શ્રીમદ ભગવદ્ ગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે. ગીતા ગ્રંથ સમસ્ત માનવ જીવનને સ્પર્શતો ગ્રંથ છે. ગીતા એટલે કોઈ દેવી દેવતાનું કે ધર્મનું વર્ણન કે મહાત્મ્ય નહી પરંતુ ગીતા એટલે જીવન જીવવાની પદ્ધતિ. ભગવાન શ્રી કૃષ્ણએ કુરૂક્ષેત્રના મેદાનમાં અર્જુનને ગીતા સંભળાવી હતી. બીલકુલ એવી જ રીતે અત્યારના સમયમાં જોવા જઈએ તો આપણું જીવન એટલે કુરૂક્ષેત્ર અને આપણે જીવનરૂપી કુરૂક્ષેત્રમાં ઉભેલા અર્જુન અને ગીતા એટલે શ્રીકૃષ્ણએ ઉચ્ચકોટીનું જીવન જીવવા માટે આપેલો ઉપદેશ. પાંચ હજાર કરતાં પણ વધુ વર્ષો પહેલા કૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલું ગીતા જ્ઞાન અત્યારના સમયમાં પ્રત્યેક વ્યક્તિ માટે ખૂબ જ ઉપયોગી છે. ત્યારે આવો જાણીએ કે સુખી જીવન જીવવા માટે ગીતાના કયા સંદેશને આપણે અનુસરવો જોઈએ…
મહાભારતના યુદ્ધના પ્રથમ દિવસે પાંડવ જ્યારે યુદ્ધભૂમિ પર પહોંચે છે ત્યારે અર્જુન તેના સારથી બનેલા શ્રીકૃષ્ણને રથને બન્ને સેનાની વચ્ચે લેવાનો કહે છે. બન્ને સેનાનું અવલોકન કરતી વખતે અચાનક અર્જુનને લાખો લોકોના મૃત્યુનો ખ્યાલ આવે છે. યુદ્ધના પરિણામોના વિચારથી તે ગભરાઇ જાય છે અને ભગવાન શ્રીકૃષ્ણને યુદ્ધ કરવાની ના કહી દે છે. તેના હાથમાંથી ગાંડીવ નામનું તેનું ધનુષ્ય પડી જાય છે અને તે રથમાં બેસી પડે છે અને શ્રીકૃષ્ણને માર્ગદર્શન પુરુ પાડવા કહે છે. આ સમયે અર્જુનના જે પ્રશ્નનોનું સમાધાન શ્રીકૃષ્ણે કર્યું તે સંવાદ એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાય.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સંયમ અને સહનશીલતાનું મહત્વ પણ ખૂબ વર્ણવવામાં આવ્યું છે. ગીતાજીના બોધ અનુસાર સંસારમાં બધું જ પરિવર્તનશીલ છે. જેમ યોગ્ય સમય આવતાં ઋતુઓ બદલાય છે તે જ પ્રકારે સુખ પછી દુ:ખ આવે છે અને તેવી જ રીતે જીવનની પ્રતિકુળતા પણ કાયમની નથી. જ્યારે પણ જીવનમાં કપરો સમય આવે ત્યારે સંયમથી કામ લેવું. પરંતુ મોટાભાગે લોકો દુ:ખના સમયમાં નિરાશામાં ગરકાવ થઈ જાય છે. પરંતુ મનની હિંમતને ક્યારેય તુટવા ન દેવી જોઈએ. સમસ્યાઓથી ઘેરાયેલા હોય ત્યારે પણ પ્રભુ પર વિશ્વાસ અચૂક રાખવો કે જીવનના અંધારામાંથી પણ તે તમને ઉગારશે.
