મનની શક્તિનો જાદુ

(બી.કે. શિવાની)

મોટેભાગે રાત્રે જ્યારે આપણે સુઈ જઈએ છીએ ત્યારે, ચેતન મન પણ સુઈ જાય છે એટલે કે તે સુષુપ્ત અવસ્થામાં હોય છે. પરંતુ જો કોઈ વાતની મનમાં મૂંઝવણ થતી હશે તો, ચેતન મનમાં પણ તે જ પ્રકારના વિચારો ચાલશે અને ઊંઘ આવશે નહિ. રાત્રે જે વ્યક્તિનું ચેતન મન શાંત હોતુ નથી તેઓને ઊંઘ પણ આવતી નથી. વારંવાર દિવસ દરમિયાન બનેલી ઘટનાઓના જ વિચારો ચાલે છે. આવા પ્રકારના વિચારોની ગતિ ખૂબ તીવ્ર બની જાય છે અને તે ચેતન મનને શાંત થવા દેતી નથી, અને વ્યક્તિને રાત્રે ઊંઘ આવતી નથી. જયારે ઊંઘ આવતી ના હોય ત્યારે ઊંઘ આવે તે માટેની ગોળી લે અથવા બીજો કોઈ ઉપાય કરવા પ્રયત્ન કરે છે. કે જેથી ચેતન મન શાંત થઈ શકે. આ બધા પ્રયત્નો કરવા કરતા ફક્ત આપણે રાત્રે સુતા પહેલા થોડુંક સારું વાંચીએ, તો આપણા વિચારો સારા બનતા જશે અને આપણું મન ધીરે-ધીરે શાંત થતું જશે.

ઘણી વાર આપણે સકારાત્મક વિચારો કરી શકતા નથી કારણ કે વ્યર્થ વિચારોની ઝડપ ખૂબ વધુ હોય છે. આપણા મનમાં કોઈ વિચારો વારંવાર ચાલતા જ રહે તેવા સમયે આપણે કોઈ આધ્યાત્મિક પુસ્તક વાંચવાનું શરૂ કરીએ જેથી આપણા વ્યર્થ વિચારો બંધ થશે. આવું આપણે દિવસ દરમિયાન વારંવાર કરી શકીએ છીએ. ઘણીવાર એવું થાય છે કે, આપણે કશુંક વાંચી રહ્યા હોઈએ પરંતુ આપણા મનમાં તે સમયે કોઈ બીજા જ વિચારો ચાલતા હોય છે. પરિણામે એક આખું પાનું વાંચવા છતાં પણ આપણે શું વાંચ્યું તે આપણને યાદ રહેતું નથી. આવું ત્યારે બને છે જ્યારે આપણા મનમાં નકારાત્મક કે વ્યર્થ વિચારો ચાલતા હોય. આ સમયે મોટે મોટેથી બોલીને એટલે કે મોટા અવાજે વાંચવાથી આપણા મનની એકાગ્રતા જે વાંચીએ છીએ તેમાં રહે છે. ઘણીવાર આપણે શાંત રહીને વાંચીએ છીએ ત્યારે મનમાં કંઈક બીજા જ વિચારો ચાલતા હોય છે. જો આપણે બીજાને સંભળાવતા હોઈએ તેવી રીતે મોટા અવાજે વાંચીશું તો મનમાં બીજા અન્ય વિચારો ચાલતા બંધ થઈ જશે અને જે વાંચીશું તે યાદ પણ રહી જશે તથા તેની અનુભૂતિ પણ થશે.

બીજું આપણા ભૂતકાળના અનુભવ, જે આપણા જીવન ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડે છે. જ્યારે હું કોઈને મળુ છું ત્યારે અગાઉ તેમને મળતી વખતે મને કેવો અનુભવ થયો હતો તે તરત યાદ આવે છે અને તે પ્રમાણે વિચારો ચાલવાના શરૂ થઈ જાય છે. આ સમયે આપણે એવું કરીએ કે, જ્યારે કોઈની સાથે મળવા સમયે કોઈ નકારાત્મક અનુભવ થયો ત્યારે તે જ દિવસે થોડો સમય શાંતિથી એકાંતમાં બેસીને તે ઘટનાને મનમાંથી કાઢી નાખી, સકારાત્મક વિચારો દ્વારા મનને સાફ કરી રાખીએ. તે પરિસ્થિતિને સમજી પોતાની જાતને સમજાવીએ, જેથી મનમાં જે વસ્તુ ઘર કરી જાય છે તે બીજા દશ્ય ઉપર પોતાની નકારાત્મક અસર ન પાડે. કારણ કે ઘણીવાર આપણે ભૂતકાળના કડવા અનુભવને યાદ કરીને કહીએ છીએ કે – શું કરું મારી સાથે પહેલા પણ આવું થયું હતું. ડર તો લાગે જ ને! જો દરેક વખતે આપણે આ પ્રમાણે કહીશું તો જ્યારે-જ્યારે તેવી પરિસ્થિતિઓ મારી સામે આવશે ત્યારે હું એવો અનુભવ કરીશ કે હું તે પરિસ્થિતિને વશીભૂત છું તથા પોતાને દુઃખી અને પરવશ અનુભવીશ.

સામાન્ય રીતે આપણે ભૂતકાળના ખરાબ અનુભવને વારંવાર યાદ કરીને વાગોળયા કરીએ છીએ. ઉદાહરણ રૂપે, જ્યારે હું તમને છેલ્લે મળી હતી ત્યારે તમે મારી સાથે વ્યવહાર બરોબર કર્યો નહોતો, આ વાત કે ઘટનાને હું મનમાં યાદ રાખી તેને વારંવાર તે યાદ કર્યા કરું છું. હવે જ્યારે બીજી વાર હું ફરી તમને મળું છું ત્યારે સૌ પહેલા અગાઉ બનેલી ઘટના પર પોતાની જાત સાથે ચર્ચા કરી તે ઘટનાને મનમાંથી કાઢી નાખીએ. તથા નિશ્ચય કરીએ કે, ભલે તે સમયે તમે મારી સાથે સારી રીતે વાત ન કરી પણ તે નકારાત્મક વિચારોની અસર હું મારા ઉપર નહિ પડવા દઉં.

જ્યારે આપણને માન મળતું નથી ત્યારે પણ આપણે સારી રીતે જ વાતચીત કરવી જોઈએ. નહીં તો સંબંધ બગડતો જ જશે. અગાઉ કદાચ તમારો મૂડ બરાબર ન હતો, પરંતુ બની શકે કે આજે તમે બિલકુલ સ્વસ્થ છો, પરંતુ હું મારા ભૂતકાળના અનુભવોને વાગોળતા તમારી પાસે આવું છું પરિણામે હું તમને તે જ દ્રષ્ટિથી જોઉં છું. તમારા માટે એવું વિચારી લીધું છે કે તે તો એવા જ છે.

દરરોજ રાત્રે થોડો સમય પોતાની જાત સાથે વાત કરો. દિવસ દરમિયાન બનેલ ઘટનાઓનું અવલોકન કરો. આ પણ એક પ્રકારનું મેડીટેશન જ છે.

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)