દરેકની પસંદગીને માન આપો

આપણે દરેકની પસંદગીને માન આપવું પડશે. આપણે કદી પણ એ આશા ના રાખવી જોઈએ કે આખી દુનિયા આપણા વિચારો મુજબ ચાલશે. પ્રવચન દરમિયાન મોબાઈલની રીંગ વાગે તે એટલી અશાંતિ ઉત્પન્ન નથી કરતી, પરંતુ આપણે તે સાંભળીને મનમાં જે નકારાત્મક વિચારો કરીએ છીએ તે વધુ અશાંતિ ઉત્પન્ન કરે છે. જ્યારે કોઈના પણ મોબાઈલની રીંગ વાગે છે ત્યારે આપણે એવું વિચારીએ કે કેવું સુંદર સંગીત વાગે રહ્યું છે! કેવો સરસ મોબાઇલ છે! તો આપણે તેનાથી પરેશાન નહીં થઈએ તથા આપણી એકાગ્રતા પણ બનેલી રહેશે. ત્યારબાદ ગમે તેટલી વાર કોઈના મોબાઈલની રીંગ વાગશે તો તે આપણને અશાંત નહીં કરે.

આપણા જીવનમાં જ્યાં પણ આપણે થોડા-થોડા અશાંત થઈએ છીએ ત્યારે તરત જ આપણે નકારાત્મક વિચારોને બંધ કરી દેવા જોઈએ કારણકે આગળ જઈને તે આપણી ટેવ બની જાય છે. આપણને એવું લાગશે કે અશાંત થવું તો સ્વાભાવિક છે. જ્યારે સામેની વ્યક્તિ આપણા વિચાર મુજબ કાર્ય નથી કરતી તો આપણને ગુસ્સો આવે છે. જે ધીરેધીરે વધતો જાય છે. શક્ય છે કે તે સમયે સામેની વ્યક્તિએ બીજી બાબત ઉપર ધ્યાન આપ્યું અને આપણી સૂચના મુજબ કામ ન કર્યું તો તે આપણને અંદરથી સારું નથી લાગતું.

આ પ્રસંગે આપણે તે પરિસ્થિતિને સ્વીકારી લેવી જોઈએ અને બધી વ્યક્તિ આપણા વિચાર મુજબ કામ કરશે તેવી અપેક્ષા ન રાખવી જોઈએ. ગુસ્સે થવાથી આપણી કાર્યક્ષમતા એકદમ ઓછી થઈ જાય છે. આપણે ધ્યાન રાખવું જોઈએ છે પરસ્પર એકબીજા સાથે કામ કરતી વખતે એકબીજાનો સ્વીકાર કરીએ કારણકે બધા જ શાંતિ પૂર્વક કામ કરવા ઈચ્છે છે. આશ્ચર્યની બાબત એ છે કે સામેની વ્યક્તિ જાણીજોઈને આપણી ઇચ્છા વિરુદ્ધનું વર્તન નથી કરતી પરંતુ આપણે તેના કારણે જે ગુસ્સે થઈએ છીએ તે ખોટું છે. આપણે એક મંત્ર યાદ રાખવો જોઈએ કે – ‘મારે પોતાનું ધ્યાન રાખવાનું છે બીજાનું નહીં’. કારણકે દિવસ દરમિયાન ઘણી બધી વ્યક્તિઓ સાથે આપણે કામ કરવાનું છે દરેકના વિચારો તથા ટેવ અલગ અલગ હશે. જો આ બધી બાબતોનો આપણા ઉપર ઊંડો પ્રભાવ પડે છે તો નાની નાની બાબતમાં આપણે પરેશાન થઈ જઈશું. આપણે પોતાના ઉપર નિયંત્રણ ગુમાવી દઇશું.


આપણે આમાં બહુ મહેનત નથી કરવાની. સતત સાવધાન રહેવાનું છે. જ્યારે આપણે કોમ્પ્યુટર ઉપર બેસીએ અને કોમ્પ્યુટર તરત ચાલુ ન થાય તો મનમાં વિચાર કરો કે કોમ્પ્યુટર તેના સમય મુજબ જ ચાલુ થશે. ત્યાં સુધી હું વ્યર્થ વિચારો કરીને મારી ઉર્જાને શા માટે ઘટાડુ? આપણે દિવસ દરમિયાન પોતાનું ધ્યાન રાખીને સ્થિરતાથી ચાલીએ. જ્યારે આપણા મનમાં શાંતિ હશે, મનના વિચારો સ્થિર થશે ત્યારે આપણે કોઈપણ કામ સારી રીતે કરી શકીશું. વાસ્તવમાં આ સત્યને આપણે સ્વીકાર્યું નથી. ગુસ્સો જે કંટ્રોલ કરવો આપણા હાથમાં હતો તેને આપણે સ્વાભાવિક ગણી લીધો. પરિણામે તે વધતો જશે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]