ભગવાન શિવ કહે છે કે થોડા સમયની પ્રાપ્તિની ઈચ્છા બેહદની પ્રાપ્તિના પરિણામે પ્રાપ્ત થનાર સંતુષ્ટતાની અનુભૂતિથી વંચિત કરી દે છે. હદની પ્રાપ્તિ દિલમાં હદ ઉભી કરે છે. હદની ઈચ્છાનું ફળ પોતાને ગમે તેવું નથી હોતું. હદની ઈચ્છાનું ફળ ટુંકા ગાળાનું હોય છે. પરિણામે અત્યારે સંતુષ્ટતા અને થોડા સમય પછી અસંતુષ્ટતાનો અનુભવ થાય છે. ઈચ્છા ક્યારેય વ્યક્તિને સારો બનવા નથી દેતી. સારા વ્યક્તિને મૂલ્યોની તથા માનવતાની કદર હોય છે. ઈચ્છા વાળી વ્યક્તિ આ બંનેને છોડીને જડ પદાર્થો, સુખ, સગવડો તથા સાધનોની અપેક્ષા રાખે છે. ત્યાં સુધી કે ઈચ્છાઓને પૂરી કરવા માટે મનુષ્ય મૂલ્યોને પણ બાજુમાં મૂકી દે છે. દરરોજ ધન, પદ, માન વિગેરેની પ્રાપ્તિની ઈચ્છાઓમાં આંધળા બનીને મનુષ્ય કેવા કેવા ખરાબ કર્મ કરે છે તેના ઉદાહરણો દરરોજ ઓફિસો, ઘરો, રાજનીતિ તથા અન્ય જગ્યાઓએ ચર્ચામાં હોય છે. માટે ટૂંકા સમયની ઈચ્છાઓ કરવા કરતાં હૃદયમાં પ્રભુ પ્રેમને સ્થાન આપો. પ્રભુના સાથનો અનુભવ કરતા કરતા સંસાર સાગર થી હેમ ખેમ પાર થઈ જાવ.
વિજ્ઞાને જીવનના તમામ તબક્કાઓમાં ખૂબ મોટું પરિવર્તન લાવેલ છે. જુના જમાનાની વર્ષો પહેલાની જીવન પદ્ધતિ અને અત્યારની જીવન પદ્ધતિમાં રાત- દિવસ નું અંતર છે. પહેલા મનુષ્યએ દરેક કાર્ય પોતાની જાતે કરવું પડતું હતું, દરેક પ્રકારનો વજનદાર સામાન પોતાની પીઠ પર કે માથા પર મૂકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો પડતો હતો. પરંતુ આજે વિજ્ઞાનની કમાલના કારણે મનુષ્ય શારીરિક કસરત થી દૂર થઈ ગયો છે. જ્યાર પૈડાની શોધ થઈ છે ત્યારથી તેણે વાહનોની શોધ કરીને સડક પર દોડતા કરી દીધા છે.
ઉદાહરણ રૂપે આજે મનુષ્યના બુટમાં પણ પૈડા, મુસાફરી દરમિયાન સાથે રાખેલ બેગમાં પણ પૈડા, રસોડામાં રાખવામાં આવતા સ્ટેન્ડમાં પણ પૈડા હોય છે. પૈડા થી બનેલ સાધનો દ્વારા તે જમીન પર ઝડપથી પસાર થવાનો, પાણીમાં ઝડપથી પસાર થવાનો તથા હવામાં ઉડવાનો આનંદ લઈ રહેલ છે. વજનદાર ચીજો ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાય છે. પરંતુ આટલી બધી સગવડો મળવા છતાં પણ શું મનુષ્ય સાચે સાચ હલકો છે? પ્રસન્ન ચિત્ત છે? શું તેને આંતરિક હલકા પન, નિશ્ચિંતતા, સંતુષ્ટતા તથા પ્રસન્નતા પ્રાપ્ત છે? આનો જવાબ છે – “ના”. કારણ કે ભૌતિક સુખ સગવડોએ ભલે ભૌતિક ચીજોના ભારને હલકો કરી દીધો છે, પરંતુ માનવીનું મન ખૂબ દબાણ ભાર અનુભવ કરી રહેલ છે. એ સત્ય છે કે આજે મનુષ્યના હાથોમાં, પીઠ ઉપર કે માથા ઉપર ભાર નથી પરંતુ મન અદ્રશ્ય ભારના ખૂબ દબાણમાં છે. સુતા-જાગતા, ચાલતા, ફરતા, ઉઠતા-બેસતા કાર્ય વ્યવહાર કરતા દરેક સેકન્ડે તેનું મન ભારે રહે છે. ઈચ્છા ન હોવા છતાં પણ મનના ભારને ઉઠાવવા માટે તે મજબૂર છે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
