(બી.કે. શિવાની)
મોટાભાગે તો આપણે દરરોજ સમયસર ઉઠતાં જ હોઈએ છીએ, પણ ધારો કે કોઈક વાર આપણે સવારે મોડા ઉઠ્યા તો પણ જેમ દરરોજ આપણે પોતાના માટે કસરત, ધ્યાન, ચાલવા, પ્રાર્થના, વાંચન માટે ખાસ સમય આપીએ છીએ તેમ આજે પણ મોડું થવા છતાં 5-10 મિનિટનો સમય પોતાના આ પ્રકારના કામકાજ માટે સમય કાઢવો જ જોઈએ. જે આપણને આજે નહિ તો ભવિષ્યમાં પણ તે બહુ જ ઉપયોગી અને મદદરૂપ થશે. મોડા ઉઠવાના કારણે આપણે 5-10 મિનિટ પોતાના માટે સમય કાઢી ન શક્યા અને બાકી રૂટીનના તમામ કામો આપણે કરતા જ રહ્યા તો તે કામ આપણે તણાવ સાથે કરીશું.
પરિણામે આપણને પોતાનું કામ કરવા માટે વધારે સમય લાગશે. પરંતુ જો આપણે દિવસની શરૂઆતમાં જ પોતાના માટે ફક્ત બે મિનિટનો સમય કાઢીને શાંત ચિત્તે મેડીટેશન અને ધ્યાનાભ્યાસ કરીએ અને એમ વિચારીએ કે, આજે ભલે મને ઊઠવામાં મોડું થયું છે. પરંતુ તે મોડા ઉઠાવાનો પ્રભાવ મારા હવે પછીના આગળના કામકાજ પર નહીં પડે. નિયમિત ધ્યાનાભ્યાસ કરવાથી હવે હું દરેક પરિસ્થિતિઓને મારા નિયંત્રણમાં કે કાબુમાં રાખી શકું તેમ છું, કારણ કે હવે મારું મન મારા નિયંત્રણમાં છે. હવે હું એક ચોક્કસ ધ્યેય સાથે સ્થિરતાપૂર્વક મારા દિવસની શરૂઆત કરી શકીશ.
આ પ્રકારના વિચારો હું પોતે જ મારા મનમાં ઉત્પન્ન કરી શકું છું. વાસ્તવમાં આ મારા મન સાથેનો એક વાર્તાલાપ છે. વારંવાર હું મનનું પ્રોગ્રામિંગ કરી રહી છું. હું વિચારી રહી છું કે, ભલે ને આજે મને ઊઠવામાં મોડું થઈ ગયું, પણ કોઈ વાંધો નહી. ઓકે. ઠીક છે. મારા બધાં જ કામો વ્યવસ્થિત રીતે સારી રીતે જ થશે. હું મારા મનમાં વિચારો મારી જાતે જ ઉત્પન્ન કરી શકું છું. આપણે એ જરૂર ચકાસવું જોઈએ કે આખા દિવસ દરમિયાન મારા વિચારોની ગુણવત્તા કેવી છે? આખો દિવસ પોતાની સાથે આંતરિક વાર્તાલાપ તો ચાલતો જ હોય છે. જેમ કે આ વ્યક્તિ બહુ જ સારી છે. પણ આ ભાઈ તો બહુ જ ખરાબ છે. તેણે આવું કામ નહોતું કરવું જોઈતું. આ ભાઈ કે બહેન તો બહુ જ સારા છે. અથવા તો મારા મિત્ર પાસે પાસે જે કોઈ વસ્તુ કે ચીજ છે તે મારી પાસે નથી. આવી રીતે આમ આખે-આખો દિવસ આપણે આપણા મન સાથે તો વાતો કરી રહ્યા છીએ.
જો હું મનમાં એમ વિચારું કે હવે તો મારે મોડું થઈ ગયું છે. હવે તો આખો દિવસ બહુ જ ખરાબ પસાર થશે અને ગરબડ પણ થવાની છે. વધારે મુશ્કેલીઓ આવવાની છે. આ પ્રકારના નકારાત્મક સંકલ્પો કરવાથી તેનો પ્રભાવ આપણા આખા દિવસના કરેલા કાર્ય ઉપર પડે છે. આથી સવારે ઊઠીને તરત સકારાત્મક સંકલ્પો કરીએ અને મનને શાંત-સ્વસ્થ રાખીએ. ઘણીવાર આપણને એવું લાગે કે, સકારાત્મક સંકલ્પ કરવા થોડા અઘરાં છે, પરંતુ જેમ બીજાઓ સાથે વાતચીત કરવાની તો આપણને પ્રેક્ટિસ હોય છે. તેમ વિચારો સાથે પણ વાત કરવાની એક સારી ટેવ પાડવી હવે જરૂરી છે. ધારો કે તમે મારી સામે બેઠા છો અને હું વારંવાર એમ જ કહું કે, આજે તો મારે ઊઠવામાં મોડું થઈ ગયું છે. આજના દિવસે કઈક ગરબડ તો થવાની છે. આ મારી અને તમારી વચ્ચેની વાતચીત છે. પણ જો હું મારા રૂમમાં એકલી બેઠી છું અને મેં મારી જાતને પોતાને એમ કહ્યું કે, આજે તો ઊઠવામાં બહુ મોડું થઈ ગયું. હવે તો કંઈ પણ સારું કામ થવાનું નથી, કોઈ વાત બરોબર થવાની નથી.
તો આ પ્રકારનો વાર્તાલાપ પોતાની જાત સાથેનો એક પ્રકારનો વાર્તાલાપ કે વાતચીત જ છે. આ પ્રસંગે હું મારી સાથે સકારાત્મક વાતચીત પણ કરી શકું છું. સવારે ઊઠવામાં જો મોડું થઈ ગયું હોય ત્યારે હું મારી જાતને એમ કહી શકું છું કે, કોઈ ચિંતાની વાત છે જ નહીં, બધું બરોબર ઠીકઠાક જ છે. પરંતુ જો મેં મારી જાતને એમ કહી દીધું કે, હવે તો બધી ગરબડ થવાની છે. તો જીવનમાં સમસ્યાઓનો અનુભવ થતો જ રહેશે. મેં મનમાં નકારાત્મક વિચારો ઉત્પન્ન કર્યા. કે હવે શું થશે? બાળકોને લેવા જવામાં કે બીજે મોકલવામાં મોડું થશે. આમ જો નકારાત્મક વિચારો વધતા જશે. તો એકંદરે નુકશાન આપને પોતાને જ થશે. જયારે નકારાત્મક વિચારો મનમાં શરૂ થઈ જાય છે ત્યારે આપણે તેના પ્રત્યે જાગૃત રહેતાં નથી. આવા સંકલ્પો બહુજ ઝડપથી શરૂ થાય છે. પરિણામે મનમાં અરાજકતાની ભાવના ઉત્પન્ન થાય છે. જ્યારે આપણને ટેન્શનનો, પ્રેશરનો અનુભવ થાય છે ત્યારે આપણને ખબર પડે છે કે મનમાં કંઈક ગરબડ ચાલી રહી છે.
બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.