મેડીટેશન કરવા માટે પોતાની ઓળખાણ પછી આપણને એ ઓળખાણ હોવી જોઈએ કે પરમાત્મા કોણ છે? આજે પરમાત્મા વિશે અનેક વિચારો છે. ઘણીવાર એવું પણ લાગે છે કે પરમાત્મા છે કે નહીં! જેના અસ્તિત્વ અંગે જ શંકા હોય તો પછી તેમની સાથે સંબંધ જોડીને શક્તિઓ પ્રાપ્ત કરવી ઘણી મુશ્કેલ બની જાય છે. આપણે પોતાને શરીર સમજ્યા ત્યારે આપણે એ સમજ્યા કે મારા શરીરના પિતા પણ શારીરીક જ હશે. આપણે પરમાત્માને કોઈ ને કોઇ શરીરના રૂપમાં શોધવા પ્રયત્ન શરૂ કરી દીધો. પરંતુ જ્યારે આપણને એ સમજમાં આવ્યું કે હું એક ચૈતન્ય શક્તિ રૂપ આત્મા છું. તો મારા પિતા પરમાત્મા પણ ચૈતન્ય શક્તિ રૂપ હશે. માટે જ આપણે કહીએ છીએ કે હું આત્મા પરમ પિતા પરમાત્માની સંતાન છું. તે સર્વશક્તિવાન છે. હું શાંત સ્વરૂપ આત્મા છું.
મારા પિતા પરમાત્મા શાંતિના સાગર છે. એવું નહીં કે હું નાની આત્મા છું, તે મોટી આત્મા છે. એવી પણ માન્યતા છે કે આત્મા પરમાત્મામાં સમાઈ જાય છે. આપણે પરમાત્મા અંગે ઘણી બધી વાતો સાંભળી છે, પરંતુ કદાચ તેના ઉપર ક્યારેય વિચાર નથી કર્યો. આપણે સાંભળી લીધું અને તેનો સ્વીકાર કરી લીધો. જે પણ આપણે સાંભળ્યું તેના પાછળ એક રહસ્ય હતું. પરંતુ આપણે ક્યારેય તેને સમજ્યા જ નથી. જેમકે હું પરમાત્મામાં સમાઈ જાઉં. વાસ્તવમાં હું તેમને એટલા યાદ કરું, તેમના પ્યારમાં એટલી લીન થઈ જાઉં કે તેમની યાદમાં સમાઈ જાઉં. પરંતુ લોકો પોતાને શરીર સમજવાના કારણે એવું સમજે છે કે શરીરના રૂપમાં તેમનામાં સમાઈ જાઉં. જેવા તમે આત્મિક સ્વરૂપમાં સ્થિત થઈને ઇશ્વરીય મહાવાક્ય સાંભળશો તમને અનુભવ થશે કે સમાઈ જવું અર્થાત પ્યારમાં સમાઈ જવું, પરમાત્માની યાદમાં સમાઈ જવું.
આત્મા તથા પરમાત્મા એક અવિનાશી ઊર્જા છે. આ ઉર્જાને ન તો ઉતપન્ન કરી શકાય છે કે ન નષ્ટ કરી શકાય છે. જ્યારે હું કોઈમાં પણ સમાઈ જાઉં છું તો મારું અસ્તિત્વ જ સમાપ્ત થઈ જાય છે. જે આત્માની બાબતમાં શક્ય નથી. અત્યાર સુધી આપણે જે પણ વાંચ્યું છે કે સાંભળ્યું છે તેનો અર્થ આપણે આત્મ અભિમાની સ્થિતિમાં સ્થિત થઈને સમજવો પડશે. જેવી રીતે આપણે કોઈને ખૂબ પ્યાર થી યાદ કરીએ છીએ તો કહેવાય છે કે આ તો એનામાં જ ખોવાયેલ છે. વાસ્તવમાં હું તેની અંદર શમાઈ થોડી જાઉં છું!
આપણે સંકલ્પ તથા અનુભૂતિ સાથે પોતાને સમર્પિત કરવાના છે ન કે પોતાનું અસ્તિત્વ જ સમાપ્ત કરી દેવાનું છે. પરમાત્મા વિશે આજ દિવસ સુધી જે કાંઈ પણ સાંભળ્યું છે કે વાંચ્યું છે એની પાછળની વાસ્તવિકતા આપણે સમજવાની છે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)