છેલ્લા થોડા દિવસોથી આ દેશના અમુક વિસ્તારોમાં ભાષાનો વિવાદ ચાલી રહ્યો છે. ભાષા કે શબ્દોનું મુખ્ય કામ છે કોમ્યુનિકેશન. આ પૃથ્વી પરના આશરે આઠ અબજ લોકોનો વ્યવહાર શબ્દોની લેવડદેવડ પર ચાલે છે, જેના ફળસ્વરૂપે દુનિયામાં લગભગ 3900 કરતાં વધુ ભાષાઓ-બોલીઓનો પ્રયોગ થાય છે. આમાંથી ભારતમાં સૌથી વધુ, 900 જેટલી ભાષાઓ-બોલીઓ વ્યવહારમાં છે.
બોલાતો શબ્દ માનવજીવનમાં સફળતાની ઈમારત ઊભી કરી શકે અને સુંદર ઈમારતને કડડભૂસ પણ કરી શકે. મહાભારતના યુદ્ધમાં રાજા શલ્ય દુર્યોધનની સરભરાથી વચનબદ્ધ થઈને કૌરવપક્ષે મજબૂરીથી જોડાયેલા, પરંતુ કૌરવપક્ષે રહીને તેમણે પોતાના ભાણેજ પાંડવોનું કામ કરવા માટે શબ્દોનો જ આશ્રય લીધો હતો. કર્ણના સારથિ તરીકેની ભૂમિકા ભજવતા તેમણે કર્ણના કાને મોળા શબ્દો નાખવાના શરૂ કર્યા. તેઓ કર્ણને નિરાશ કરવાની એક પણ તક છોડતા નહીં. તેઓ કર્ણને કહેતા કે, ‘તું ખાલી બોલી બોલીને મનમાં રાજી થજે કે, ‘હું અર્જુનને જીતીશ.’ બાકી અવિચળ મેરુ સમા અર્જુનને વાસ્તવિક યુદ્ધમાં જીતવો કઠણ છે.’ આમ, શક્તિશાળી કર્ણના કાને મોળા શબ્દો પડતાં તેનું માનસ નબળું પડતું ગયું.
તો આ તરફ અર્જુનની દશા કેવી હતી? યુદ્ધના પ્રારંભે સંબંધીઓને જોઈને તે હેતરૂપી માયાથી હણાઈ ગયો અને ન લડવાના નિર્ણય પર આવી રથના પાછલા ભાગમાં બેસી ગયો. આવા સમયે તેને ઊભો કરવા, તેના રોમ રોમમાં યુદ્ધ લડવાની ઊર્જા ભરવા ભગવાન શ્રીકૃષ્ણે શબ્દોની શક્તિનો જ ઉપયોગ કર્યો. શબ્દોના માધ્યમથી અર્જુનને આધ્યાત્મિક સત્યને જોવાની દૃષ્ટિ આપી, જેનાથી તેઓ રણમેદાનના યુદ્ધમાં જ નહીં, પરંતુ જીવનસંગ્રામના વિજય સુધી દોરી ગયા. આ શબ્દો શ્રીમદ્ ભગવદ્ગીતામાં ગ્રંથસ્થ થયા છે, આ શબ્દો આજે પણ અનેક ભાંગી પડેલા માનવોને ઊભા કરે છે.
