના પ્રકાશ વચ્ચે, બાબાને કોફીનમાં બંધ કરવામાં આવ્યા. અને ચારે તરફ માટી નાખીને આ મોટો ખાડો પૂરો દેવામાં આવ્યો.
આ ખાડાની આસપાસ લગભગ ચાલીસેક દિવસ ગાર્ડસ રહ્યા, એટલું જ નહિ પણ ફૂલપણ ત્યાં વેરવામાં આવ્યા. બાબાના કેટલાક શિષ્યોએ ત્યાં છોડ પણ વાવ્યા. મકાઈના છોડ એકાદ મહિનામાં મોટા થઇ ગયા હતા. પછી એક દિવસ પ્રતિપદાનીરાત્રિએ ફરી બધા સેવકો ત્યાં ભેગા થયા હતા. ચંદ્રનો ઉદય થતા જ મધ્ય રાત્રીએ ફરી મશાલના પ્રકાશમાં મહારાજા રણજીતસિંઘ આવી પહોંચ્યા, તેમના સેવકોએ ખાડો ખોદવાનું શરુ કર્યું. તાબૂત બરાબર સીલબંધ એમ જ હતું. પેલો અંગ્રેજ પત્રકાર તો જાણે એમ જ માનતો હતો કે બાબા જીવતા નહીં જ હોય. એક ડર અને ક્યારેક શ્રદ્ધા અને ક્યારેક શંકા તરફ ચાલતા મન સાથે તેઓ તાબૂતને મેદાનમાં લઇ આવ્યા. સીલ તોડીને શરીરને બહાર કાઢવામાં આવ્યું. દાક્તરે જોયું તો ધબકારા શૂન્ય હતા, તેઓએ મહારાજા રણજીતસિંઘ સામે જોઈને કશુંક કહ્યું.
થોડી વારમાં બાબાના સેવકો આવી પહોંચ્યા, તેઓએ બાબાના હાથ-પગ ઘસ્યા. માથેજાડી રોટલી વારંવાર ગરમ કરીને મૂકતા હતા. આ એક ગરમ શેક આપવાની તેમની પદ્ધતિ હતી. થોડીવાર પછી બાબાના નાક અને મોમાં ઘીના ટીપા મુકવામાં આવ્યા. ગરમા ઘીના ટીપા અંદર ગયા પછી થોડી વારમાં બાબા હરિદાસનો શ્વાસ ચાલુ થયો. ધીરે ધીરે તેઓનો શ્વાસ સામાન્ય થવા લાગ્યો. તેઓએ આંખો ખોલીને સીધું મહારાજા રણજીતસિંઘ સામે જોયું અને તેમને પૂછ્યું કે, ‘હવે તો તને વિશ્વાસ થયો ને?’ બધાના આશ્ચર્ય વચ્ચે દાકતરે ફરીવાર તેમનું શરીર ચકાસ્યું, હજુ પણ હ્રદયના ધબકારાસાંભળી શકાતા નહોતા. ધીરે ધીરે તેઓનું શરીર સામાન્ય બની રહ્યું હતું. શું બાબા તેમના સુક્ષ્મ શરીરમાં ચાલ્યા ગયા હશે? શું આપણો ભૌતિક દેહ જીવતા જીવ છૂટી શકે અને પાછો પણ મળી શકે? આશરે ચાલીસેક દિવસ પછી એ રાત્રિ લાહોરના લોકોમાં સદાયને માટે યાદગાર બની ગઈ હતી.
નીરવ રંજન