ગીતાના માધ્યમથી સંદેશો આપતા ભગવાન શ્રી કૃષ્ણ મનુષ્યને જણાવે છે હંમેશા જીવનમાં ઉત્સાહવાદી રહેવું જોઈએ અને એક વાત યાદ રાખવી જોઈએ કે સંસારમાં બધુ જ પરિવર્તનશીલ છે. જો આજે તમારી પાસે ધન નથી અને તમે જીવનમાં ધનની ઉણપ અથવા ઓછપ અથવા અભાવ અનુભવી રહ્યા છો તો નીરાશ ન થવું અને આશા રાખવી કે આ દિવસો પણ પસાર થઈ જશે અને સુખ-સંપત્તિ આવશે. ભગવાન કૃષ્ણ કહે છે કે જો તમે વારંવાર નિષ્ફળ થતા હોય તો સફળતાની આશા ગુમાવીને નિરાશ ન થવું પરંતુ ઈશ્વર પર ભરોસો રાખવો કે આજે નિષ્ફળતા છે તો ચોક્કસ આવતી કાલે સફળતા પ્રાપ્ત થશે જ. કારણ કે પરિવર્તન એ જ સંસારનો નિયમ છે.
એક નજર ગીતા પર કરીએ તો સમજાય કે શ્રીમદ્ ભગવદ્ ગીતાના દરેક અધ્યાયના અંતે ભગવાન કૃષ્ણએ પણ મનુષ્યને એ જ ઉપદેશ આપ્યો છે અને સાચો માર્ગ શું છે તે જણાવી દીધું છે હવે કયા માર્ગે ચાલવું, કેવી રીતે વર્તન કરવું, અને કેવી રીતે જીવન જીવવું તે આપણે નક્કી કરવાનું છે.
ઘણા માણસો એવા હોય છે કે સહેજ નિષ્ફળતા મળે તો નિરાશ થઈ જાય છે, પરંતુ નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. અને નિષ્ફળતા સાથે જો પરિચય જ ન થયો હોય તો આપણને સફળતાની મહત્તા કેવી રીતે સમજાય?
દરેક વ્યક્તિએ યાદ રાખવું જોઈએ કે સઘળું નાશવંત છે, જો તમને કશુંક મળી ગયું છે તો ગેલમાં ન આવી જાવ કારણ કે મનુષ્ય જે વસ્તુ, સંપત્તિ અથવા હોદ્દાને લઈને અભિમાન કરતો હોય તેનું અભિમાન ક્યારેક ને ક્યારેક તો તુટે જ છે. એટલે જો તમારી પાસે કશુંક હોય તો તેનું અભિમાન ન કરવું પરંતુ ઈશ્વરનો આભાર માનવો કે હે ઈશ્વર તમે મને મારી ક્ષમતા કરતા વધારે આપ્યું છે, અને જો જીવનમાં કંઈક ખૂટતું હોય અથવા તકલીફ હોય ઈશ્વર પર ભરોસો રાખવો કે આ સમય પણ પસાર થઈ જશે.
શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે તમે પાસે મારી કંઈક માંગો એટલે મારે આપવું પડે, પરંતુ કેટલું અને ક્યારે આપવાનું તેનો સમય હું નક્કી કરીશ. અર્થાત ઈશ્વરને પણ ખબર છે કે કયા મનુષ્યને ક્યારે, કેટલું અને શું જોઈએ છીએ. તે પ્રમાણે ઈશ્વર આપણને આપે જ છે. કીડીને કણ અને હાથીને મણ મળી જ રહે છે. યાદ રાખવું ઈશ્વર ભુખ્યા ઉઠાડે છે પરંતુ ક્યારેય ભુખ્યા સુવડાવતો નથી. કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે દરેક મનુષ્ય મારો જ અંશ છે અર્થાત આપણે સહું ઈશ્વરના જ એક અંશ છીએ. ત્યારે ઈશ્વર પર ભરોસો અને શ્રદ્ધા રાખવી જોઈએ કે ઈશ્વર ક્યારેય આપણું અહિત નહી થવા દે.
તો આવો આપણે પણ આજથી ગીતાના આ દિવ્ય જ્ઞાનને અનુસરીએ અને જીવન મંગલમય બનાવીએ.
અહેવાલઃ હાર્દિક વ્યાસ