શૂન્યમાંથી સર્જન કરવાનું સામર્થ્ય એટલે સંકલ્પ

એનું નામ દશરથ માંઝી. પર્વત પુરુષ જેવા ઉપનામથી પંકાયેલા દશરથ બિહારમાં ગયા જિલ્લાની નજીક ગહલૌર ગામના નિર્ધન મજૂર. એ વિસ્તારમાં આજથી આશરે 65-70 વર્ષ પહેલાં વીજળી, પાણી, તબીબી સારવાર જેવી પાયાની સુવિધા ન હોવાના કારણે ગામવાસીઓને ઈલાજ માટે આશરે 15 કિલોમીટર દૂર આવેલા શહેરમાં જવું પડતું. જો કે આખો વિસ્તાર પહાડોથી ઘેરાયેલો હોવાને લીધે ગામવાસીઓએ 50-60 કિલોમીટરનો ચકરાવો લેવો પડતો. એક અંગત અનુભવથી પ્રેરિત દશરથ માંઝીએ હથોડી અને છીણીથી એકલા હાથે 25 ફૂટ ઊંચો પહાડ કોતરીને પહોળો રસ્તો બનાવ્યો, જેના લીધે 50-60 કિલોમીટર દૂર આવેલું શહેર 15 કિલોમીટર નજીક આવી ગયું. 1960થી 1982 એમ 22 વર્ષ દશરથ દિવસ-રાત પહાડ કોતરતા રહ્યા. 2007ના ઑગસ્ટમાં 78 વર્ષની ઉંમરે તેમનું નિધન થઈ ગયું. ગામમાં એમની સમાધિ બનાવવામાં આવી.

આ સત્યઘટના ઊંચા સપનાની અભિવ્યક્તિ છે. જો સપનામાં દઢ ઈચ્છાશક્તિ ભળે, મારે આ સપનું સાકાર કરવું જ એવો દઢ નિર્ણય ભળે તો એને સંકલ્પ કહેવાય છે. સંકલ્પમાં ભવિષ્યની કલ્પના તો હોય છે, પણ કલ્પનાને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવા કંઈ પણ કરી છૂટવાની જિદ હોય છે.

હવે જરા આ જુઓઃ સમયકાળ અઢી હજાર વર્ષથીયે પહેલાંનો છે. સિંધુ નદીના કિનારે વસેલા એક નાનકડા ગામમાં સામુદ્રિક શાસ્ત્રના જાણકાર પ્રખ્યાત જ્યોતિષી પધાર્યા. ગામની સંસ્કૃત પાઠશાળામાં ભળવા જતાં બાળકો એમને ઘેરી વળ્યા. સૌ પોતાનું ભવિષ્ય જાણવા તત્પર બન્યા હતા. વિશેષ તો એમને ભણતર વિષયક પૃચ્છા હતી. જ્યોતિષી મહારાજ ખૂબ શ્રદ્ધાથી સૌનાં ભાવિ ભાખી રહ્યા હતા. છેલ્લે એક સામાન્ય દેખાતા બાળકે હાથ લાંબો કર્યો અને જિજ્ઞાસાથી પોતાની આંખો જ્યોતિષીના મુખ પર કેન્દ્રિત કરી. મહારાજે બાળકની હાથની રેખાઓને તપાસવા દષ્ટ ઝીણી કરી. બાળક સામું જોઈ પળવાર સ્થિર થઈ બોલ્યાઃ “બેટા, તારા હાથમાં તો વિદ્યાભાગ્યની રેખા જ નથી.”

પંડિતજીનો જવાબ સાંભળી બાળકે ફરી હથેળી લાંબી કરતાં પૂછ્યું, “મહારાજ, વિદ્યાની રેખા ક્યાં હોય છે?’

જ્યોતિષીએ હાથમાં ખાલી જગ્યા બતાવી. બાળક દોડતો ઘરેથી ચપ્પુ લઈને આવ્યો. જ્યોતિષી પાસે જઈને હાથની ખાલી જગ્યા પર ચપ્પુથી રેખા કોતરી દેતાં કહ્યું, “આ રહી વિદ્યાની રેખા. હવે હું પણ પ્રકાંડ પંડિત બની શકીશ.”

હા, વિદ્યારેખા ન ધરાવતા ગામડાના એ સામાન્ય બાળકના સંકલ્પે દુનિયાને સર્વશ્રેષ્ઠ સંસ્કૃત વ્યાકરણની ભેટ આપી. એમનું નામઃ પાણિનિ.

આ વિશ્વમાં આવા તો કંઈકેટલાય તારલા છે, જેમણે પોતાના દૃઢ સંકલ્પથી કીર્તિના આભમાં ઉડાન ભરી છે, ‘કંઈ નહીં’માંથી ‘બધું જ અહીં’ સુધીને પ્રવાસ શક્ય છે. બસ, એક સંકલ્પની જરૂર છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વિજ્ઞાની ડૉ. અબ્દુલ કલામ સાહેબ તેમના પુસ્તક ‘વિંગ્ઝ ઑફ ફાયર’માં નોંધે છે કે “જ્યારે તમે કોઈ વસ્તુ માટે હૃદયના ઊંડાણમાંથી સંકલ્પ કરો છો ત્યારે તેને પૂર્ણ કરવા સમગ્ર બ્રહ્માંડની શક્તિ કામે લાગી જાય છે.”

થોડા જ દિવસ પહેલાં (15 જાન્યુઆરીએ) BAPSના પાંચમા ઉત્તરાધિકારી પૂજ્ય પ્રમુખસ્વામીની જન્મશતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિ થઈ. આ ભવ્ય ને દિવ્ય કાર્યની સફળતા માટે સંસ્થાના 8૦ હજાર જેટલા સ્વયંસેવકો ખડેપગે ઊભા રહ્યા. સંસ્થાના વિદ્વાન સંતોએ અને આ એંસી હજારથી વધુ સ્વયંસેવકોએ એક સંકલ્પ કર્યો કે સમાજ માટે જાત ઘસી નાખનાર આપણા ગુરુ પ્રત્યેનું ઋણ અદા કરવા, લાખોનાં જીવનપરિવર્તન માટે આપણે આ મહોત્સવ ઊજવી રહ્યા છે તો એને વિનાવિઘ્ને પાર પાડવો જ રહ્યો. અને એમ જ થયું. એક મહિનામાં આશરે સવા કરોડ જેટલા વિઝિટર્સ આવ્યા, પણ એક ફરિયાદ નહીં.

આ અદભુત માનવશરીર આપણને મળ્યું છે, તે વ્યર્થ કામોમાં વેડફાઈ ન જાય તે માટે આજથી જ એક સારો સંકલ્પ કરીએ. જ્યાં સૌ પ્રેમ, સદભાવ અને શાંતિથી, એકમેક સાથે હળીમળીને રહેતા હોય એવી સૃષ્ટિના નિર્માણનો સંકલ્પ. આવો સંકલ્પ લઈ તો જુઓઃ તેને પૂર્ણ કરવા બ્રહ્માંડની બધી શક્તિ જરૂર કામે લાગી જશે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)