જેમ જેમ જીવનમાં ભાગદોડ વધતી જાય છે, તેમ તેમ માણસને શાંતિની વધુને વધુ જરૂર પાડવા લાગે છે. સુગંધનો અનુભવ તમને શાંતિ અને આહલાદક અનુભવ આપી શકે છે. ગૂગળ એક એવો પ્રાકૃતિક ગુંદર છે કે જેનો ધૂપ તરીકે ઉપયોગ વર્ષોથી થતો આવ્યો છે. જો તમે ઘર કે ઓફિસના સ્થળે નકરાત્મક ઊર્જાનો અનુભવ કરી રહ્યા હોવ તો ગૂગળનો ધૂપ તમને નકરાત્મક ઊર્જા દૂર કરવામાં મદદરૂપ થઇ શકે છે.અસલી ગુગળનો ધૂપ કઈ રીતે કરવો?
સાદો ગૂગળ તમને માર્કેટમાં ખૂબ સસ્તા દરે મળી શકે છે, પણ તેને ઘરમાં કેવી રીતે વાપરવો તે ઘણીવાર મૂંઝવણનો વિષય બની જાય છે, આજે અહી તમને ગૂગળને કેવી રીતે આસાનીથી વાપરી શકાય તેનો ઉપાય બતાવ્યો છે. અગાઉ જણાવ્યું તેમ ગૂગળએ ગુંદર જેવો પદાર્થ છે, તેનો ધૂપ કરવા માટે તમારી પાસે થોડાં લાકડાં હોવા જરૂરી છે. લાકડા ન હોય તો શ્રીફળનો છોલ પણ વાપરી શકાય. થોડા લાકડાં સળગાવી તેને માટીના પાત્રમાં મૂકો. લાકડા સંપૂર્ણ બળે તે પહેલાં તેને ઓલવી, તેની પર ગૂગળને મુકશો તો તમને ગૂગળની આહલાદક, પવિત્ર અને શાંતિ પ્રસરાવતી ખુશ્બૂ તરત મળશે. ગૂગળનો ધૂપ કરવાનો બીજો સરળ ઉપાય પણ છે. આજકાલ ઓનલાઈન શોપિંગનો જમાનો છે, ઈન્ટરનેટ પર તમને થોડું શોધવાથી પણ ગૂગળનો ધૂપ કરવા માટેના કોલસા મળી રહેશે. આ પ્રકારના કોલસા ખાસ ધૂપમાં વાપરવા માટે જ બનાવાય છે, એકવાર પ્રગટાવ્યાં પછી તે લગભગ ૨૦ મિનીટ સુધી સતત બળતા રહે છે, માટે ગુગળનો ધૂપ પણ કોઈ પણ વિઘ્ન વગર સતત બળતો રહે છે. તમે સાદા સ્ટવ પર કોલસા લાલ થાય ત્યાં સુધી તેને બાળો. આ કોલસાને માટીના પાત્રમાં મૂકીને તમે તેની પર ગૂગળનો એક નાનો ટુકડો મુકશો તો તે તરત જ ધૂપ આપશે. પવિત્ર સુગંધ તરત જ ફેલાવા લાગશે.
જુદી જુદી આહલાદક સુગંધ માટે…
એક જ પ્રકારની ખુશ્બૂ પણ વારંવાર વાપરવી આપણને ન ગમે તે સ્વાભાવિક છે. તમે જો ઘરમાં કે ઓફિસના સ્થળે અલગ અલગ પ્રકારની ખુશ્બુનો અનુભવ લેવા માગતા હોવ તો સાદા ધૂપ સાથે તમે બીજા પ્રયોગ પણ કરી શકો છો. કોઈ પણ સાદા ધૂપને તમે કોલસા પર બાળી જ શકો છો. તમારે કરવાનું શું છે, માત્ર આ સાદા ધૂપ પાવડરમાં કોઈ પણ મનગમતું અત્તર મેળવીને તે ધૂપને કોલસા સાથે બાળો. કોલસાની ગરમીથી ધૂપ સાથે અત્તરની ખુશ્બુ પણ વાતાવરણમાં ફેલાવા લાગશે. તમે પણ આ સરળ પ્રયોગ વડે ઘરમાં કે ઓફિસના સ્થળે મનગમતી ખુશ્બુ રેલાવી શકો છો અને વાતાવરણને બદલી શકો છો. અલગ અલગ પ્રકારના અત્તર તમને માર્કેટમાં સસ્તા દરે મળી શકે છે.
એક નાનકડો પરિચય, કેટલીક જાણીતી સુગંધનો
સવારના સમયે સફેદ લીલી, મોગરો, મોતિયા કે ગુલાબ જેવા અત્તરની સુગંધ વાતાવરણને મહેકતું કરી શકે છે. ફૂલોની સુગંધ તમને શાંતિ સાથે કુદરતના સાનિધ્યનો આનંદ પણ આપે છે. જો તમે થોડું વધારે તપાસ કરશો તો ખસ, સફેદ કમળ અને ફિરદોસ જેવા ઠંડા અત્તર પણ તમે ગરમીના દિવસોમાં વાપરી શકો છો. જો ઠંડીનો સમય હોય તો અંબર, કસ્તુરી અને ઓઘ જેવી ખુશ્બૂ પણ તમે વાપરી શકો. ઓઘ અને અંબરની ખુશ્બૂ ગરમ અને અત્યંત મધુર હોય છે. ઓઘને સાદી ભાષામાં અગર વડે ઓળખવામાં આવે છે. અગરનું લાકડું તેની અદભૂત ખુશ્બુને લીધે ખૂબ મોંઘુ મળે છે. પણ સાદા અગરના અત્તર કે ઓઘના અત્તર તમને બજારમાં ઓછા ભાવે મળી શકશે. આ અત્તરનો તમે કોઈ પણ સાદા ધૂપ સાથે પ્રયોગ કરી શકો છો. કોલસા કે લાકડા સાથે ધૂપ કરશો તો તમને ચોક્કસ ઉત્તમ પરિણામ મળશે.
અહેવાલ- નીરવ રંજન