ભગવાન શ્રી રામનો જન્મ અયોધ્યામાં થયો. આજના એટલે કે રામનવમીના દિવસે જ, ૩ એપ્રિલ ૧૭૮૧ (ચૈત્ર સુદ નોમ)
ના રોજ અયોધ્યાથી માંડ પચ્ચીસ કિલોમીટર દૂર આવેલા છપૈયા નામના ખોબલા જેવડા ગામમાં ધર્મદેવ અને ભક્તિમાતાને ત્યાં જન્મેલા ભગવાન સ્વામિનારાયણના સામાજિક અને સાંસ્કૃતિક કાર્યોની નોંધ ભારતીય અને બ્રિટિશ ઇતિહાસકારોના દસ્તાવેજોમાં પણ લેવામાં આવી છે.
સામાજિક અને ધાર્મિક અશાંતિના એ કાળમાં એમણે હિંદુ ધર્મનાં નૈતિક મૂલ્યોને પુનર્જીવિત કર્યા હતા. એ સમય એવો હતો, જ્યારે ધાર્મિક નિયમોનું એટલું ખોટું અર્થઘટન કરવામાં આવતું હતું કે હિંસા, વ્યભિચાર, નશાખોરી અને અંધશ્રદ્ધાને પણ સ્વીકારી લેવામાં આવતાં હતાં. ભગવાન સ્વામિનારાયણ અને એમના પરમહંસોએ આધ્યાત્મિકતાને પુનઃ જાગૃત કરી, લોકોનાં જીવન પરિવર્તિત કર્યા, નારીશક્તિને સશક્ત બનાવી, નિઃસ્વાર્થ સેવાને પ્રોત્સાહન આપ્યું અને વિવિધ જ્ઞાતિ, સંપ્રદાય તથા ધર્મો વચ્ચે સમાનતા સ્થાપી.

ભગવાન શ્રી રામ અને ભગવાન સ્વામિનારાયણના એક જ દિવસે ઉજવાતા જન્મોત્સવ આપણને અધર્મ સામે ધર્મના વિજયની યાદ અપાવે છે. રામરાજ્યનો આદર્શ એટલે માત્ર સત્તા નહીં, પરંતુ ન્યાય અને શાંતિ. આજે જ્યારે મધ્ય એશિયામાં યુદ્ધનાં વાદળો ઘેરાં થયા છે ત્યારે વિશ્વને રામચંદ્રજીના સંયમ અને સર્વજન હિતાયના માર્ગની જરૂર છે. સાચું સામર્થ્ય સંઘર્ષમાં નહીં, પરંતુ શાંતિ સ્થાપવામાં રહેલું છે.
અહીં ફિલોસોફર, રાજકારણી અને મુત્સદ્દી, સ્વતંત્ર ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું વિધાન યાદ આવે છેઃ “મૅન હૅઝ લર્ન્ટ ટુ સ્વિમ લાઈક અ ફિશ ઈન વૉટર, હી હૅઝ લર્ન્ટ ટુ ફ્લાય ઈન સ્કાય ઍઝ અ બર્ડ, બટ હી ડિડન્ટ લર્ન ટુ વૉક લાઈક અ હ્યુમન બીઈંગ… ધિઝ ઈઝ ધી એજ ઑફ ગાઈડેડ મિઝાઈલ્સ ઍન્ડ મિસગાઈડેડ મૅન.”
અર્થાત્ અવનવી શોધખોળ અને સુવિધાસજ્જ માળખાં રચીને માણસ નામ-દામ તો ખૂબ કમાયો, જંગી સ્ટીમરમાં બેસીને દરિયા ઓળંગતો થયો, વિરાટ વિમાનમાં બેસીને ગગનગામી થયો, પરંતુ પોતે જ શોધેલાં સાધનોને કેવી રીતે વાપરવા એની માર્ગદર્શિકા વાંચવાનું ભૂલી ગયો.

