(બી.કે. શિવાની)
ઘણા લોકો ડાયરી લખે છે. આપણે પણ દરરોજ રાત્રે સુતા પહેલા 5-10 મિનિટનો સમય કાઢી આખા દિવસમાં શું થયું તેનો ચાર્ટ લખીએ. આજે મારી સાથે આવું થયું તેવું થયું, તેમ વિચારી જે ઘટના બની તેની ફક્ત નોંધ કરીએ છીએ, પરંતુ તેમાંથી કંઈ બોધપાઠ લીધો નહીં. તો કોઈ કામનું નહિ. આપણે દિવસ દરમિયાન બનેલ એક-એક ઘટનાઓને ચેક કરીએ કે, મેં કોઈને દુઃખ આપ્યું? કોઈના પ્રત્યે નફરતનો ભાવ ઉત્પન્ન થયો? પછી પોતાની જાત સાથે વાત કરીએ કે, ફરીથી ભવિષ્યમાં આવું ન બને. આ રીતે દરરોજ આપણે મનના વિચારોની સાફ-સફાઈ કરવી જરૂરી છે. બીજી અન્ય વ્યક્તિએ જે કર્યું તે કર્યું, પરંતુ મારે મારા વિચારો શ્રેષ્ઠ અને સકારાત્મક રાખવા છે. આ આપણે ત્યારે જ કરી શકીશું જયારે આપણે તેને મનથી સ્વીકારીશું.
બીજા વ્યક્તિનો વ્યવહાર ગમે તેવો હોય, પણ મારા વિચારો તે મારી પોતાની રચના છે અને તેનો સતત અભ્યાસ કરી તેને બદલીએ. ધારો કે આજે સવારે કોઈની સાથે કામ કરતી વખતે મને ગુસ્સો આવ્યો તો રાત્રે ચાર્ટ લખતા સમયે હું એ દ્રશ્યને નજર સામે જોઉં છું, અને વિચારું છું કે, તે સમયે હું શાંતિથી વ્યવહાર કરી શકત. આમ જ્યારે આપણે તે દ્રશ્યને સાક્ષીભાવથી પુનઃ નજર સામે લાવીએ છીએ ત્યારે, આપણને અનુભવ થાય છે કે તે સમયે મારે ગુસ્સે થવાના બદલે શાંત રહેવાનો બીજો રસ્તો પણ મારી પાસે હતો. જેટલો આપણે પોતાની સાથે આવી રીતે સમય આપીશું તો આપણે મનને સકારાત્મક વિચારો કરવાનું માર્ગદર્શન આપી શકીશું. અને આપણે આપણો સ્વભાવ અને સંસ્કારને શાંત પ્રકૃતિનો બનાવી શકીએ.
જો આપણે એમ વિચારીએ કે, આજના જમાનામાં ગુસ્સો આવવો તો એક સ્વાભાવિક બાબત છે. તો આપણે ગુસ્સો કરવાની કુટેવ, આદત કે સંસ્કાર આપણી અંદર પાડી રહ્યા છીએ. કારણ કે વિચાર દ્વારા સંવેદના, સંવેદના દ્વારા કાર્ય અને વારંવાર કરેલ કાર્યથી સ્વભાવ બને છે. તેવું એટલા માટે થાય છે કારણ કે આપણે આપણા વિચારોને ચેક ન કર્યા જોયા નહિ અને તેને બદલવાનો પ્રયત્ન પણ ન કર્યો. હવે આપણે જીવનમાં એવો એક નિયમ બનાવીએ કે દરરોજ સવારે દસ મિનિટ કે રાત્રે સુતા વખતે દસ મિનિટનો સમય આપણે પોતાની જાત સાથે વાતો કરવા માટે ફાળવીશું. તેના પરિણામે આપણા ઘણા બધા કાર્યો સરળ બની જશે અને સફળતા સહજ મળશે.
સામાન્ય રીતે આપણે દિવસ દરમિયાન બનેલી ઘટનાઓનું અવલોકન કરીએ છીએ ત્યારે, તે પરિસ્થિતિઓ માટે મોટેભાગે બીજાને જવાબદાર ઠેરવીએ છીએ. અને એમ કહીએ છીએ કે મારા હાથમાં નથી. પણ આપણે ફક્ત એ જોવાનું છે કે તે પરિસ્થિતિમાં શાંત રહેવા માટે હું કેવી રીતે વ્યવહાર કરી શકું. આ પ્રસંગે તો મેં ગુસ્સો કર્યો પરંતુ જો ગુસ્સો ન કર્યો હોત તો પણ કામ ચાલી શકત. આ પ્રકારનો અભ્યાસ વારંવાર મારે કરવાનો છે. આ પ્રકારનો સ્વભાવ બનાવવા માટે આપણે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, આપણે સામેની વ્યક્તિ શું કહ્યું? કે તેણે શું કર્યું? તે વાતોનું ચિંતન આપણે કરવાનું નથી, પરંતુ તે સમયે મેં શું ગ્રહણ કર્યું તથા શાંત અને સ્વસ્થ રહેવા માટે હું શું કરી શકતી હતી? તે આપણે જોવાનું અને વિચારવાનું છે. આ પ્રકારે મનન ચિંતન કર્યા બાદ રાત્રે સુવા માટે જઇશું, તો આપણાં જુના સ્વભાવ અને સંસ્કારો જેવી બાબતો ધીરે-ધીરે આપણા મનમાંથી નીકળી જશે.
જો આપણે આવી રીતે કરીશું નહિ તો આપણે માત્ર દુઃખની અનુભૂતિ કરતા-કરતા સૂઈ જઈશું અને જ્યારે આપણે બીજા દિવસે સવારે ઊઠીશું તો ફરીથી મનમાં તેના તે જ વિચારોના કારણે દુઃખની લાગણી થયા કરશે. ફરીથી જ્યારે તે વ્યક્તિને મળવાનું થશે ત્યારે અગાઉથી જ તે વ્યક્તિ પ્રત્યે નકારાત્મક વિચારો મનમાં શરૂ થઈ જશે. અને તે વિચારો આપણને દુઃખની લાગણી ફરી અનુભવાશે.
વિચારો કરવાની પદ્ધતિ જે આપણે સમજી તેમાં ત્રણ મુખ્ય બાબતો છે. સૂચના, ભૂતકાળનો અનુભવ તથા આત્મવિશ્વાસ. પરંતુ જ્યાં સુધી આ વિષયનો જરૂરી અભ્યાસ કરીએ નહીં, ત્યાં સુધી આપણને તેનો કોઈ ફાયદો થશે નહીં. માટે જ આપણે જ્યારે પણ સમય મળે ત્યારે સારા આધ્યાત્મિક પુસ્તકો વાંચીને આપણા મનમાં સારા સંકલ્પોની શક્તિ ભરીએ. ઘણા ભાઇ-બહેનો પોતાનો અનુભવ કહે છે કે આ પ્રકારે કરવાથી અમારા જીવનમાં ઘણું પરિવર્તન આવેલ છે. તે માટે તેઓએ શું કર્યું? તેઓએ ફક્ત સમય કાઢી નિયમિત મનમાં સારા સંકલ્પો ભર્યા અને તે વિચારો કરવાની રીત બદલાઈ ગઈ. દરરોજ સારી વાતો સાંભળીએ કે જોઇએ તો પરિણામે તે બાબતોનો સારો પ્રભાવ જીવન પર પડે છે.
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)