ગર્વથી કહો, હું ભારતીય છું

ન્યૂ યૉર્કની શાળાઓમાં અંધારાં પર અજવાળાંના વિજયના ઉત્સવ દિવાળીના દિવસે હવેથી રજા આપવામાં આવશે એવા સમાચાર આવે છે. અલબત્ત, ન્યૂ યૉર્ક જ નહીં, દુનિયાના ખૂણે ખૂણે દિવાળી ધામધૂમથી ઊજવાય છે, પણ અમેરિકાનું એક શહેર આ મહાપર્વના દિવસે પોતાની શાળાઓમાં રજા જાહેર કરે એનાથી આપણને ગૌરવ તો થાય.

થવું જ જોઈએ. સુસંસ્કૃત પ્રજાથી શોભતો દેશ એટલે આપણો ભારત. ભારત દેશને કલ્ચરલ મિલિયૉનેરની ઉપમા આપતાં દુનિયાભરના વિદ્વાનોનાં મોં સુકાતાં નથી. દેવો પણ જ્યાં જન્મ મેળવવા પ્રાર્થના કરતાં કહે છેઃ ‘દુર્લભં ભારતે જન્મ.’

ભારતની સંસ્કૃતિની વિશેષતા વર્ણવતાં યજુર્વેદ પણ ગાય છેઃ ‘સા પ્રથમા સંસ્કૃતિઃ વિશ્વવારા!’ સમસ્ત વિશ્વને અપનાવતી સૌપ્રથમ સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ હતી. એ સંસ્કૃતિના આપણે સપુત છીએ. આથી જ, જરૂર છે ભારતના ભવ્ય અને ગૌરવાન્વિત વારસાને જાણવાની. વિશ્વને મળેલી કંઈકેટલીય શોધો અને જ્ઞાનની જન્મભૂમિ ભારત છે. ભારતે વિશ્વને જે આપ્યું છે તેવું બીજા કોઈએ નથી આપ્યું તે નિર્વિવાદ છે. દશાંશ પદ્ધતિથી માંડીને ખગોળ વિજ્ઞાન અને શસ્ત્રક્રિયા જેવી અનેક શોધો સૌપ્રથમ ભારતમાં થઈ હતી. મૂલ્યોની દૃષ્ટિએ-પારિવારિક એકતા, આધ્યાત્મિક્તા, મંદિરો, ભક્તિ વગેરે અનેક મૂલ્યો ભારતીય મૂળમાં જડાયેલાં હતાં. આ મૂલ્યનિષ્ઠાને લીધે જ આજે પણ ભારતીય સંસ્કૃતિ જીવંત છે. મોહમ્મદ ઈકબાલની સુપ્રસિદ્ધ પંક્તિ આપણને સૌને યાદ છેઃ

યુનાન-ઓ-મિસ્ર-ઓ-રૂમા, સબ મિટ ગયે જહાં સે/અબ તક, મગર બાકી, હૈ નામોં નિશાં હમારા, કુછ બાત હૈ કી હસ્તી મિટતી નહીં હમારી, સદિયોં રહા હૈ દૌરે જહાં હમારા… સારે જહાં સે અચ્છા હિંદોસ્તાં હમારા.

ભારતીય સંસ્કૃતિમાં એવું કંઈક અનેકાનેક આક્રમણોની વચ્ચે પણ એ અડીખમ ઊભી છે. એમાં પણ ભારતીય શાસ્ત્રોની તો શી વાત કરવી. આ શાસ્ત્રોમાં એવા જ્ઞાનનો ખજાનો છે, જેમાં વિશ્વના મૂળભૂત પ્રશ્નોના સમાધાન સમાયેલાં છે. ભારતીય તત્ત્વજ્ઞાનમાં કેવળ જીવન પસાર કરવાની નહીં, પરંતુ જીવન સાફલ્યની પદ્ધતિ સમાયેલી છે, જેમાં કેવળ માહિતી નથી, પરંતુ આચરણ અને આધ્યાત્મિક્તાથી ભરપૂર જ્ઞાન સમાયેલું છે. એક સમય હતો, જ્યારે વિદેશી વિદ્યાર્થીઓ જ્ઞાન પામવા તક્ષશિલા અને નાલંદા જેવી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે પડાપડી કરતા.

ભારતનાં શાસ્ત્રોએ અનેક એવા રોલ મૉડેલ આપણી સમક્ષ મૂક્યા છે, જે આજેય આપણને પ્રેરિત કરતા રહે છે. આજે તૂટતાં ગૃહસ્થ જીવનનું સમાધાન આપે છે સતી સાવિત્રી, જેણે પતિવ્રતા નારીનો આદર્શ પ્રસ્થાપિત કરી દીધો. મિલકત માટેના પ્રશ્નોનું સમાધાન આપે છે, ઉપનિષદ-કાળની મૈત્રેયી, જેણે લૌકિક સંપત્તિનો ત્યાગ કરીને આંતરિક સંપત્તિ પામવા પ્રસ્થાન કર્યું. અંધ માતા-પિતાની સેવા કરનાર શ્રવણ આજેય લાખો ભારતીયોને મા-બાપની સેવાનો આદર્શ પૂરો પાડે છે. આકર્ષક પ્રલોભનોમાં લોભાતાં બાળકોને ધ્યેયની સ્પષ્ટતા કરાવે છે, તેજસ્વી બાળક નચિકેતા, જેણે જ્ઞાન પામવા માટે યમરાજનાં મોહ પમાડનારાં પ્રલોભનોને પળવારમાં તરછોડી દીધાં. આ સૂચિ પર પૂર્ણવિરામ મૂકવું અઘરું છે. આ બધા આદર્શો આજે પણ સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ વધારે છે.

ગૌરવ અનુભવવું એ સારી લાગણી છે, પરંતુ શેના માટે અનુભવવું એ પણ સમજવાની જરૂર છે. આજે આપણે ગૌરવ અનુભવીએ છીએ પ્રથમ ક્રમાંક આવવાથી, સારી નોકરી કે જીવનસાથી પ્રાપ્ત થવાથી, પરંતુ બીજા વર્ષે નાપાસ થવાય, નોકરી છૂટી જાય, લગ્ન તૂટી જાય તો, પૂર્વે અનુભવેલું ગૌરવ ગારમાટીમાં મળી જાય છે. તેનું કારણ છે આજનો સમાજ પાશ્ચાત્ય સંસ્કૃતિના વંટોળમાં ફંગોળાય છે. આપણે ટૂંકા ગાળાના ગૌરવને પામવા વલખાં મારીએ છીએ અને શાશ્વત ગૌરવને પામવા માટે સહેજ પણ સાવચેતી દાખવતા નથી. માટે જરૂર છે, ભારતના ભવ્ય વારસાને જાણવાની અને માણવાની.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)