ખરેખર, શબ્દો વિશ્વનો ઈતિહાસ અને ભૂગોળ બંને બદલી શકે છે. બીજા વિશ્વયુદ્ધના સૂત્રધાર એડોલ્ફ હિટલરે આશરે 60 લાખ યહૂદીઓનો કચ્ચરઘાણ વાળ્યો હતો. તેણે લખેલા ‘માય કામ્ફ’ અર્થાત્ ‘મારો સંઘર્ષ’ પુસ્તકની અસર વિશે એક સર્વેક્ષણ પ્રકાશિત થયું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે, આ પુસ્તકના પ્રત્યેક અક્ષરે સવાસો માણસોએ જાન ખોયા છે. પ્રત્યેક પાને 4700 માણસોએ અને પ્રત્યેક પ્રકરણે 1,20,000 માણસો પોતાની મંજિલે પહોંચ્યા છે. આ પુસ્તકની સમગ્ર જર્મની ઉપર એટલી ઘેરી અસર હતી કે 60 લાખ યહૂદીઓની કતલ કર્યા પછી પણ તેમને તેનો લેશ પણ પસ્તાવો નહોતો થતો. આટલા મોટા નરસંહારનું બીજ ક્યારે રોપાયું હતું તે જાણો છો? હિટલર સ્કૂલમાં હતો ત્યારે તેમના ઈતિહાસના શિક્ષક ડો. લિયોપોલ્ડ સતત એવા શબ્દો ઉચ્ચારતા કે ‘જર્મનોના વિકાસમાં યહૂદીઓ અવરોધરૂપ છે. એ લોકો આપણી સાથે રહેશે તો આપણી પ્રજામાં ખરાબ સંસ્કારો આવશે અને આપણી સંસ્કૃતિ નાશ પામશે.’
આ વાત હિટલરે પકડી લીધી અને વિશ્વના ઈતિહાસનો સૌથી મોટો નરસંહારક બની ગયો. જેવી રીતે નકારાત્મક શબ્દો પોતાની અસર બતાવે છે, એવી જ રીતે સારા શબ્દો પણ પોતાની અસર બતાવ્યા વગર રહેતા નથી.
લંડનના એક યુવકે પોતાના એક મિત્રની અનુભવેલી વાત કરતા પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને કહ્યું કે, ‘યુનિવર્સિટીમાં ભણવાનું થયું તે પૂર્વે મારો મિત્ર સત્સંગી હતો. પશ્ચિમી પવનની અસરથી ભારતીય હિન્દુત્વના સંસ્કારોમાંથી વિચલિત ન થવું તેવો નિશ્ચય કરેલો, પરંતુ યુનિવર્સિટીમાં કુસંગ થયો અને સત્સંગનો યોગ ઘટ્યો. પરિણામે પરીક્ષામાં નાપાસ થયો. તેથી તે હતાશ અને નિરાશ થઈ ગયો, તે સમયે પ્રમુખસ્વામી મહારાજના બળપ્રેરક શબ્દો સાંભળવામાં આવ્યા, જે તેનું જીવનપરિવર્તન કરવા પૂરતા બની રહ્યા. તેણે સન્માર્ગે ચાલવાનો નિશ્ચય કર્યો અને આજે તે પી.એચ.ડી.ના અભ્યાસ સુધી પહોંચી ગયો છે. મહાપુરુષોના સીધા સાદા શબ્દોમાં પણ જીવનનું સમૂળું રૂપાંતર કરી દે એવું સત્ત્વ સમાયેલું હોય છે.
શબ્દોમાં માણસને બેઠો કરવાની અને બેસાડી દેવાની ક્ષમતા હોય તો આપણે જે શબ્દોનો વ્યવહાર કરીએ છીએ એમાં કેટલી સાવધાની રાખવી જોઈએ? સંભવ છે કે આપણા બે શબ્દો ક્યારેક કોઈ માટે જીવાદોરી બની રહે અને ઉતાવળમાં કરી દીધેલા શબ્દોના ઘાવ કોઈના માટે જીવનપર્યંત ઘાતક બની રહે.
શબ્દો ક્યારેક કોઈને ઉગારવાની તક બની રહે છે, તો ક્યારેક તકેદારીના અભાવે કોઈને ડુબાડી દેવામાં પણ નિમિત્ત બની રહે છે.
તો ચાલો, તક અને તકેદારીની આ રમતમાં જાગૃતિ રાખી આપણા અને અન્યના જીવનને ઉન્નત કરીએ.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
