દીવાળીના પર્વોમાં ધનતેરસ બાદ કાળી ચૌદશ આવે છે. કાળી ચૌદશ એટલે મૂલતઃ ઉપાસના અને સાધનાનો દિવસ. આ પર્વ સાથે સાધના સિવાય કેટલીક મહત્વની પૌરાણિક સત્ય ઘટનાઓ પણ જોડાયેલી છે. આજે chitralekha.com પર વાત કરીશું કાળી ચૌદશના મહત્વની અને જાણીશું પૌરાણીક કથાઓ સાથે સાધના અને ઉપાસનાનું મહત્વ.
આપણાં ત્યાં વડવાઓમાં એવી કહેવત પ્રચલિત હતી કે કાળીચૌદશના આંજ્યા ના જાય કોઈનાં ગાંજ્યા. વિશેષ કરીને કાળી ચૌદશના દિવસે શુદ્ધ તેલ અથવા જો શક્ય હોય તો તલના તેલનો દીવો પ્રગટાવીને તેની જ્યોત પર નાનું વાસણ ધરીને તેના ધુમાડાની મેશ એકઠી થાય તે તેલ સાથે ભેળવીને તેનું કાજળ બનાવીને આંખમાં આંજવામાં આવે છે. જો કે હવેના સમયમાં આ કાર્ય ભાગ્યે જ લોકો કરતા હોય છે. આજના દિવસે જો આ પદ્ધતિથી કાજળ લગાવવામાં આવે તો તે લોકો કોઈના ગાજ્યાં ન જાય અર્થાત કોઈનાથી છેતરાય નહીં. દિ દિવસે જો આ રીતે કાજળ આંજવામાં આવે તો તે કોઈનાથી ગાંજ્યા ના જાય.. એટલેકે છેતરાય નહીં. દિવસે જો આ રીતે કાજળ આંજવામાં આવે તો તે કોઈનાથી ગાંજ્યા ના જાય..
આ દિવસે અનેક સ્થળોએ મારૂતિ યજ્ઞ થશે અને હનુમાનજીના મંદિરોમાં લોકો દર્શન કરવા જશે. કાળી ચૌદસના દિવસે અમદાવાદના કેમ્પના હનુમાન મંદિર ખાતે વર્ષોથી પરંપરા અનુસાર હનુમાનજીની પ્રસાદી તરીકે કાળા દોરાનું વિતરણ કરવામાં આવે છે. જયારે મહુડી ખાતે ઘંટાકર્ણ મહાવીર દેવનો હવન પણ થશે. જ્યારે અનેક સાધુસંતો સ્મશાનમાં જઇ મા મહાકાળીની પૂજા અને યજ્ઞ કરશે.કાળીચૌદસનો દિવસ શિવ અને મહાકાળી માના શ્રદ્ધાળુઓ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે સાધક પોતાની કામનાની પૂર્તિ માટે સાધના કરે છે. કાળીચૌદસની રાત્રિએ કરેલી સાધના તત્કાળ સિદ્ધિ અને ફળ આપે છે. આ દિવસે મહાકાળી માતા, હનુમાન, ભૈરવ, નરસિંહ અને વીર સહિતના ઉગ્રદેવોની પૂજાસાધના કરવાનું વિધાન જૉવા મળે છે.
કાળીચૌદસે માટીના દીવામાં અથવા લોટનો દીવો બનાવી તેમાં ચાર વાટ કરવી અને તલનું તેલ પૂરવું. આ દીપ ઘરના પ્રવેશ દ્વાર પર રાખવો અથવા ઘરના દક્ષિણ દિશામાં મૂકવો. કાળી ચૌદસની રાત્રિ સુધી તે અખંડદીપ રહે તેનું ઘ્યાન રાખવું. આ કરવાથી અનિષ્ટ તત્ત્વો દૂર રહે છે. જયારે આ દિવસે સંઘ્યા સમય બાદ સ્નાનાદિથી પવિત્ર થઈ લાલ વસ્ત્ર પહેરી, લાલ આસન ઉપર બેસી, લાલ માળાથી ‘હનુમાનજીનો મંત્રનો જાપ કરવાથી અનેક પીડાનો નાશ થાય છે અને અંતમાં શ્રીફળ વધેરીને ઘરમાં તેના જળનો છંટકાવ કરવો જૉઈએ.