બોમ્બ, મિસાઈલ્સ, ડ્રોન જેવા આધુનિક શસ્ત્રો બનાવનારા કંઈ અશિક્ષિત નથી. એમણે વિશ્વનાં શ્રેષ્ઠ કહેવાતા વિદ્યાધામોમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હોય છે, પરંતુ માહિતી અને જ્ઞાનને સત્કાર્યમાં વાપરવાને બદલે માત્ર પોતાની કીર્તિ કમાવા પાછળ જ ખર્ચે તો એ વિનાશ નોતરી શકે. આવું ન બને તે માટે રોજ સવારે ઊઠીને એક વિચાર કરવો: ખરેખર અગત્યનું શું છે?
દરરોજ સવારે ઊઠીને ખાવું-પીવું, બેસવું-ચાલવું, વૉટ્સઍપ ચેક કરવું, ફૉરવર્ડ કરવું, કામધંધો કરવો, સંબંધ વધારવા — એટલું જ જો માણસને કરવાનું હોય તો એ એનિમલ લાઇફ બની જાય. સત્તા-સંપત્તિ અને ભોગવિલાસથી સમૃદ્ધ બનવું એ આપણી સાચી ઓળખ નથી.
પ્રાયઃ નામના મેળવ્યા બાદ માણસ સ્વચ્છંદ સ્વાભિમાન અને સ્વમહત્ત્વાકાંક્ષામાં રાચે છે, તેથી પોતાના કાર્ય પ્રત્યેની કર્તવ્યનિષ્ઠામાં આકસ્મિક રીતે ઘટાડો નોંધાય છે, કારણ કે હવે તેણે સ્વમાં જ પૂર્ણ સંતોષ માની લીધો છે, જે તેની પ્રગતિ પર રોક લગાવે છે. માણસને પ્રસિદ્ધિના નશામાંથી બહાર લાવવા ઈશ્વર તેના કાર્યમાં નિષ્ફળતાનાં બમ્પર મૂકે છે, જે ખૂબ જ જરૂરી હોય છે. આનાથી એ પોતાના કાર્યમાં સાચી સમજણ શીખે છે.
અર્જુનને ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, “કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન.” અર્જુને કર્મફળપ્રદાતા ઈશ્વરને માનીને પોતાનું કર્તવ્ય દઢપણે બજાવ્યું, તેથી આજે ભગવાન શ્રીકૃષ્ણની સાથે અર્જુનને કરોડો લોકો પૂજે છે.
મહાપુરુષોનાં જીવનમાંથી એક નિષ્કર્ષ ચોક્કસ નીકળે છે કે એમણે નામ-દામને ગૌણ ગણીને ઈમાનદારીથી થતા અથાગ પરિશ્રમને મહત્વ આપ્યું.

અમેરિકાના લોકપ્રિય અને પ્રથમ રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન એક વાર પોતાની ઓફિસમાં એક બહુ મોટા પદ માટે લાયક વ્યક્તિની નિમણૂક કરવા માટે ઉમેદવારોનાં નામનું લિસ્ટ વાંચતા હતા. લિસ્ટમાં એમના એક ખાસ મિત્રનું નામ આવ્યું. બધાને લાગ્યું કે સાહેબ એને જ પસંદ કરશે, પરંતુ લિસ્ટમાં બીજી એક વ્યક્તિનું નામ આવ્યું. આ એ વ્યક્તિ હતી, જેણે જ્યોર્જ વોશિંગ્ટનનો વિરોધ કરવાની એક પણ તક જતી કરી નહોતી. આમ છતાં એ વાત પર ધ્યાન ન આપતાં એમણે એ વિરોધીની કર્તવ્યનિષ્ઠા પર નજર રાખીને એની જ પસંદગી કરી.
આવા જ એક અન્ય અમેરિકન રાષ્ટ્રપ્રમુખ રોનાલ્ડ રેગનના કહેવા પ્રમાણે: “કાર્યનો જશ કોને મળશે? એનો જો માણસ વિચાર ન કરે તો તેની પ્રગતિની સીમા નથી.”
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)


