વા વાયા ને નળિયું ખસ્યું…

“અરે એની શું વાત કરો છો? સાવ નકામો છે… એનામાં પડવા જેવું નથી… જો કે હું એને મળ્યો નથી, પણ એના વિશે ઘણું ઘણું સાંભળ્યું છે.”

આવા સંવાદ આપણે રોજબરોજના જીવનમાં સતત સાંભળતા હોઈએ છીએ. આપણી ભાષામાં એક સરસ કહેવત છેઃ “વા વાયા ને નળિયું ખસ્યું, તે દેખીને કૂતરું ભસ્યું… કોઈ કહે મેં દીઠો ચોર, બહુ થયો ત્યાં શોરબકોર” અર્થાત્ પૂરઝડપે ફૂંકાતા પવનથી નળિયું ખસ્યું એ મામૂલી ઘટના આગળ જતાં ચોર, ચોરીમાં પરિણમી ગઈ.

આનું કારણ એ કે પેલી વ્યક્તિ આવી છે ને ફલાણો તો આવો છે એવું એક ચિત્ર આપણે મનમાં દોરી લેતા હોઈએ છીએ. જો એ માણસ ખરેખર નકામો હોય તો તેની સાથેનું આપણું વર્તન પણ એવું જ થઈ જાય છે, પરંતુ સમસ્યા ત્યારે થાય, જ્યારે આપણે તૈયાર કરેલું એ માણસનું ચિત્ર જ ખોટું હોય.

મનોવિજ્ઞાનમાં આને ‘પ્રિડિસાઈડેડ ઈમેજ’ કહે છે. માની લીધેલી ખોટી ધારણા, અધકચરી માહિતી, આપણા દૃષ્ટિકોણથી જ વ્યક્તિને જોવાની રીત, વગેરે આપણને એક પ્રિડિસાઈડેડ ઈમેજ તરફ ખેંચી જાય છે. કોરોનાકાળ, લૉકડાઉન વખતે જ્યારે આપણે ઘરમાં ગોંધાઈ રહેલા ત્યારે આવી અધકચરી માહિતીના ઢગલા આપણા મોબાઈલમાં ઠલવાતા આપણે અનુભવેલા. રાઈટ?

આવી પૂર્વધારણાવાળી છબિ ચીતરવાથી નાના નાના પ્રશ્ન મોટું સ્વરૂપ ધારણ કરે છે. તબિયત પર પણ આની અસર પડે છે. મેડિકલ સાયન્સ આ વાતની પુષ્ટિ કરે છે કે ખોટી, પ્રિડિસાઈડેડ ઈમેજ બાંધી સતત તેની ચર્ચા કરતા, તેના જ વિચારો કરતા માણસના સ્વાસ્થ્ય પર માઠી અસર પડતી હોય છે.

અંગ્રેજીમાં એક કહેવત છેઃ “બિલિવ ઑન્લી હાફ વ્હૉટ યુ સી, ઍન્ડ નથિંગ ધૅટ યુ હીઅર” અર્થાત્ જોયેલી-સાંભળેલી વાતની પણ હકીકત જાણીને જ તેને મૂલવો. મહાન વ્યક્તિ હંમેશાં જીવનમાં વાસ્તવિક્તા જાણવાનો પ્રયત્ન કરે છે અને ત્યાર બાદ નિર્ણય લે છે. વાસ્તવિક્તા જાણવાથી વ્યક્તિ સાથેનો પૂર્વગ્રહ તૂટે છે, અને સંબંધ બગડતા અટકે છે

અમેરિકાના ધનાઢ્ય જ્હોન.ડી.રોકફેલરની કંપનીને એક કર્મચારીની ભૂલથી ખૂબ મોટું નુકસાન થયું. મૅનેજમેન્ટે તેને કાઢી મૂકવાનો નિર્ણય લીધો ત્યારે રોકફેલરે કહ્યું કે “આ માણસ 20 વર્ષથી આપણે ત્યાં નોકરી કરે છે, એણે આપણને કરોડોની કમાણી કરાવી છે, તેને નિપુણ બનાવવા કંપનીએ ઘણો ખર્ચો કર્યો છે. આ નૈપુણ્ય બીજા માટે નથી.”

-અને આશ્ચર્ય! થોડા જ સમયમાં એ જ વ્યક્તિએ કંપનીને ફરીથી મોટો નફો કરાવી આપ્યો.

રોજબરોજના જીવનમાં બનતી ઘટનાઓ તથા પરિવાર, સગાંવહાલાં સાથેના વ્યવહારમાં પણ આપણે આપણા જ દૃષ્ટિકોણથી ધારણા બાંધી લઈએ છીએ અને દાવો કરીએ છીએ કે “હું જે સમજું છું એ જ સાચું,” પણ ઓ હેલો, આપણી ધારણા ખોટી પણ હોઈ શકે છે. જો આપણે વાસ્તવિકતા જાણવાનો, દૃષ્ટિકોણ સમજવાનો અને ક્રિયાનો હેતુ ઓળખવાનો પ્રયત્ન કરીએ તો પૂર્વમાન્યતામાંથી બહાર નીકળી શકાશે.

વિચાર્યાવિના ત્વરિત નિર્ણયને તિલાંજલિનો, સંકુચિત વિચારધારાનો, કાળા માથાના કોઈ પણ માનવમાત્રમાં પરિવર્તન શક્ય છે એનો તથા માનવમર્યાદાનો સ્વીકાર કરવો… આ પરિબળો પ્રિડિસાઈડેડ ઈમેજ બાંધવાના નિર્ણયમાંથી બહાર લાવશે.

પૂજ્ય પમુખ સ્વામી મહારાજને એક વિશ્વવ્યાપી સંસ્થાનું સંચાલન કરતાં અનેક લોકો સાથે કામ કરવાનું થયું, પરંતુ તેઓએ ક્યારેય કોઈના પ્રત્યે પૂર્વગ્રહ રાખ્યો નહીં. કોઈની ફરિયાદ આવી હોય તો તેઓ જેમની ફરિયાદ આવી હોય એમની સાથે વાત કરતા, પૂરી માહિતી મેળવતા, પછી બંને પક્ષને સમજાવતા. એકને કહેતા કે તમે ચલાવી લો, અને બીજાને કહેતા તમે જરા સુધારો કરો.

જેમ મશીનમાં તેલનું એક ટીપું ઘણાં ઘર્ષણ (ફ્રિક્શન) અટકાવે છે તેમ પૂર્વગ્રહરહિત જીવન વ્યક્તિ સાથેના આપણા વ્યવહારમાં થતાં ઘર્ષણને ટાળે છે. નવા વર્ષના આ બીજા મહિનાથી મનમાં ગાંઠ વાળીએ કે આપણે પૂર્વગ્રહ-રહિત જીવન જીવીશું.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)