હાલ ઈઝરાયલ-ઈરાન કલહ એની ચરમસીમાએ છીએ. બે રાજ્યો કે બે રાષ્ટ્રો વચ્ચેના કલહ કે કુસંપને બાજુએ મૂકીએ તો પણ સમાજ તરફ એક દષ્ટિ માંડતાં ખ્યાલ આવે છે કે આજે સર્વત્ર કળિયુગનો કાળો કેર વર્તાય છે. આ કળિયુગ એટલે બીજું કંઈ નહીં, પણ બે ભાઈઓ, બે પરિવારો, બે રાજ્યો કે રાષ્ટ્રો વચ્ચે કુસંપ.
આજનો માનવી ચંદ્ર, મંગળ ઉપર પહોંચી જાય છે, પરંતુ પરિવારના સભ્યોના હૃદય સુધી પહોંચી શકતા નથી. મોટી કંપનીના માલિકો કંપનીની પ્રગતિને આભ સુધી લઈ જવા પોતાના કર્મચારીઓને ઘસાઈ જવાની પ્રેરણા આપે છે, પરંતુ કર્મચારીઓ માટે પોતે ઘસાઈ શકતા નથી.
આજે કોઈ પણ દેશ વિકાસશીલ થવા માટે મશીનો સાથે સાનુકૂળ થઈ જાય છે, પરંતુ પાડોશી દેશો સાથે સાનુકૂળ થઈ શકતા નથી, પરંતુ સિદ્ધાંત એ છે કે, જ્યાં સુધી બીજા પ્રત્યે સુહૃદ ન થઈએ, અનુકૂળ ન થઈએ અને ઘસાઈએ નહી, ત્યાં સુધી કુસંપરૂપી ગ્રહ આપણી પ્રગતિમાં બાધારૂપ થાય છે, કારણ કે સંપ એ કોઈ પણ ક્ષેત્રમાં પ્રગતિનો આધારસ્તંભ છે. સંપ નામની સિમેન્ટ વિના પ્રગતિની ઈમારત ચણી શકાતી નથી.
એટલા માટે જ, શાસ્ત્રોમાં કહેવાયું છે કે સંઘાતોહિ મહાબલમ્। સંઘે શક્તિઃ કલો યુગે અર્થાત્ સંપ મહાબળવાન છે.
અમેરિકન ઉદ્યોગપતિ હેન્રી ફોર્ડ જણાવે છે કે, “ભેગા થવું તે શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે અને ભેગા મળીને કાર્ય કરવું તે સફળતા છે.’ તો સંપના સૂત્રને અનુસરનારા ધનકુબેર બિલ ગેટ્સ જણાવે છે કે ‘માઈક્રોસોફ્ટ કંપનીને ટોપ 20 બુદ્ધિશાળી સાથીઓ છોડી દે તો કંપનીનું પતન થઈ જાય, મારી મૂડી મારા બુદ્ધિશાળી સાથીદારો છે.
સમાજમાં આવાં તો અનેક ઉદાહરણો મૂર્તિમાન છે, જ્યાં સંપને લઈને અશક્ય લાગતાં કાર્યો પણ શક્ય થયાં છે. થોડા સમય પૂર્વે અમેરિકાની ધરતી ઉપર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા રચાયેલું અક્ષરધામ એ સંપનું સીમાચિહ્નરૂપ છે. સારા કામમાં સો વિઘ્નના ન્યાયે ન્યુ જર્સી અક્ષરધામના નિર્માણકાર્યમાં પણ અનેક વિઘ્નો આવ્યાં. આમાં કેટલાંક વિઘ્નો તો એવા હતા સામાન્ય માણસ મનથી હારીને કંટાળીને કામ જ છોડી દે. હજુ આ મહામંદિરનું કાર્ય માંડ અડધે આવ્યું હતું ત્યાં જ એક વિઘ્ન એવું આવ્યું કે દોઢસો કારીગરોમાંથી ફક્ત 24 કારીગરો જ કામ પર આવ્યા. આટલા ઓછા કારીગરોથી નિર્માણકાર્ય પૂર્ણ થવું શક્ય નહોતું.
આવા કપરા સંજોગોમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ભગવાનમાં શ્રદ્ધા અને સંપશક્તિના બળે આ કાર્યને આગળ ધપાવ્યું. તેમણે સંતો અને સ્વયંસેવકોને સાથે મળીને આ સેવાકાર્યમાં ઝંપલાવવા હાકલ કરી. તેમના એક વચને ગણતરીના કારીગરો સાથે અમેરિકામાં જ ઊછરીને ત્યાગાશ્રમ ગ્રહણ કરનારા સંતો સાથે સાડાબાર હજાર જેટલા ભાઈઓ-બહેનો સેવામાં જોડાઈ ગયાં. સુવિધાની પરવા કર્યા વગર આ કાર્યકરો સેવા કરવા માંડ્યા. સંપ, સુહૃદયભાવ અને એકતાથી મંડી પડેલા આ સ્વયંસેવકોએ જોતજોતામાં ઈતિહાસ રચી દીધો. એક સર્વેક્ષણ પ્રમાણે અક્ષરધામ 2027 પહેલાં પૂર્ણ થવું અસંભવ હતું, પણ સંપશક્તિના બળે આ ભગીરથ કાર્ય નિર્ધારિત સમયે પૂર્ણ થયું. 8 ઑક્ટોબર, 2023ના દિવસે ભાવિકો એને માટે ખુલ્લું મૂકવામાં આવ્યું.
એટલે જ, અક્ષરધામની મુલાકાત લેનારલ ડેનિયલ આર. બેન્સન (જનરલ એસેમ્બલી, ન્યુ જર્સી) આ સંપકાર્યથી પ્રભાવિત થઈને બોલી ઊઠ્યા કે, ‘હું માનું છું કે જ્યારે આપણે સંપથી કોઈ પણ કાર્ય માટે એકત્રિત થઈએ છીએ ત્યારે આપણે ધારીએ તે કરી શકીએ છીએ. આ ભવ્ય અક્ષરધામ તેનું ઉત્તમ ઉદાહરણ છે. 10 વર્ષ પહેલાં આ અક્ષરધામ મંદિર માત્ર એક સંકલ્પ હતો, પરંતુ સૌના સંપ અને ભક્તિભાવથી તે સંકલ્પ આજે આપણી નજર સમક્ષ જ અક્ષરધામમાં પરિવર્તિત થયો છે.
અમેરિકાની ધરતી પર રયાયેલું અક્ષરધામ સૌથી મોટું મંદિર છે, જે માત્ર ભગવાનમાં શ્રદ્ધા રાખવાનો, સંસ્કારસીંચનનો કે સંસ્કૃતિરક્ષાનો જ સંદેશો નહીં, પરંતુ સંપની ચમત્કારિક શક્તિનો વૈશ્વિક સંદેશો પણ આપે છે.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
