મનનું પ્રોગ્રામીંગ કરીએ

આજના દિવસે હું ધીરજ તથા પ્યારનો અનુભવ કરવા ઇચ્છું છું. આજે ભલે કોઈપણ પરિસ્થિતિ આવે પરંતુ હું નારાજ નહીં થાઉં. આ પ્રકારના વિચારો સાથે આપણે દિવસની શરૂઆત કરીએ. આપણે ડાયરીમાં યોજના બનાવીએ છીએ કે આજે આ-આ કામ કરીશું. પરંતુ કોઈ કારણસર મૂડ ખરાબ થઈ ગયો તો યોજના પ્રમાણેના કામ સારી રીતે નહીં થઈ શકે. દરરોજ એક મૂલ્યને ધારણ કરવાનું લક્ષ્ય રાખીએ. જેમકે આપણે નક્કી કરી લઈએ છે આજે કંઈ પણ ઘટના બને હું ગુસ્સા કે આવેશમાં નહિ આવું. હું હંમેશા સ્થિર રહીશ. ત્યારબાદ દિવસ દરમિયાનમાં ચેક કરતા રહો કે દરેક સાથે કાર્ય વ્યવહાર કરતા મારી સ્થિતિ કેવી રહી? આ છે મનનું પ્રોગ્રામિંગ. ઘણીવાર આપણે સવારે નકકી કરેલ બાબત ભૂલી જઈએ છીએ. આનો ઉપાય એ છે કે કલાકે એક મિનિટ સાયન્સમાં બેસી જઈએ અને આપણી સાથે વાતો કરીએ. આ બાબત આપણે ઘણીવાર સાંભળી છે પરંતુ હવે તેનો અમલ શરૂ કરી દઈએ.

આ બાબત એવી નથી કે આપણે મનમાં નક્કી કરીએ અને થઈ જશે. માટે આપણે સતર્ક રહીને કેટલાક બહારના સાધનો પણ ઉપયોગ કરવો જોઈએ. જેવા કે ઘડિયાળનો એલાર્મ, મોબાઇલમાં રિમાઇન્ડર. આ એક હોમિયોપેથી દવા તરીકે કામ કરે છે. આપણે જીવનમાં ઉતારવા જેવી સારી સારી બાબતો જાણી, સાંભળી, સમજી તથા તેનો સ્વીકાર પણ કરી લીધો આ બહુ જ મહત્વપૂર્ણ બાબત છે. હવે જરૂરિયાત છે તેનો અમલ કરવાની. શરૂઆતમાં ઘણાએ એનો સ્વીકાર નતો કર્યો કે ગુસ્સા વગર પણ કામ થઈ શકે. પરંતુ જ્યારે પ્રયત્ન ચાલુ કર્યો ધીરે ધીરે ના ફાયદા જીવનમાં અનુભવ થવા માંડ્યા. જો આ બાબતને જીવનમાં પૂરી ઉતારવી હોય તો નાના અભ્યાસથી શરૂઆત કરવી જોઈએ. આના માટે આપણે 5 – 10 મિનિટ કાઢીને સ્વચિંતન કરવું જોઈએ. આના પરિણામે આપણું ધ્યાન બહારની દુનિયાથી દૂર થતું જશે.

આધ્યાત્મિકતા અર્થાત પોતાનું ધ્યાન રાખતા જાવ, બાકી બધી બાબતો પોતાની રીતે અનુકૂળ બનતી જશે. સંબંધો ક્યારે સારા થતા જશે તેની આપણને ખબર નથી, પરંતુ આપણે એ બાબત પર ધ્યાન રાખવાનું શરૂ કરી દઇએ કે જે આપણા હાથમાં છે. આ પ્રકારના પુરુષાર્થ થી આપણા સંકલ્પો ઉપર આપણો કંટ્રોલ થતો જશે. જેના પરિણામે આપણી તંદુરસ્તી, સંબંધો તથા ભાગ્ય સારું બનતું જશે. જે આધ્યાત્મિકતાની સફળતા છે. જ્યાં સુધી આપણી અંદર પ્રેમ તથા સહાનુભૂતિ જાગૃત નહીં થાય ત્યાં સુધી સંબંધોમાં તેની અનુભૂતિ નહીં થઈ શકે.

 

આપણે મનના વ્યર્થ વિચારોને તરત જ દૂર કરતા જઈએ. જેવી રીતે ટેબલને દર એક કલાકે સાફ કરીએ કરતા રહીએ તો ક્યારે પણ ગંદુ નહીં થાય. તેવી જ રીતે મનને પણ દરેક કલાકે સાફ કરતા જઈએ. જ્યારે આપણને દુઃખનો અનુભવ થાય છે ત્યારે તેનું કારણ નકારાત્મક સંકલ્પો છે. આ સમયે આપણે સકારાત્મક સંકલ્પો કરવા પડશે. એ પણ ના વિચારો કે દુઃખનું કારણ શું છે? હું શા માટે દુઃખી છું? જેવી રીતે નકારાત્મક સંકલ્પો કરવાની આપણને ટેવ પડી ગઈ છે તેવી જ રીતે પ્રયત્ન કરવાથી સકારાત્મક સંકલ્પો કરવાની પણ ધીરે-ધીરે ટેવ પડતી જશે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)