સફળતા એટલે શું?

જીવનમાં ભલે કોઈ પણ પરિસ્થિતિ આવે પણ મારે સફળ જ થવું છે. આ કામ મારે કરીને રહેવું જ છે. મને સારી અનુભૂતિ થાય તો તેને સફળતા કહેવાય. જ્યારે આપણને “હું કોણ છું”? એ વાતની સમજણ પડી જશે તો જીવનમાં કોઈ પણ સ્થિતિમાં તણાવ, ગુસ્સો કે નિરાશા નહીં અનુભવીએ. આપણે હંમેશા ખુશ રહીશું. મુશ્કેલીઓ તો આવતી રહેશે. પરંતુ સાચી સફળતા તેને જ કહીશું કે જ્યારે આપણે હંમેશા મનથી સ્થિર રહીશું તથા બધાને શુભભાવના આપતા રહીશું.

મને જીવનમાં જે કાંઈ મળી રહ્યું છે, તેની સાથે જો હું બધાને આત્મબલની શક્તિઓ આપૂ છું તો હું સફળ છું.
આપણે આપણી માન્યતાઓને ચકાસવી જોઈએ કે વીતી ગયેલ બાબતો વિશે વિચારીને દુઃખી તો નથી થતાં ને? આપણે એકાંતમાં બેસીને કોઈક વાર વિચારીએ કે મને જીવનમાં કોણે કોણે દગો આપ્યો? કે કોણે કોણે દુઃખી કર્યા? તો આનું એક લાંબું લિસ્ટ તૈયાર થઈ જશે.

આનાથી બચવા માટે હંમેશાં આપણે એ યાદ રાખવું જોઈએ કે, કોઈએ મને દુઃખી નથી કર્યા કે દગો નથી આપ્યો પણ તેને જે કઈ કરવાનું હતું તે પ્રમાણે તેમણે તેમનો ભાગ ભજાવેલ છે. તે સમયે મેં જેવું વિચારીયું તેના વિચારોના કારણે જ મને દુઃખ થયું. સામેવાળી વ્યક્તિએ પોતાના દ્રષ્ટિકોણથી પોતે જે રીતે સમજ્યા એ રીતે તેઓ બોલ્યા. હવે આપણે કહીએ છીએ કે તેઓએ આવું ના કહેવું જોઈએ. ઘણી વાર આપણે એમ કહીએ છીએ કે સામે વાળી વ્યક્તિ આવું વર્તન શા માટે કરે છે? કારણ કે આપણી દ્રષ્ટિએ તેઓ ખોટા છે. પરંતુ તેમને એમ લાગે છે કે તેઓ પોતાની રીતે સાચા છે. આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે બધાએ મારી માન્યતાઓ અનુસાર વર્તન કરવું જોઈએ. જ્યારે અન્ય વ્યક્તિ મારા પ્રમાણે કામ કરતી નથી, તો હું દુ:ખી થઈ જઈશ.

હવે આપણે એ સમજવાનું છે કે હું મારા પોતાના વિચારોના કારણે જ દુઃખી થવ છું. દુઃખ-દર્દના વિચાર હું પોતે જ કરૂં છું, તો તે બંધ પણ મારે જ કરવા પડશે. આ રીતે વિચાર કરવાથી એનો અમલ કરવો સરળ બની જશે. જ્યાં સુધી આપણે એમ માનીએ છીએ કે સામે વાળી વ્યક્તિએ આમ કર્યું, તો તે વાત ભૂલી નહીં શકીએ. આ રીતે તો આપણે જાતે જ દુઃખી થવાનો રસ્તો પસંદ કર્યો. જો આપણે આ દુઃખથી મુક્ત થવા ઇચ્છીએ છીએ તો પોતાની જાતને પ્રેમથી સમજાવવું પડશે કે હું મારા વિચારોના કારણે જ દુઃખી થઉં છું. જયારે દુઃખી થવાની વાતો બે વાર – ચાર વાર આવશે પણ ત્યાર બાદ તે મનમાંથી સંપૂર્ણ રીતે નીકળી જશે.

જો આપણી એવી માન્યતા હોય છે કે બીજાએ આપણને દુઃખ પહોંચાડ્યું. તો દુઃખી થવું સ્વાભાવિક છે. ધારો કે કોઈએ મને જોરથી માર્યું પરિણામે મને દુ:ખ થયું. પરંતુ જો મને મારી જાતેજ વાગશે તો એટલું દુઃખ નહીં થાય જેટલું બીજાના મારવાથી થશે. આવી સ્થિતિમાં આપણે એ સમજવું પડશે કે હું પોતે જ પોતાને ભાવનાત્મક રૂપથી મારી રહેલ છું. જો આપણે પોતાના વિચારો બદલી નાખીશું તો દુઃખ તેની જાતે જ સમાપ્ત થઈ જશે. જો કોઈ બીજી વ્યક્તિ મને મારે છે તો તેને રોકવી સરળ નથી, પરંતુ જયારે હું પોતે જ પોતાને મારૂ છું તો તે રોકવું તો મારા હાથમાંજ છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)