સફળતાની ફૉર્મ્યુલાઃ શ્રદ્ધા અને વિશ્વાસ…

થોડાં વર્ષ પહેલાંની વાત. અમેરિકાના એક સાહસવીરે નક્કી કર્યું કે એ નાયેગરા ધોધ પર દોરડું બાંધીને ચાલશે. સૌ જાણે છે એમ, નાયેગરાનો અફાટ જળરાશિ આ તરફ અમેરિકા અને પેલી બાજુ કેનેડા (ટોરન્ટો)માં ધસમસે છે. જરૂરી પરમિશન મેળવી નિયત દિવસે એણે બેઉ છેડે દોરડું બાંધી ચાલવાનું શરૂ કર્યું. અમેરિકાથી કેનેડા સાઈડ સુધી પહોંચી એ હેમખેમ પરત ફર્યો. બન્ને બાજુથી તાળીના ગડગડાટ થયા. એ પછી એણે દોરડા પર સાઈકલ ચલાવી. એમાં પણ સફળ. ત્યાર બાદ તો હદ કરીઃ એણે ડબલ-સીટ લઈને અર્થાત્ પાછળ એક જણને બેસાડીને દોરડાં પર સાઈકલ ચલાવી. આટલું જ નહીં, વચ્ચોવચ પહોંચીને બન્નેએ આઈસક્રીમ ખાધો, ને બીજા છેડા પર પહોંચી પરત ફર્યા. ચોમેર હર્ષની ચિચિયારીઓ, તાળીના ગડગડાટ, બૂમાબૂમ…

નમતા બપોરે બધા સ્ટંટ કરી લીધા બાદ એણે ઉપસ્થિત મેદનીને સવાલ કર્યો: “હવે પછી જ્યારે હું આવા સ્ટંટની જાહેરાત કરું ત્યારે તમને ખાતરી થશે કે હું એ કરી શકીશ?”

મેદનીએ એકસાથે રાડ પાડીઃ “હા હા, જરૂર. હમણાં જ અમે જોયુંને. તમે કરી જ શકશો.”

મેદનીનો જવાબ હકારમાં આવતાં એણે વળી સવાલ કર્યોઃ “તો મારી પાછળ સાઈકલ પર બેસવા તમારામાંથી કોઈ આવશે? કેમ કે મારો પાર્ટનર થોડો સમય અવેલેબલ નથી.”

આ સાંભળતાં જ ચારે બાજુ સ્મશાનવત્ શાંતિ છવાઈ ગઈ. બધાએ નકારમાં મૂંડી ધુણાવી ત્યાંથી ચાલતી પકડી.

કારણ? બધાને શ્રદ્ધા હતી, પણ વિશ્વાસ નહોતો કે એ કરી જ શકશે. ભગવાનમાં આપણી શ્રદ્ધાનું પણ કંઈ આવું જ છે. ઈશ્વરમાં આસ્થા તો સૌને વધતે-ઓછે અંશે છે જ, ભલભલો નાસ્તિક પણ જ્યારે વિષમ પરિસ્થિતિમાંથી પસાર થતો હશે ત્યારે અચૂક સર્વશક્તિમાન ઈશ્વરને યાદ કરશે જ, પણ એને વિશ્વાસ નથી. શ્રદ્ધા હોવી અને વિશ્વાસ હોવો એ બેમાં ફરક છે.

ઘણા લોકો રોજ પૂજા કરતા હશે, મંદિરે જતા હશે, કદાચ વ્રત-ઉપવાસ પણ કરતા હશે. આમ છતાં એક અતૂટ વિશ્વાસ ઈશ્વરમાં હોવો જોઈએ એ નથી આવતો, કે આ જગતમાં જે કંઈ થાય છે એ એની મરજીથી થાય છે.

કહેવાનું તાત્પર્ય એ કે જીવનમાં કોઈ વિકટ પરિસ્થિતિ આવે તો સ્થિર રહેવું, ભગવાનમાં વિશ્વાસ રાખવો, આત્મવિશ્વાસ રાખવો, થોડો સમય પસાર થવા દો, પુરુષાર્થ કરતા રહો. તમે અવશ્ય બહાર આવી જશો. આ અભિગમ તમારી પ્રગતિ, તમારી સફળતાનું કારણ બની રહેશે.

શું માતા-પિતા ક્યારેય સંતાનનું બૂરું ઈચ્છે? તો, આપણે પણ એના સંતાન છીએ. એ પણ આપણું સારું જ ઈચ્છે છે, આપણા માટે ચિંતિત છે… તમારે એક વાત યાદ રાખવાની કે ઉપરવાળો પીઠ થાબડે તો આનંદમાં રહેવું અને જો થપ્પડ મારે તો પણ આનંદમાં રહેવું, બલકે એ સ્વીકારીને એમાંથી કંઈ શીખવું. જરૂરી બન્ને છે.

બીજી એક વાત- ક્રિયેટિવિટીની સાથે કૉન્ફિડન્સ પણ રાખજો, કેમ કે જીવનમાં નિષ્ફળતા પણ મળશે, એ પચાવવી પડશે. પ્રતિકૂળ સંજોગમાં પણ સાનુકૂળ પ્રતિભાવ રહે એ માટે આ સોનેરી સૂત્ર હંમેશાં યાદ રાખજોઃ

જ્યાં સુધી દોડી શકું, ત્યાં સુધી દોડતો રહીશ.

નહીં દોડી શકું તો ચાલીશ.

ચાલી નહીં શકું તો, ભાંખોડિયાં ભરીશ… પણ હાર નહીં માનું. ક્યારેય નહીં.

રોજ સવારે ઊઠીને આ ત્રણ વાક્ય બોલજો, આંખ-કાન ખુલ્લા રાખજો, ઈશ્વરમાં અતૂટ વિશ્વાસ રાખજો, તો જીવનમાં સદાકાળ સ્થિરતા રહેશે, સમૃદ્ધિ આવશે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]