જીવનમાં આગળ વધારતું ઑટોવૉક છે ખરું?

જૂન મહિનો એટલે વિદ્યાર્થીઓ માટે આગળ વધવાનો મહિનો. સમર વૅકેશન બાદ શાળા-કૉલેજો ફરી શરૂ થાય અને  પોતપોતાનાં ધોરણમાં ઉત્તીર્ણ થઈ વિદ્યાર્થીઓ આગળ વધે. હવે એમને વધુ ભણવું પડશે, કેમ કે એ એક પાયરી ઉપર ચડ્યા છે. આમાં એમને મદદ કરશે એકાગ્રતા.

અનેક નેશનલ ઈન્ટરનેશનલ ઍરપૉર્ટ પર એક ગેટથી બીજા ગેટનાં લાંબાં અંતર કાપવા ઑટોવૉક અથવા ટ્રાવેલેટરની વ્યવસ્થા હોય છે. જેમ એસ્કેટેલટર પર ઊભા રહેતાં એ આપણને ઉપર લઈ જાય એમ, ટ્રાવેલેટર પર તમારે ઊભા રહી જવાનું. એ તમને તમારા ગેટ પર પહોંચાડે. એકાગ્રતા એક જાતનું ઑટોવૉક છે.

1824માં ફ્રાન્સમાં જન્મેલો ચાર્લ્સ બ્લોન્ડિન તંગ દોર પર ચાલવાનો કસબ ધરાવતો કુશળ ઍક્રોબેટ હતો. 1859ના જૂનમાં પોતાના અમેરિકાપ્રવાસ દરમિયાન એણે ચાલવાનો સંકલ્પ કર્યો. ક્યાં? તો કહે, ધસમસતાં વહેણવાળા નાયેગ્રા ધોધ પર. એક દિવસ એણે ધોધની ઉપર ૧૬૦ ફૂટ ઊંચાઈ પર ૧૧૦૦ ફૂટ લાંબું દોરડું બાંધ્યું, જેનો એક છેડો અમેરિકા સાઈડ હતો ને બીજો, કેનેડા સાઈડ. અને એણે તંગ દોરડા પર એણે ચાલવાનો પ્રારંભ કર્યો. પહેલી વાર ચાર્લ્સ એક લાકડી લઈને દોરડા પર ચાલ્યો, બીજી વાર આંખે પાટા બાંધીને તે અંતર પસાર કર્યું. ત્રીજી વાર તો પોતાના ખભે એક માણસને બેસાડીને ચાલ્યો, પરંતુ ચોથી વાર એ પોતાની સાથે એક સ્ટવ અને કડાઈ લઈને ગયો, દોરડા પર એક વાનગી બનાવીને જમ્યો. પાંચમી વાર તેણે ૭૫૦ મીટરનું અંતર એક પૈડાંવાળી સાઈકલ ચલાવીને પસાર કર્યું. અને 30 જૂન, ૧૮૫૯ના દિવસે ચાર્લ્સે ૪૦ ફૂટ લાંબો વાંસ હાથમાં ઝાલી દોરડાની મધ્યમાં જઈને ઊંધી ગુલાંટ મારી, જેને 18મી સદીનું સૌથી મોટું સાહસ ગણાવવામાં આવ્યું. ચાર્લ્સને તેની સફ્ળતાનું રહસ્ય પૂછવામાં આવ્યું ત્યારે તેણે એટલું જ કહ્યું કે: ‘મારી નજર તો દોરડા તરફ જ હતી.’

આ ઘટનાના પાંત્રીસેક વર્ષ બાદ, ૧૮૯૫માં સ્વામી વિવેકાનંદ અમેરિકાના ન્યૂ યૉર્ક શહેરમાં ભ્રમણ કરી રહ્યા હતા ત્યાં એમની નજરે એક દશ્ય ચડ્યું- કેટલાક યુવાનો નદીના પ્રવાહમાં બૉલ નાખી એ બૉલને બંદૂકથી વીંધવાનો પ્રયત્ન કરતા હતા. આ દશ્ય જોઈ સ્વામી વિવેકાનંદને હસવું આવી ગયું. એમને હસતા જોઈ પેલા યુવાનો છંછેડાયાઃ ‘હસવું આવે છે? નિશાનબાજી કાંઈ ખેલ નથી. તાકાત હોય તો તમે વીંધી બતાવો.’

ત્યારે સ્વામીજીએ તત્કાળ હાથમાં રાઈફ્સ લઈ નિશાન તાક્યું અને એક પછી એક છ બૉલ વીંધી નાખ્યા. એક પણ નિશાન ખાલી ન ગયું. યુવાનો સ્તબ્ધ બની ગયાઃ ‘તમે તો બહુ મોટા નિશાનબાજ લાગો છો. ક્યાં શીખ્યા? તમારા ગુરુ કોણ?’ જેવા પ્રશ્નોની એમણે ઝડી વરસાવી, પરંતુ પ્રત્યુત્તરમાં સ્વામીજીએ એટલું જ કહ્યું: ‘મારા ગુરુદેવ રામકૃષ્ણે મને શીખવાડ્યું છે કે લક્ષ્ય પ્રત્યે એકાગ્રતા રાખશો તો ધાર્યાં નિશાન પાર પાડી શકશો.’

સ્વામી વિવેકાનંદ ઘણી વખત કહેતા કે કોઈ પણ ક્ષેત્રમાં સફ્ળતા મેળવવા ૩૦% પુરુષાર્થ અને ૭૦% એકાગ્રતાની જરૂર હોય છે. એકાગ્રતા વિનાનો માણસ સુકાન વિનાની નાવ જેવો આમતેમ ભટક્યા કરે છે, પણ લક્ષ્ય સુધી નથી શકતો. ખરેખર, કાળા માથાનો માનવી જ્યારે પોતાનાં મન ઈન્દ્રિયો અને અંતઃકરણને એકાગ્ર કરે છે ત્યારે અકલ્પનીય આંતરિક શક્તિનો ખજાનો ઉદભવે છે. દુનિયાને અશક્ય લાગતાં કાર્યો તે સહજતાથી કરે છે. એટલું જ નહીં નવા વિક્રમો સર્જે છે.’

સ્વામિનારાયણીય સંતકવિ નિષ્કુળાનંદે લખ્યું છેઃ

જેમ નટ ચડે વળી વાંસડે,

જોવા મળે સઘળું ગામ,

પણ નટ ન જુએ કોઈને,

જો જુએ તો બગડે કામ.

ખરેખર લૌકિક માર્ગ હોય કે આધ્યાત્મિક માર્ગ…તેમાં એકાગ્ર થયા વિના કાર્યનું ઉત્કૃષ્ટ ફ્ળ નથી મળતું. નિર્ણય આપણા હાથમાં છે કે, શું મારે આગળ વધવું છે?

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)