(બી.કે. શિવાની)
સવારે મોડા ઉઠવાની સાથે નકારાત્મક વિચારોની શૃંખલા શરૂ થઈ જતી નથી, કે આ ફક્ત મોડા ઉઠવા સાથે સંબંધિત નથી, બીજા અન્ય ઘણાં કારણો પણ હોય છે. ધારો કે ઓફિસમાં કોમ્પ્યુટર ખરાબ થઈ ગયું. જેમાં મારી ઘણી બધી અગત્યની માહિતીઓ છે. જેના પરિણામે ઓફિસના અન્ય કર્મચારીઓ પણ નકારાત્મક વિચારો કરવા લાગે છે. આવા સમયે આપણે એક મિનિટ મૌન રહી શાંતિથી સૌને એમ કહીએ કે, ચાલો કોમ્પુટર જ ખરાબ થયું છે ને? કંઈ વાંધો નહિ, it’s ok. હવે સંજોગોવશાત અત્યારે કોમ્પ્યુટર બગડી ગયું છે તો હવે આપણે આવા સમયે બીજું શું કરી શકીએ? તેના વિશે સારું-ખોટું વિચારીએ છીએ. આવી રીતે સમગ્ર દિવસ દરમિયાન અનેક પ્રસંગો બનતા જાય અને આપનામાં ધીરે-ધીરે સકારાત્મક વિચારો બાબતે જાગૃતિ આવતી જશે કે, મનમાં કેવા પ્રકારના વિચારો (સંકલ્પ) કરવા તે મારા હાથમાં છે. આપણે જેવા સંકલ્પો કરીશું તેવી જ અનુભૂતિ આપણને થશે. અર્થાત જો આપણે સકારાત્મક વિચારો કરીશું, તો શાંતિ અને ખુશીનો અનુભવ થશે અને જો નકારાત્મક વિચારો કરીશું, તો ટેન્શનનો અનુભવ ચોક્કસ થશે.
બહારી પરિવર્તન લાવવાના બદલે આપને આપણી ભીતર આંતરિક પરિવર્તન પહેલા લાવીએ તે ખુબ જરૂરી છે. જો મને અત્યારે દુઃખની લાગણી અનુભવાય છે, તો મને અત્યારે એવું લાગશે કે તમે મારી સાથે આવું ખરાબ વર્તન કર્યું એટલે જ મને દુઃખ થયું છે. “તમે મારી સાથે આવો વર્તાવ કર્યો, વ્યવહાર કર્યો” બસ આવા જ વિચારો હું મારા મનમાં કરું છું. પણ જો મારે આ પ્રકારની દુઃખની લાગણીઓમાંથી બહાર નીકળીને આવવું હોય તો, મારે એકાંતમાં બેસી શાંતિથી મારી જાત સાથે વાતો કરી મારા વિચારોની ગુણવત્તા બદલવી પડશે. જેમ- જેમ હું મારા વિચારોની ગુણવત્તા બદલતી જઈશ તેમ-તેમ હું બીજાના પ્રત્યે પણ સકારાત્મક વિચાર કરવાના શરૂ કરીશ અને બીજા વ્યક્તિઓ પ્રત્યે મારો દ્રષ્ટિકોણ બદલાતો જશે.
આમ આવી રીતે આપણે આપણા વિચારોની ગુણવત્તાને બદલી શકીએ છીએ. સામેવાળી વ્યક્તિ જેવી છે તેવી જ છે. પરિસ્થિતિઓ પણ જેવી છે તેવી જ છે. પરંતુ મારો તેમના પ્રત્યેનો દ્રષ્ટિકોણ કેવો છે? તે દ્રષ્ટિકોણના આધારે હું મારા મનમાં હવે તે પ્રકારના જ વિચારો કરું છું. દિવસ દરમિયાન હું પોતે કેવો અનુભવ કરું છું? તેનો મૂળ આધાર મારા પોતાના વિચારો ઉપર જ રહેલ છે. ધારો કે, મારી આજુબાજુના લોકો ખરાબ પ્રકૃતિના છે. હું વિચારું કે, અહીં તો બધા ખરાબ જ લોકો છે તો શું એમના કારણે હું જિંદગીભર દુઃખમાં રહું? શું હું તે બધાં લોકોને બદલી શકું? નહીં, તે તો શક્ય નથી. પણ જો હું મારા જીવનમાં ખુશીનો અનુભવ કરવા ઈચ્છું, તો મારે પોતે સકારાત્મક સંકલ્પ કરવા પડશે. કે મારી આજુબાજુના તમામ લોકો ખૂબ જ સારા છે. પણ જો તે લોકો માટે મારા વિચારો નકારાત્મક હશે, તો મને મારી આસપાસના લોકો પણ ખરાબ જ દેખાશે. લોકો તો જેવા છે તેના તે જ છે, પરંતુ હવે મારો દ્રષ્ટિકોણ અને મારા વિચારો એ નક્કી કરશે કે તેમની સાથે રહેવા છતાં પણ હવે મારે ખુશ રહેવું છે કે નહીં?
