યાત્રા… સંકલ્પથી સફળતા સુધી

સક્સેસનું પહેલું પગથિયું કયું? આ સવાલ મને સતત પુછાતો રહ્યો છે. મારો પહેલો ને સહેલો જવાબ હોય છેઃ સફળતાની શરૂઆત અડગ નિશ્ચયથી થાય છે. રોજ સવારે ઊઠીને આ એક વાક્ય પાંચ વાર બોલોઃ ઈફ આઈ ડિસાઈડ, આઈ કૅન અર્થાત્ મેં નક્કી કર્યું કે આ કામ કરવું છે તો હું કરીને જ રહીશ.

તમે કંઈ કરવાનો સંકલ્પ કર્યો અને એ પૂર્ણ કરવા પુરુષાર્થ કરો, મહેનત કરો એ બરાબર છે, પણ સાથે સાથે તમારો સંકલ્પ લોકો સાથે શૅર કરોઃ “મેં આ કાર્ય આદર્યું છે, હું આ કરવા ધારું છું તો મને તમારી પાસેથી સારા વિચાર જોઈએ છે, સૂચન જોઈએ છે.”

અહીં બિલ ગેટ્સનું ઉદાહરણ ઉલ્લેખનીય છે. જાતમહેનતે અબજોપતિ બનેલા બિલ ગેટ્સ નોંધે છે કે મારી સફળતાનાં ત્રણ મુખ્ય કારણ છેઃ

(1) દ્રઢ સંકલ્પ (ડિટરમિનેશન) (2) અથાક પરિશ્રમ (ઈન્ટેન્સ હાર્ડવર્ક) અને (3) બીજાના વિચારનો સ્વીકાર (એક્સેપ્ટન્સ ઑફ ધી આઈડિયાઝ ઑફ અધર્સ).

અન્યના વિચારનો સ્વીકાર કરતી વખતે અહંને એક બાજુએ મૂકી દેવો પડે. ઘણા કહેતા હોય છે કે મારે કોઈના વિચારની જરૂર નથી, મને બધી ખબર છે, મને બધું આવડે છે… અલ્યા, તને બધી ખબર છે, તને બધું આવડે છે તો તું છો ત્યાં ને ત્યાં કેમ છો?

આ ઉપરાંત, નેગેટિવિટીથી અને સતત નેગેટિવ વાતો કરતા કમજોર લોકોથી દૂર રહેજો, નબળા વિચાર જ નહી જોઈએ. હંમેશાં સારા વિચાર. નેગેટિવિટીને પાસે ફરકવા જ ન દેવી. ના, નહીં, જેવા શબ્દ વિચારવાના જ નહીં.

વર્તમાન સમયમાં સંકલ્પથી સફળતાની યાત્રા આડેનું સૌથી જટિલ સ્પીડબ્રેકર જો કોઈ હોય તો એ છે સોશિયલ મિડિયાનું વળગણ. અહીં હું એક વાત સ્પષ્ટ કહી દેવા માગું છું કે સોશિયલ મિડિયાનું વધુ પડતું એક્સપોઝર ઘાતક છે એનો અર્થ એ નહીં કે નવી ટેક્નોલોજી શાપિત છે. મોબાઈલ ફોન, આઈપૅડ, લૅપટૉપનો ઉપયોગ ભણતર માટે, બિઝનેસ માટે કરવો જ જોઈએ. કમનસીબે વૉટ્સઍપ કે ટેલિગ્રામ જેવા કમ્યૂનિકેશનના સારા અને ફાસ્ટ માધ્યમને આપણે બેફામ ઉપયોગથી મજાક બનાવી દીધું છે એનાથી બચવાની જરૂર છે.

વર્ષો પહેલાં પૂજ્ય પ્રમુખસ્વામીને ન્યૂ યૉર્ક ઍરપૉર્ટ પર એક પત્રકારે સવાલ કરેલો કે મૉડર્ન ટેક્નોલોજી વિશે, ઈન્ટરનેટ વિશે આપનું શું માનવું છે? એ આશીર્વાદ છે કે શાપ? ત્યારે પ્રમુખસ્વામીએ જવાબ આપ્યો કે “ટેક્નોલોજીનો, ઈન્ટરનેટનો ઉપયોગ વિવેકપૂર્ણ કરો તો આશીર્વાદ અને જો વિવેક ચૂક્યા તો શાપ.”

આપણાં કામ સરળ બનાવવા સ્માર્ટ ફોન, ઈન્ટરનેટ આવ્યાં છે, પણ માણસ એનો ગુલામ બની ગયો છે. રોજના બે-અઢી કલાકથી વધુ સમય સોશિયલ મિડિયા પાછળ વિતાવવો એ નર્યું ગાંડપણ છે. નિષ્ણાતોનું તારણ છે કે આનાથી સમય તો બગડે જ છે, બલકે એનાં ડિપ્રેશન અને આત્મહત્યા જેવાં ગંભીર પરિણામ પણ આવે છે.

સોશિયલ મિડિયાના વધુ પડતા વપરાશથી મગજની મેમરી ભરાઈ જાય છે. કેમ કે ત્યાં અનલિમિટેડ મેમરી નથી. મોબાઈલમાં વધારે પડતો ડાટા ભરાઈ જાય તો એ હેંગ થઈ જાય એ જ રીતે મગજમાં વધારે પડતો ડાટા, વગર જોઈતી માહિતી ભરાય તો એ પણ હેંગ થઈ જશે. તમારો સંકલ્પ એ બોજ તળે દબાઈ જશે, નબળો પડી જશે. પછી સંકલ્પમાં સફળતા સુધી પહોંચવાની તાકાત રહેશે નહીં. ડિજિટલ યુગમાં ડિસિપ્લિન જરૂરી છે. યૂટ્યુબનું લાલ અને વૉટ્સઍપનું લીલું બટન ભારે શક્તિશાળી છે- તમને ખતમ કરવા માટે.

બસ, આટલું ધ્યાનમાં રાખશો તો સંકલ્પથી સફળતા સુધી જરૂર પહોંચશો.