મનની શક્તિ

(બી.કે. શિવાની)

સવારે ઊઠીને તરત જ છાપુ ન વાંચો, મોબાઇલ કે ટી.વી. ન જુવો. પણ તેના બદલે આધ્યાત્મિકતાથી સભર સમાચાર વાંચો, જુવો કે સાંભળો અને સકારાત્મક માહિતી પોતાની અંદર ભરતા જાવ. છાપુ થોડું મોડેથી વાંચો. આટલું પરિવર્તન કરવાથી તમને સારા વિચારો કરવા માટે ઓછી મહેનત કરવી પડશે અને વધુ સફળતા મળશે. દિવસની શરૂઆત જો મનને નકારાત્મક વિચારો રૂપી ભોજન આપીશું તો દિવસ દરમિયાન સકારાત્મક વિચારો કેવી રીતે આવશે?

જો આપણે સવારે ઉઠતાની સાથે પોતાની અંદર પોઝિટિવ વિચારો કરીશું જેમ કે – જે થશે તે સારું જ થશે. મારી સાથે બધું સારું જ થઈ રહ્યું છે. પરમપિતા પરમાત્માની શક્તિ મારી સાથે છે. આવી પદ્ધતિ અપનાવવાથી આપણે આખો દિવસ મનથી સ્થિર રહી શકીશું. કોઈપણ સંજોગો કે પરિસ્થિતિમાં વિચલિત નહીં થઈએ. ધારો કે તમારા ઘર પરિવારમાંથી કોઇ સભ્યને ઘેર આવવામાં રાત્રે મોડું થાય છે, સમયસર ઘેર પાછા આવ્યા નથી તો તમને એવા સકારાત્મક વિચાર આવશે કે – તેઓ થોડા સમયમાં જરૂરથી પાછા આવી જશે, કોઈ ચિંતાની વાત નથી, ડ્રામા અનુસાર જે થશે તે સારું જ થશે. આમ હવે તમારા સકારાત્મક વિચારો ચાલશે.

જો આ સમયે તમે એમ નકારાત્મક વિચાર કર્યા કે ક્યાંક અકસ્માત તો નહીં થયો હોય? ખબર નહીં, શું થયું હશે? તેને કંઈ થઈ ગયું તો! ઘર કેવી રીતે ચાલશે? બાળકોને હું એકલા કેવી રીતે સંભાળી શકીશ? આવી રીતે થોડાક સમયમાં ઘણા નકારાત્મક વિચારો કર્યા. હવે જ્યારે તેઓ ઘેર આવશે ત્યારે આપણે તેમનું સ્વાગત કેવી રીતે કરીશું? તમે જેટલો સમય નકારાત્મક વિચારો કર્યા તે બધાં વિચારો અચાનક વાણી દ્વારા બહાર આવશે. પણ તેના બદલે તમે એમ નથી વિચારતા કે, કોઈ ખાસ કારણસર તેઓ ઘેર મોડા પહોંચ્યા છે. આવા સમયે તમારી બન્નેની વચ્ચે ઝઘડો થશે. આવા ઝગડાવાળું વાતાવરણ થવાનું કારણ શું?

તમે એમ કહેશો કે તેઓ ઘરે મોડા આવ્યા પરિણામે ઝઘડો થયો. પરંતુ ખરેખર વાસ્તવિકતા તો  એ છે કે, જેવા સંકલ્પો સાથે તમે તેમની રાહ જોતા હતા તમારા તે નકારાત્મક સંકલ્પ જ ઝઘડાનું કારણ છે. આ પરિસ્થિતિમાં જો તમે આવું વિચારતા હોત કે, થોડા સમયમાં તેમનો સંદેશો આવી જશે અને તેમના મોડા આવવાનું કારણ મને ખબર પડી જશે. બની શકે કદાચ તેમનો ફોન બંધ થઈ ગયો હોય. તેઓ કોઈ જરૂરી કામ માટે કોઈ જગ્યાએ રોકાઈ ગયા હોય. અને હવે જ્યારે તેઓ ઘેર પાછા આવશે ત્યારે આપણે તેમની સાથે કેવી રીતે વર્તન કરીશું? એકદમ શાંતિથી, સ્નેહથી, પ્રેમથી તેમની સાથે વાતચીત કરીશું. પરિણામે ઘરનું વાતાવરણ પ્રસન્નતાથી ભરપૂર રહેશે.

જે પ્રકારના વિચારો આપણે કરીએ છીએ તે વિચારો જ જીવનમાં સુખ-શાંતિની અનુભૂતિ કરાવે છે. જીવનમાં સમય પ્રતિ સમય આપણે આપણું ભાગ્ય બનાતા રહીએ છીએ. જેનું પ્રથમ સાધન છે માહિતી. રાત્રે સુતા પહેલા અને સવારે ઉઠ્યા પછી તરત મન-બુદ્ધિમાં કઈ અને કેવા પ્રકારની માહિતી આપીએ છીએ તેના ઉપર આપણે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. માટે આપણે આપણી પાસે એવું કોઈ આધ્યાત્મિક પુસ્તક રાખીએ જે આપણે રાત્રે સુતા પહેલા અને સવારે ઊઠીને તરત વાંચી શકીએ. ઉદાહરણ રૂપે બ્રહ્માકુમારીઝમાં પરમાત્માના મહાવાક્યો રોજ સંભળાવવામાં આવે છે, જે પુસ્તકના રૂપે પણ ઉપલબ્ધ છે. આવું પુસ્તક રાત્રે સુતા પહેલા અને સવારે વહેલા ઉઠીને 15 મિનિટ તેનું વાંચન તથા મનન-ચિંતન કરવાથી આપણા મનના સંકલ્પો અવશ્ય સકારાત્મક રહી શકશે.

રાત્રે સૂતા સમયે સામાન્ય રીતે આપણે ટીવી સિરિયલો જોઈએ છીએ અથવા તો વાંચન કરીએ છીએ. પણ તે કોઈ શ્રેષ્ઠ સાહિત્ય હોતુ નથી. પરિણામે આપણું મન ઉત્તેજિત થઈ જાય છે અને તેવી ઉત્તેજિત અવસ્થામાં સુઈ જઈએ છીએ. રાત્રે શરીર તો સુઈ જાય છે પરંતુ મન હજુ પણ સક્રિય હોય છે પરિણામે જયારે સવારે આપણે ઊઠીએ છીએ ત્યારે આપણી મનની સ્થિતિ કેવી હોય છે? ચિંતા અને  માનસિક તણાવ સાથે ઉઠીયે છીએ.

મોટેભાગે રાત્રે જ્યારે આપણે સુઈ જઈએ છીએ ત્યારે, ચેતન મન પણ સુઈ જાય છે એટલે કે તે સુષુપ્ત અવસ્થામાં હોય છે. પરંતુ જો કોઈ વાતની મનમાં મૂંઝવણ થતી હશે તો, ચેતન મનમાં પણ તે જ પ્રકારના વિચારો ચાલશે અને ઊંઘ આવશે નહિ. રાત્રે જે વ્યક્તિનું ચેતન મન શાંત હોતુ નથી તેઓને ઊંઘ પણ આવતી નથી. વારંવાર દિવસ દરમિયાન બનેલી ઘટનાઓના જ વિચારો ચાલે છે.

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)