મારા મનમાં જે અનુભૂતિ હું કોઈ વ્યક્તિના પ્રત્યે અથવા કોઈ પણ પરિસ્થિતિ અંગે ઉત્પન્ન કરું છું, તો તે પ્રમાણે મારી વૃત્તિઓ બનતી જાય છે.
આપણે એમ વિચારીએ છીએ કે, કોઈએ મને દુઃખ આપ્યું. ખરેખર તો કોઈ મને દુઃખ આપતું જ નથી. આવા વિચારો મેં પોતે જ મારી અંદર ઉત્પન્ન કર્યા. બંને પ્રકારના વિચારોની બાબતમાં ઘણું બધું અંતર છે. કોઈ વ્યક્તિ પ્રત્યે મારા મનમાં ગુસ્સા કે નફરતનો વિચાર કર્યો, ત્યારે મને મનની અંદર કેવું અનુભવ્યું? વ્યક્તિ તો એક જ છે. પરંતુ એક વ્યક્તિ તેના માટે સારા સકારાત્મક વિચાર કરે છે અને બીજી વ્યક્તિ નકારાત્મક વિચાર કરે છે. એક જ વ્યક્તિ માટે અલગ-અલગ લોકો અલગ-અલગ પ્રકારની અનુભૂતિ કરી શકે છે. હું કોઈ વ્યક્તિ અંગે જે પ્રકારે વિચારું છું તે પ્રકારની મારી વૃત્તિ તેના પ્રત્યેની બનતી જાય છે.
મારી કોઈ વ્યક્તિ પ્રત્યે જેવી વૃત્તિ હશે તે પ્રમાણે હું તેની સાથે વાતચીત તથા વ્યવહાર કરીશ. જે લોકો મને સારા લાગે છે, તેમની સાથે હું હંમેશા સારી રીતે વાત કરીશ. જો તે વ્યક્તિ ગુસ્સો કરે છે તો પણ હું તેને સમજવા પ્રયત્ન કરીશ અને સ્નેહથી વાતચીત કરીશ. જ્યારે હું કોઈ ક્રિયા વારંવાર કરૂ તો મારી વૃત્તિ પણ તેવી બનતી જાય છે. ધારો કે કોઈ વ્યક્તિ સાથે હું વારંવાર ગુસ્સાથી વાત કરું છું, તો મારી તે પ્રકારની ગુસ્સાની ટેવ બની જશે. અને હવે જ્યારે પણ મારે તે વ્યક્તિની સાથે વાત કરવાની થશે ત્યારે હું તેની સાથે ગુસ્સાથી જ વાત કરીશ. અને આમ ધીરે-ધીરે મારો સ્વભાવ ગુસ્સાવાળો બનતો જશે. ત્યારબાદ હું કોઈની પણ સાથે વાત કરીશ તો ગુસ્સાથી કરીશ. હવે મારો આંતરિક સંસ્કાર વાત વાતમાં ગુસ્સો કરવાનો થઈ જશે. ઓફિસમાં હું એમ સમજીશ કે ગુસ્સો કરવાથી મારા બધાં કામ થઈ જાય છે. પરિણામે હું બધાં સાથે ગુસ્સાથી કામ કરીશ. જ્યારે સાંજે હું ઘેર પાછો આવીશ ત્યારે પરિવાર તથા બાળકો સાથે કેવી રીતે વાત કરીશ? જરૂર ગુસ્સાથી વાત કરીશ.
આમ ગુસ્સો કરવાની મારી ટેવ હવે મારા વ્યક્તિત્વનો એક ભાગ બની ગઈ. હું જે પ્રકારે વિચારીશ, તે પ્રમાણેનું મારું વ્યક્તિત્વ બનશે. આપણે આખો દિવસ બીજા શું કરે છે? તેને જ જોતા રહીએ છીએ. અને તેની ટીકા કરતા રહીએ છીએ. પરંતુ આમ કરવાથી મારું સમગ્ર વ્યક્તિત્વ ખરાબ બનતું જાય છે. પરિણામે આવા પ્રકારના વિચારો કરવાની મારી એક ખરાબ ટેવ બની જાય છે. ચાલો, હવે આપને આપણી કુટેવો ને આદતોમાં પરિવર્તન લાવીએ.
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)