સાધુ જ્ઞાનવત્સલદાસ: કેવી રીતે સુખી બને જીવન અને જીવનયાત્રા?

ક દિવસ અમેરિકાના એક વિજ્ઞાનીએ વિચાર્યું કે આ પૃથ્વીથી લાખો કરોડો જોજન દૂર આકાશમાં રોજ રાતે ચમકે છે તે ચંદ્ર પર જવાય ખરું? એણે એ દિશામાં વિચારવાનું શરૂ કર્યું અને પહોંચી ગયો. એનું અથવા એમનાં નામ શું, વગેરે વિગતમાં જવાનો આશય નથી, પણ માણસ ચંદ્ર પર ગયો.

એક માણસે એક દિવસ વિચાર્યું કે આ સમુદ્ર કેટલો ઊંડો હોય? એના પેટાળમાં છે શું ત્યાં સુધી જવાય ખરું અને એ ગયો. સાગરનાં રહસ્ય એણે ઊકલ્યાં.

માણસે વિચાર્યું કે લોખંડ પાણીમાં ડૂબી જાય છે, પણ મારે તો લોખંડને સમુદ્રનાં મોજાં પર તરતું કરવું છે અને એણે એ કર્યું. એણે એવાં જંગી જહાજો બનાવ્યાં, જે હજારો લાખો ટનનાં જંગી કન્ટેનર લઈને એક દેશમાંથી બીજા દેશ સુધી પહોંચે છે.

કહેવાનું એ કે હંમેશાં વિચારશીલ રહેવું… અને એક વિચાર આવે ત્યારે એને માત્ર મગજમાં રમતો રાખવાનો નહીં, બલકે એની પર મંડી પડવાનું. સાથે સાથે કાર્યમાં નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂકવાની નહીં. કારણ એ જો ચૂક્યા તો ગમે એટલી આવડત હશે, ગમે એટલી બુદ્ધિ હશે તો પણ પ્રશ્ન આવશે આવશે ને આવશે જ.

આ થઈ વાત પરિવાર માટે જરૂરી સુખસગવડ, વ્યવસ્થા ઊભી કરવા આવક મેળવવાની વાત. જીવનયાત્રા સુખી બનાવવાનો બીજો એક જીવનમંત્ર. તમારા કુટુંબમાં, મિત્રવર્તુળોમાં, પડોશી, તમારી આસપાસ એવી પચીસ પચાસ વ્યક્તિ એવી હશે, જેને માટે તમને પ્રેમ અને આદર હશે, એ વ્યક્તિને પણ તમારા માટે પ્રેમ અને આદર હશે એમની સાથે મનમેળ હશે તો તમે નક્કી કરો કોઈ પણ સંજોગોમાં, મારી આંખો હંમેશ માટે મીંચાય ત્યાં સુધી આ પચીસ-પચાસ વ્યક્તિ મારા જીવનમાં રહેવી જ જોઈએ. કારણ કે જીવન સુખમય રહે એ માટે મને એમની ગરજ છે એટલે હું એમની સાથે સંબંધ રાખીશ. એમાં ક્યારેક નમતું મૂકવું પડે ક્યારેક થોડું જતું કરવું પડે, કોઈ વાર થોડું મોટું મન રાખવું પડે, કોઈ વાર સામેવાળાનો દુરાગ્રહ હોય તો સાચવી લેવો પડે. મારાં સુખદુઃખમાં મારી પડખે ઊભા રહેશે.

યાદ રાખજો, તમારા કપરા સમયમાં ફેસબુક કે ઈન્સ્ટાગ્રામના મિત્રો, ફૉલોઅર નહીં આવે. આવશે તો આ જ પચીસ-પચાસ લોકો જ. એટલે વિચારશીલ રહીને, એ વિચારને અમલમાં મૂકીને, નીતિમત્તા જાળવીને પુરુષાર્થ સાથે સારી આવક મેળવી પરિવાર માટે જોઈએ એ વ્યવસ્થા કરો.

સાથે જ તમારાં બાળકો માટે સારામાં સારા શિક્ષણની જોગવાઈ કરો, કેમ કે એજ્યુકેશન ઈઝ ધ પાવર. અને એજ્યુકેશનની સાથે સંસ્કાર. એ નહીં હોય તો પૂજ્ય પ્રમુખસ્વામી કહેતા એમ, તમારે સંપત્તિ અને સંતતિ બન્ને ખોવાનો વારો આવશે. બાળમાનસના ઊંડા અભ્યાસુઓ એક તારણ પર આવ્યા છે કે બાળક સૌથી પહેલી ગાળ કે અપશબ્દ બોલે છે એ પરિવારમાંથી શીખ્યો હોય છે. એટલે બાળકો માટે સારાં શિક્ષણ સાથે સારા સંસ્કાર બહુ જરૂરી છે.

એક દુખદ વાત એ છે કે આજે દુનિયામાં ત્રીસેક હજાર જેટલા વિજ્ઞાનીઓ રાતદિવસ એક કરીને વેપન્સ ઑફ માસ ડિસ્ટ્રક્શનના અવનવા તરીકા, બૉમ્બ, મિસાઈલ્સ, વગેરે બનાવવામાં લાગેલા છે. એમને કેમ એવો વિચાર નથી આવતો કે હું સારામાં સારી યુનિવર્સિટીમાં વિજ્ઞાન ભણ્યો તો એનાથી કેવી રીતે હું માનવજાતિને સુખી કરું? આવો વિચાર એને નથી આવતો કેમ કે એને સંસ્કાર નથી.

બસ, તો આ છે કેટલીક ચાવી જીવનયાત્રાને સુખમય બનાવવાનીઃ વિચારશીલ રહેવું, નીતિમત્તા, સાથે પુરુષાર્થ કરવો, પરિવાર માટે વ્યવસ્થા કરવી, સમઆદર ધરાવતી વ્યક્તિ-મિત્રો સાથે સંબંધ જાળવી રાખવા અને સંતાનોને સારું, ઉચ્ચ શિક્ષણ તથા એમનામાં સંસ્કારનું સિંચન.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)