માનવજાતને મળેલી બહુમૂલ્ય ભેટ

આજે વાત કરવી છે માનવજાતને મળેલી એક એવી અમૂલ્ય સંપત્તિની, જે આપણે ન તો કોઈને દાન, ભેટ કે વારસામાં નથી આપી શકતા કે ન તો ઉછીની મળે છે. એ ખરીદી કે વેચી પણ નથી શકાતી. એને બૅંકમાં પણ સાચવી નથી શકાતી. તેનો કેવળ ઉપયોગ જ કરવો પડે. જો ન કરીએ તો આપમેળે ખર્ચાઈ જાય. આ અતિ મૂલ્યવાન સંપત્તિ એટલે સમય.

મહામનિષી ચાણક્ય કહેતા કે, જિંદગીની વીતી ગયેલી પળ એક કરોડ સોનામહોર આપવાથી પણ પાછી મળતી નથી. ખરેખર, સમયનું મૂલ્ય સમજી વિશ્વના સર્વે મહાપુરુષોએ ટાણે તેનો યોગ્ય વિનિમય કરી મહત્તમ લાભ પ્રાપ્ત કરવાની અનુભવપૂર્ણ શિખામણ સમાજને આપી છે. જે વ્યક્તિના જીવનઘડતરમાં પ્રગતિનો પથ અજવાળે છે.

સમય રૂપી મૂડી દરેક પાસે સરખી જ છે. તેનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરનાર જિંદગીમાં બાજી મારી ગયા. આ જ ભેદ છે સામાન્ય અને અસામાન્ય વ્યક્તિ વચ્ચેનો. મહાન વ્યક્તિઓએ સમયને સંપત્તિ ગણી તેનો આયોજનપૂર્વક અને સમજદારીથી ઉપયોગ કર્યો, જેના ફ્ળસ્વરૂપે તેઓ સફ્ળતાનાં શિખર સર કરે છે. સમયનો સદુપયોગ એટલે ચોકસાઈ અને પ્રામાણિકતાથી ખટકો રાખી ખંતપૂર્વક કાર્ય કરવામાં ખર્ચેલો સમય, જેનું પરિણામ અકલ્પનીય હોય છે.

હેન્રી વર્ડ્સવર્થ લોંગફેલો નામના પ્રસિદ્ધ અમેરિકન કવિ અને શિક્ષણશાસ્ત્રીને કૉફી બનાવતાં દસ મિનિટ થતી. ચૂલા ઉપર કૉફી મૂકી તેઓ પુસ્તકનું ભાષાંતર કરવા માંડે. કૉફી તૈયાર થાય ત્યાં સુધીમાં અડધા પાનાનું ભાષાંતર થઈ જાય. આવી જ રીતે સમયનો ઉપયોગ કરીને લોંગફેલોએ ‘ઈન્ફર્નો’ નામના પુસ્તકનો અંગ્રેજી અનુવાદ કરેલો.

પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ નાના-નાના સમયનો ઉપયોગ કરવામાં કુશળ હતા. મૉર્નિંગ વૉક લેતાં એ સંતો-ભક્તોને સાથે રાખીને ચાલતાં-ચાલતાં તેમના પ્રશ્નો કે વાત સાંભળી લેતા. ક્યારેક ભોજન સમયે જ સત્સંગ સંબંધી રિપોર્ટ કે વિશિષ્ટ પ્રસંગોની વાત સંતો પાસેથી સાંભળી લેતા. આવું કરવામાં તેમને ભ્રમણ કે ભોજનના કાર્યમાં સહેજ પણ વિક્ષેપ થતો નહીં.

એક ઉક્તિ છેઃ સમય અને ભરતી કોઈની રાહ જોતાં નથી. જો આપણે સમય નહીં વાપરીએ તો તે સ્વયં વપરાઈ જશે. અ સ્ટિચ ઈન ટાઈમ, સેવ્સ નાઈન અર્થાત્ યોગ્ય સમયે લેવામાં આવેલો એક ટાંકો બીજા નવ ટાંકા બચાવે છે, અને ટાણે ન થયેલું કામ ઘણા પ્રશ્નોની ભેટ આપે છે. વર્તમાન સમયમાં પ્રત્યેક વ્યક્તિ ખૂબ વ્યસ્ત હોવાની માનસિક ભ્રમણામાં ઘેરાયેલા જોવા મળે છે. તેના દૈનિક જીવનમાં કાંઈક અલગ કે વિશેષ કામ માટે વાત આવશે તો કહેશે મને સમય જ ક્યાં મળે છે? પરંતુ, આ જ મહાશયના ઘણા કલાકો મોબાઈલ, વૉટ્સઍપ, ઈન્ટરનેટ, ટીવી જોવામાં વેડફાઈ જતા હોય છે. આ જ બતાવે છે કે સમય નથી મળતો એ દલીલ બોદી છે.

વેડફાતા સમય માટે આધુનિક માનવ સભાન નથી. તે એક પ્રકારની જાત સાથેની છેતરપિંડી છે. વાસ્તવમાં તો દાનતનો અભાવ હોય છે. પ્રબળ ઈચ્છાશક્તિ અને દાનત હોય તો સમયનો અભાવ આડે આવતો નથી. શેક્સપિયર કહેતા કે જે સમયને બરબાદ કરે છે તેને સમય બરબાદ કરે છે. ઘડિયાળના કાંટાને ક્યારેય અટકાવી શકાય નહીં માટે સમયરૂપી સંપત્તિનો મહત્તમ લાભ મળે તે માટે વ્યવસ્થિત ઢબે આયોજન કરવું જોઈએ. આ આયોજન એટલે જ ટાઈમ મૅનેજમેન્ટ. સફ્ળતા માટે વર્તમાન સમયની આ એક ગુરુચાવી છે.

પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે ‘ઘીની તાવણી અને અષાઢી બીજની વાવણીમાં મુહૂર્ત જોવાનું ન હોય.’ તો આવો, તેજીને ટકોરો તેમ જીવનઘડતર અને સુખી ભવિષ્ય માટે સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો દૃઢ સંકલ્પ કરીએ. મોબાઈલ, ઈન્ટરનેટ અને ટીવીના સકંજામાંથી સમયનું રક્ષણ કરીને કારકિર્દીનું શ્રેષ્ઠ આયોજન કરીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)