શ્રીમદ્ ભાગવત પુરાણ અનુસાર આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો હતો. ભૌમાસુર અથવા નરકાસુર તરીકે ઓળખાતો શક્તિશાળી રાક્ષસ અગાઉ પ્રાગજ્યોતિશપુર તરીકે ઓળખાતા સ્થળ પર શાસન કરતો હતો. તેણે લોકોને રંજાડવાનું શરૂ કર્યુ હતું. આ ક્રૂર રાક્ષસે મહિલાઓને પજવવાનું શરૂ કર્યું. તેણે યુદ્ધોમાં જીતેલી લગ્નયોગ્ય ઉંમરની સોળ હજાર રાજકુમારીઓને જેલમાં રાખી હતી અને તેમની સાથે લગ્ન કરવા માગતો હતો. આના કારણે ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો. ભગવાન કૃષ્ણએ અને સત્યભામાએ આ સાંભળ્યું ત્યારે તેમણે રાક્ષસ પર હુમલો કર્યો, વધ કર્યો અને તમામ રાજકુમારીઓને મુક્ત કરી. મરતી વખતે નરકાસુરે ભગવાન કૃષ્ણ પાસે એક વરદાન માગ્યું, “આ તિથિએ પવિત્ર મંગલસ્નાન કરનાર વ્યક્તિને નરકની યાતના ભોગવવી પડશે નહિ”. ભગવાન કૃષ્ણે તેને આ વરદાનના આશીર્વાદ આપ્યા. પરિણામે અશ્વિનના અંધારા પખવાડિયાનો ચૌદમો દિવસ નરક ચતુર્દશી તરીકે જાણીતો બન્યો અને આ દિવસે લોકોએ સૂર્યોદય પહે1લા સ્નાન કરવાનું શરૂ કર્યું. નરકાસુરના વધ પછી આ દિવસે કૃષ્ણ જ્યારે મળસ્કે ઘરે પહોંચ્યા ત્યારે તેમણે નરકાસુરના લોહીથી કપાળ પર તિલક કર્યું અને નંદે તેમને પવિત્ર સ્નાન કરાવ્યું. મહિલાઓએ તેમની આરતી ઉતારીને અને ઓવારણા લઈને પોતાનો આનંદ વ્યક્ત કર્યો.’
દક્ષિણ ભારતમાં ઉત્સવોનો આ વાસ્તવિક દિવસ છે. હિન્દુઓ સૂર્યોદય પહેલા ઉઠી જાય છે, સવારના બે વાગ્યા જેટલા વહેલા ઉઠીને તેઓ સુગંધી અત્તરથી સ્નાન કરે છે અને નવા વસ્ત્રો પહેરે છે. તેઓ સમગ્ર ઘરમાં નાના દીવા પ્રગટાવે છે અને ઘરની બહાર આકર્ષક રંગોળી પૂરે છે. તેઓ ભગવાન શ્રી કૃષ્ણ અથવા ભગવાન શ્રી વિષ્ણુને અર્ઘ્ય આપીને વિશેષ પૂજા કરે છે, કારણ કે આ દિવસે તેમણે વિશ્વને રાક્ષસ નરકાસુરમાંથી મુક્તિ અપાવી હતી. એવું માનવામાં આવે છે કે આકાશમાં તારા દેખાતા હોય તેવા સમયે વહેલી સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરવાથી ગંગામાં પવિત્ર સ્નાન કરવા જેટલું ફળ મળે છે.
(અહેવાલ-હાર્દિક વ્યાસ)
કાળીચૌદશ માટે ઉપાસના મંત્ર
ૐ હ્રીં કાલી કાલી મહાકાલી, કાલિકે પરમેશ્વરી
સર્વદુ:ખ હરેદેવી, મહાકાલી નમોસ્તુતે
અને
ૐ હરિમર્કટ મર્કટાય સર્વકાર્ય સિદ્ધિકરાય હું હનુમતે નમ: