આજનો સમય ભારે દોડાદોડી અને સતત વ્યસ્તતાવાળો છે. માણસ પાસે પહેલા કરતા સંપતિ વધી છે, સુખ સગવડ વધ્યા છે પણ સંતોષ, શાંતિ અને પ્રેમ ઘટ્યા છે તે પણ સત્ય છે તે સ્વીકારવું પડશે. શાંતિ મળે અને સંતોષ હોય તો સાચું સુખ મળ્યાનો આનંદ થશે. મનુષ્યનું જીવન આપણે માનીએ છે તેટલુંય લાંબુ નથી. જીવનની સતત અસ્થિરતા પણ આપણને ડરાવી મુકે તેવી છે. આપણે જયારે સ્વસ્થ હોઈએ છીએ, આપણી પાસે સમય હોય છે અને એક ઘરમાં બેસીને સંસારને માણી શકીએ છીએ, આ બાબત માટે આપણે ઉદાર મને ઈશ્વરનો આભાર માનવો જોઈએ. જયારે આપણે આ લખી કે વાંચી રહ્યા છીએ ત્યારે દુનિયામાં અનેક લોકો ક્યાંક અજ્ઞાત જગ્યાએ મોત સામે ઝઝૂમી રહ્યા છે તે પણ સત્ય છે.
જેમ ગાડાના પૈડા બળદના પગને અનુસરે છે તેમ અશાંત અને ગમે ત્યાં ગતિ કરતા અનિયંત્રિત મનને વશ થઈને બોલવાથી અને વર્તવાથી દુઃખરૂપી કાળ તમારી પાછળ આવે છે. જેમ એક પડછાયો મનુષ્યને છોડતો નથી તેમ શાંત અને સુરેખ ગતિ કરતા મનથી કહેલું કે આચરેલું કર્મ આનંદ બનીને મનુષ્યને અનુસરે છે. આનંદ અને શાંતિના માર્ગમાં મન જ પ્રધાન છે. જો મન મિત્ર છે, તો જીવનમાં આનંદ થશે. જો મનની ગતિ સ્પષ્ટ અને સાચી હશે તો મન જ સ્વયં આનંદરૂપ બની જશે.મન મનુષ્ય પર કેવું શાસન કરે છે તે બાબતે મને એક વાત યાદ આવે છે, એકવાર એક ભાઈ ઘોડા ઉપર સવાર થઈને ફરવા નીકળ્યા, તેઓ ઘોડા પર સવારી કરીને ફરી રહ્યા હતા ત્યારે એક ભાઈએ તેમને પૂછ્યું કે તમે ક્યાં જઈ રહ્યા છો? જવાબમાં પેલા ભાઈએ તેમને કહ્યું કે આ ઘોડો જ્યાં લઇ જાય ત્યાં હું જઈ રહ્યો છું. ઘણાય લોકોની સ્થિતિ આવી છે. ઘોડોએ મન છે, આપણે તેની સવારી કરવાની છે. ઘોડાને આપણે કાબુમાં લાવવો પડશે. આપણું મન આપણને કાબુ કરે એ પહેલા એને સમજી લેવું પડશે. ખોટું દર્શન, બીજા લોકોએ કહેલી વાતો, પૂર્વગ્રહોથી ગ્રસિત મન અને અનુભવ વગર જ્ઞાનનું અભિમાન માણસને સત્યથી દુર લઇ જાય છે. વર્તમાનને જોવો મનુષ્ય માટે અઘરું થઇ પડે છે. સરળ સત્યને માણસ સમજી નથી શકતો.
જયારે જીવનમાં કોઈના વિષે ઈર્ષ્યા, અણગમો, કાવતરું કે અપશબ્દ બોલવામાં આવે છે. ત્યારે માત્રને માત્ર નવું ઝેર જ પેદા થાય છે. ઈર્ષ્યા અને અપશબ્દો બીજા માણસને નુકસાન કરશે તેની કોઈ ખાતરી નથી પણ તે તમારા મનમાં ઝેર વાવે છે તે સંપૂર્ણ સત્ય છે. જ્યાં આગ હોય ત્યાં ઠંડકની જરૂર છે. આપણે ખરાબ વિચારો કરીને આપણા મનને જ નુકસાન કરી રહ્યા છીએ. કોઈનું વર્તન કે સ્વભાવ બદલવો આપણા હાથની વાત નથી, તે આપણે સ્વીકારવું પડશે. જયારે આપણે ફક્ત આપણા વર્તનને સુધારવાનું કાર્ય કરીશું અને બીજાની ફિકર છોડી દઈશું ત્યારે આપણી ખરી આઝાદી અને આનંદની શરૂઆત થશે.
જેમ વાવાઝોડામાં નબળા ઝાડ ઉખડી જાય છે, તેમ માત્ર ભોગ અને આળસના શરણે થવાથી અને અનિયંત્રિત મનના શરણે થવાથી આપણો પણ નાશ થાય છે. નિર્બળ અને વેરી બની ગયેલું મન શરીરનો નાશ કરવા સક્ષમ છે. જેમ પવનની લહેરોમાં પર્વત અચળ રહે છે, તેમ નિયંત્રીત મન (જે મિત્ર બન્યું છે), શાંત ઇન્દ્રિયો, શ્રદ્ધા અને મર્યાદિત આહારથી ઉત્પન્ન થયેલ ઉર્જાવાન શરીર કાળને જીતવા પણ સક્ષમ છે. દુઃખનું મૂળ કારણ તમે શાંત મને દુઃખને સમજશો તો મળશે. દુઃખથી ડરીને ભાગવાની જરૂર નથી. મનુષ્ય જીવન દરમ્યાન દુઃખ આવવું એ અનિવાર્ય છે, પણ દુઃખી થઈને વિલાપ કરવો કે નહિ તે તમારા હાથની વાત છે. તમે દુઃખી થશો કે નહિ એ તમારા અભિગમ પર જ નિર્ભર છે. ભગવાન બુદ્ધે કહ્યું હતું કે મનુષ્ય બાણથી વિંધાય છે ત્યારે તે બે વાર મરે છે. એક તો જયારે તેને બાણ વાગે છે ત્યારે દુઃખ મળે છે અને દુઃખનો બીજો ભાગ કે જયારે તે બાણ વાગ્યાનું દુઃખ યાદ કરી કરીને મરે છે. દુઃખનો આ બીજો ભાગ મનુષ્ય બુદ્ધિ અને સતર્કતાથી બદલી શકે છે.મનુષ્યનો ખોટો ડર અને ખોટા દર્શનથી પેદા થતું દુઃખ તેના અજ્ઞાનની પેદાશો છે. ભગવાન બુદ્ધએ કહ્યું છે કે ધર્મને પોતાની બુદ્ધિ અને અનુભવ વડે સમજો. સાચું દર્શન કરો, સત્યને સમજો, પરિસ્થિતિને તે જેવી છે તેમ જુઓ તો જ તમને સુખનો સાચો માર્ગ મળશે. ભવિષ્ય અને ભૂતકાળ છોડી દઈને વર્તમાનમાં આવો, શાંતિ મેળવવાનો આ સુંદર માર્ગ છે.
ધમ્મપદ સરિતા અંગે વધુ વાંચવા જોતા રહો chitralekha.com
અહેવાલ- નીરવ રંજન