જો આપ એક દિવસ એ એક કલાક પણ પોતાના મનને ચેક કરશો તો ખબર પડશે કે આપણું મન બહુજ બીજાના જીવનમાં હસ્તક્ષેપ કરે છે. જાણે કે મન ઉપર કોઈનો કંટ્રોલ જ નથી. મને ટેવ પડી છે બીજાના જીવન અંગે વિચારવાની. આપણે આ ટેવને છોડી દેવી જોઈએ. જ્યારે આપણે બીજાના જીવન અંગે વિચારીએ છીએ ત્યારે તેના હાવ ભાવની ટીકા કરીએ છીએ, પછી તેના કપડાં પહેરવાની પધ્ધતિની ટીકા કરીએ છીએ, પછી આપણે તેના વ્યવહારની ટીકા કરીએ છીએ.
જેટલો સમય આપણે બીજા અંગે વિચારીએ છીએ તે સમયે આપણે પોતાના અંગે નથી વિચારતા. તથા આપણે એ અંગે વિચારીએ છીએ કે જે બાબત આપણા વશમાં નથી. આ બાબત મારી ઊર્જાને ખતમ કરે છે. ધારો કે મારા હાથમાં એક મોટી ઈંટ છે, જે તોડવાની મારી શક્તિ નથી, છતાં પણ જો હું તેને તોડવાનો પ્રયત્ન કરીશ તો અડધો કલાક, એક કલાક પ્રયત્ન કરવા છતાં પણ તે તૂટશે નહી અને ત્યારબાદ હું ખૂબ થાકનો અનુભવ કરીશ. કારણકે જે કામ મારાથી કરવું શક્ય ન હતું તે કરવામાં મેં ઘણી શક્તિ વેડફી નાખી.
આપણે એક-એક સંકલ્પ ઉપર ખૂબ જ સાવધાની રાખવાની છે કારણકે વ્યર્થ સંકલ્પ આપણી ઉર્જા ને ખતમ કરી નાખે છે. આ માટે હંમેશા એ યાદ રાખીએ કે આ એક નાટક ચાલી રહ્યું છે જેમાં દરેક કલાકાર પોતાનો રોલ નિભાવી રહ્યા છે. બીજી વ્યક્તિના વ્યવહાર અંગે આપણે તરત પ્રતિભાવ આપીએ છીએ. તે સમયે એ ભૂલી જઈએ છીએ કે મારે શું બોલવું જોઈતું હતું? આપણે જ્યારે કોઈ નાટક કે પિક્ચર જોવા જઈએ છીએ ત્યારે તે ત્યારે જ સારું લાગે છે કે જ્યારે દરેક કલાકાર પોતાનો રોલ સારી રીતે ભજવે.
એકવાર અમે નાટક જોઈ રહ્યા હતા જેમાં એક જ કલાકાર હતો અને તે બહુ જ સુંદર અભિનય કરી રહ્યો હતો. જે સંવાદ તેને બોલવાના હતા તે તેને ખૂબજ સારી રીતે યાદ હતા. તે દિવસે શું થયું કે અભિનય કરતા-કરતા વચ્ચે તેના મોબાઈલની રીંગ વાગી. પરિણામે બે મિનિટ સુધી તે તેના સંવાદ ભૂલી ગયો. બે મિનીટ પછી તેણે કહ્યું કે ‘માફ કરજો’. આગળ તેણે કહ્યું કે આપને વિનંતી કરું છું કે આપ આપના મોબાઈલ બંધ કરી દો અથવા સાઇલેન્ટ કરી દો. ત્યારબાદ તેણે પોતાનો અભિનય શરૂ કર્યો. આ જોતા મને વિચાર આવ્યો કે તે કલાકાર પોતાના અભિનય તથા સંવાદમાં ખોવાયેલ હતો. પરંતુ એક નાની અમથી બધાના કારણે તે પોતાની ભૂમિકા તથા સંવાદ ભૂલી ગયો.
આપણે આખો દિવસ કેવી રીતે પસાર કરીએ છીએ! આપણે આપણા મનને ચારે બાજુ ભટકવા દઈએ છીએ. પછી આપણને આપણી ભૂમિકા તથા સંવાદ કેવી રીતે ધ્યાનમાં રહેશે! જો આપણે આપણી ભૂમિકા ભૂલી જઈશું તો સારુ પ્રદર્શન કેવી રીતે કરી શકીશું! આપણે પોતાની ભૂમિકા જોવાના બદલે બીજાની ભૂમિકા જોઈએ છીએ. પછી આપણે કહીએ છીએ કે આટલું બધું કરવા છતાં મને જીવનમાં સફળતા કેમ નથી મળતી?
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)