થોડા દિવસ પહેલા એક સાંજે હું મારા મિત્ર જ્યોતિષીને મળ્યો હતો, અમે સાંજે મળ્યાં ત્યારે કોઈ એક ફેકટરીના વસ્તુ અને તેના દોષ નિવારણ પર અમે વાત કરતા હતાં. છેલ્લા થોડા સમયથી આ ફેક્ટરીના માલિકે સતત પ્રગતિ કરી છે. વારે તહેવારે તેમણે તેમની ફેકટરીમાં પૂજા અને વિધિ વિધાન કરેલ છે. તેઓ ખુબ શ્રદ્ધાળુ અને ઈશ્વરના ચમત્કારમાં માનવાવાળા વ્યક્તિ છે.
આજથી લગભગ પાંચેક વર્ષ પહેલા આ ફેક્ટરીની દુર્દશા બેઠેલી હતી, તેની પર પારાવાર દેવું હતું, સરકારી નોટીસોનો સિલસિલો અને કોઈ કારીગર પણ ત્યાં કામ કરવા તૈયાર થતો નહોતો. ઉલટાનું દિન પ્રતિદિન દેવું વધતા, માલિક પણ ખુબ પરેશાન રહેતા હતાં. અનેક લોકોને બતાવ્યું કોઈએ ભૂમિ દોષ કહ્યો, કોઈએ પિતૃ દોષ કહ્યો, કોઈએ દિશાઓ ખોટી કહી, કોઈએ તો બિલકુલ અંધશ્રદ્ધા તરફ પણ તેમને ધકેલ્યા હતા.અગાઉ જણાવ્યું તેમ ફેકટરીના માલિક સાચા હ્રદયના માણસ છે, તેઓને કુદરતમાં ઊંડો વિશ્વાસ છે. શ્રદ્ધાહોવી જોઈએ પણ અંધશ્રદ્ધાના હોવી જોઈએ. દવા વધુ લઈએ તો ઝેર બની જાય છે. બિલકુલ તેમ જ,સાચી અને માપની શ્રદ્ધા ચોક્કસ પરિણામ આપે છે.
ઘોડાની નાળ વિષે સાંભળ્યું છે? અમારા મિત્રે તેમને એક દિવસ કહ્યું. આટલો ખર્ચો અને દેવું છે, એક આ પ્રયોગ પણ કરી લઈએ… હસતા હસતા ફેકટરીના માલિક બોલ્યા. તેઓ બંને ક્યાંકથી કાળા ઘોડાની ‘સાચી’ નાળ લઇ આવ્યા. આ બધી ચર્ચા વચ્ચે તે સમયે અમારા મિત્ર જ્યોતિષીએ તેમને કાળા ઘોડાની નાળનો પ્રયોગ બતાવ્યો હતો. શનિવારે સાંજે શનિદેવનું નામ લઈને આ પ્રયોગ કરવામાં આવે તો તે ચોક્કસ ધાર્યું પરિણામ આપે છે.
આપને જાણીએ છીએ કે મનુષ્યને કોઈ નડતું નથી, તેને તેના કર્મો જ નડે છે. શનિદેવ સમાન ન્યાય કરનાર કોઈ દેવ નથી. જ્યોતિષનો સાર પણ શનિદેવ જ છે. કાળા ઘોડાનો પગ સતત કર્મના બળે દોડતો રહે છે. ઘોડો કર્મના આઘાત સહન કરે છે, કર્મના સાચા આઘાત તેના પગની નીચે આ લોઢાની વસ્તુમાં હોય છે. કાળો ઘોડો અને લોઢાની વસ્તુને શનિદેવનું પ્રતિક માની લઈએ તો આ નાળએ સાક્ષાત કર્મોની સત્તાને રજુ કરે છે. શનિદેવ આગળ પોતાના કર્મની મુક્તિ માટે પ્રાર્થના કરીને લગાવેલી ઘોડાની નાળને કોઈ ખરાબ શક્તિ કે તકલીફ પાર નથી કરી શકતી. આ પ્રયોગ સાચે જ અકસીર સાબિત થયો હતો. થોડા સમયમાં બધું દેવું ભરપાઈ થયું અને ધીરે ધીરે તેમને સારા કારીગરોનો પણ સાથ મળ્યો. સફળતાના કારણ બીજા પણ હોઈ શકે, પણ ઘોડાની નાળને તેઓ ચોક્કસ શ્રેય આપે જ છે. અમે પછી કાળા ઘોડાની નાળ પર વધુ સંશોધન ચલાવ્યું તો જાણવા મળ્યું કે અમેરિકા અને યુરોપ સહીત આખી દુનિયામાં કાળા ઘોડાની નાળ વિષે માન્યતા છે.
એવું કહેવાય છે કે, સેઇન્ટ ડંસ્ટનએ પહેલી વાર એક શેતાનને ઘોડાની નાળથી બાંધી દીધેલો અને શેતાન તેને પાર નહોતો કરી શક્યો. માટે યુરોપના લોકો તેને શેતાનથી બચાવનાર માને છે. યુરોપના લોકો તેમની સંપતિ અને તબિયતને કોઈની ખરાબ નજર ના લાગે તે માટે તેઓ કાળા ઘોડાની નાળ તેમના દરવાજા બહાર લગાવે છે. ખરીદીને લાવેલી ‘ખોટી’ ઘોડાની નાળ કેવી રીતે કામ કરે? તમે પોતે જ વિચારી શકો છો. વપરાયેલી અને કાળા ઘોડામાંથી નીકળેલ સાચી ઘોડાની નાળ હશે તો જ કાર્ય થવાની સંભવાના ખુબ વધી જાય છે. કેટલાક લોકો કાળા ઘોડાની નાળ પોતાના કબાટમાં પણ રાખે છે, તો કેટલાક લોકો તેને દર્દીના પલંગ નીચે રોગથી બચાવ માટે પણ રાખે છે. માન્યતાઓ અનેક છે, પણ સ્વીકારવું પડે કે વર્ષોથી લોકોની આ પ્રયોગ પર શ્રદ્ધા આજે પણ અતુટ રહી છે.